શૂટિંગ વર્લ્ડ કપ : શહઝર રિઝવીએ રેકોર્ડ બ્રેક કરતાં ગોલ્ડ મેડલ જીત્યો - Sandesh
  • Home
  • Newspaper
  • શૂટિંગ વર્લ્ડ કપ : શહઝર રિઝવીએ રેકોર્ડ બ્રેક કરતાં ગોલ્ડ મેડલ જીત્યો

શૂટિંગ વર્લ્ડ કપ : શહઝર રિઝવીએ રેકોર્ડ બ્રેક કરતાં ગોલ્ડ મેડલ જીત્યો

 | 1:36 am IST

ગ્વાદલઝારા, તા. ૪

મેક્સિકોના ગ્વાદલઝારામાં ચાલી રહેલા આઇએસએસએફ વર્લ્ડ કપ સિરીઝમાં ભારતના શહઝર રિઝવીએ ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચી દીધો છે. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વાર ભાગ લઈ રહેલા ઉત્તર પ્રદેશના મેરઠના ૨૪ વર્ષીય શહઝરે ૧૦ મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં આ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત જિતુ રાયે પણ આ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો જ્યારે મહિલા વિભાગની ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં મેહુલી ઘોષે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

શહઝર રિઝવીએ ૧૦ મીટર એર પિસ્ટલમાં ગત વર્ષે ઓક્ટોબરમાં જાપાનના દિગ્ગજ ટોમોયૂકી મેટ્સુડા દ્વારા ૧૦ મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં બનાવેલા ૨૪૧.૮ના રેકોર્ડને તોડતાં ૨૪૨.૩ પોઇન્ટ મેળવી ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ ઇવેન્ટમાં જર્મનીના ક્રિશ્ચિયન રિટ્ઝે ૨૩૯.૭ પોઇન્ટ મેળવી સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતના દિગ્ગજ જિતુ રાયે ૨૧૯ પોઇન્ટ મેળવતાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

વર્લ્ડ કપની આ પ્રથમ પ્રતિસ્પર્ધાના ફાઇનલ રાઉન્ડમાં ભારતના ત્રણ શૂટર્સે ક્વોલિફાઇ કર્યું હતું. આ સ્પર્ધામાં ક્વોલિફાઇ કરનાર ત્રીજો શૂટર ઓમ પ્રકાશ મિથરવાલ હતો જે ચોથા સ્થાને રહ્યો હતો. તેણે ૧૯૮.૪ પોઇન્ટ મેળવ્યા હતા. સંભવતઃ આ પ્રથમવાર બન્યું હતું કે, શૂટિંગ વર્લ્ડ કપમાં મેડલની રેસમાં ભારત તરફથી ત્રણ શૂટર્સે ક્વોલિફાઇ કર્યું હોય. ફાઇનલમાં આઠ ખેલાડીઓએ ક્વોલિફાઇ કર્યું હતું જેમાં શહઝર રિઝવીએ ૫૭૯ પોઇન્ટ સાથે ભારત તરફથી સૌથી વધુ પોઇન્ટ મેળવ્યા હતા જ્યારે જિતુ રાય ૫૭૮ પોઇન્ટ સાથે ત્રીજા નંબરે રહ્યો હતો. પોતાનો પ્રથમ વર્લ્ડ કપ રમી રહેલા મિથરવાલે ૫૭૬ પોઇન્ટ સાથે ચોથો ક્રમાંક મેળવ્યો હતો.

ભારતીયો ઉપરાંત આ પ્રતિસ્પર્ધાની ફાઇનલ રાઉન્ડમાં પહોંચનાર અન્ય શૂટર્સમાં જર્મનીના રિટ્ઝે સૌથી વધુ ૫૮૮ પોઇન્ટ મેળવ્યા હતા. તે પછી ફ્રાન્સના ફ્લોરિન ફોક્વેટે ૫૭૫, યુએસએના નિકોલસ મોવરરે ૫૭૪ અને પેરુના માર્કો કેરિલોએ ૫૭૪ પોઇન્ટ મેળવી ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.

૧૭ વર્ષની મેહુલીને ૧૦ મીટર એર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ

મહિલા વિભાગની ૧૦ મીટર એર રાઇફલમાં ભારતની ત્રણ શૂટર્સ ફાઇનલમાં પહોંચી હતી જે પૈકી વર્લ્ડ કપમાં પ્રથમ વાર ભાગ લઈ રહેલી મેહુલી ઘોષે મહિલા વિભાગની ૧૦ મીટર એર રાઇફલમાં ૨૨૮.૪ પોઇન્ટ મેળવી બ્રોન્ઝ જીત્યો હતો. મેહુલી ગત વર્ષે એશિયન ચેમ્પિયનશિપમાં જુનિયર કોન્ટિનેન્ટલ ટાઇટલ જીતી ચૂકી છે. આ ઉપરાંત અંજુમ મુદગીલ ૨૦૮.૬ પોઇન્ટ સાથે ચોથા અને અપૂર્વી ચંદેલા ૧૪૪.૧ પોઇન્ટ સાથે સાતમા સ્થાને રહી હતી. આ વિભાગમાં રોમાનિયાની લૌરા જ્યોર્જેટા કોમને ૨૫૧.૫ પોઇન્ટ સાથે ગોલ્ડ જીત્યો હતો જ્યારે ચીનની હોંગ ઝુએ ૨૫૧.૦ પોઇન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.