ટૂંકા રસ્તે નાણાં કમાવાની આદત ખરાબ છે - Sandesh
  • Home
  • Columnist
  • ટૂંકા રસ્તે નાણાં કમાવાની આદત ખરાબ છે

ટૂંકા રસ્તે નાણાં કમાવાની આદત ખરાબ છે

 | 12:34 am IST

કરન્ટ અફેર : આર. કે. સિંહા

કોઈ કહેતું નથી કે પ્રમાણિકતાપૂર્વક મહેનતથી કોઈપણ કામ કરીને નાણાં કમાવાં તે ખોટું છે. ઇચ્છો તેટલાં નાણાં રળો, સરકાર કે કોઈને તેની સામે વાંધો નથી, પરંતુ જલદી જલદી યેનકેન પ્રકારે નાણાં કમાવાની ફિરાકમાં અપરાધી બની જવા અનૈતિકતા અજમાવવી એ ખોટું છે, તે વિકૃત માનસિકતાને કારણે ઘણી મોટી સંભાવના ધરાવતા વ્યવસાયી અને સાહસિકો બરબાદ થઈ ચૂક્યા છે, એટલું જ નહીં તેમને જેલના સળિયા પાછળ જવું પડયું છે. હવે પેટીએમના ચેરમેન વિજય શેખરને બ્લેકમેલ કરીને રૂપિયા ૨૦ કરોડની માગણી કરવાના આરોપી સોનિયા ધવનને લઈ લો. તે સ્વયં વિજય શેખરના અંગત સહયોગી હતી, તે કઠોર પરિશ્રમ કરીને પોતાની કારકિર્દીમાં આગળ વધી રહી હતી, તેનું વેતન વાર્ષિક ૬૦ લાખ સુધી પહોંચી ગયું હતું, તે પેટીએમના વાઇસ ચેરમેનપદે પહોંચી ગઈ હતી. પરંતુ પછી ખૂબ ઝડપથી નાણાં કમાવા દોટ મૂકી હતી, અર્થાત્ તે એક ઝાટકે કરોડો રૂપિયા ખિસ્સામાં મૂકવા માગતી હતી, તેથી તેણે પોતાના સંરક્ષક પાસેથી જ રૂપિયા ૨૦ કરોડની ખંડણી માગવા ઘૃણિત કાવતરું રચી દીધું. તેના આ કાળા ખેલમાં તેનો પતિ અને અન્ય કેટલાંક લોકો ષડ્યંત્રમાં સામેલ થઈ ગયાં. હવે તેઓ બધા ખૂબ ખરાબ રીતે ફસાયા છે. હવે તેઓ જેલની ચક્કી પીસશે. હવે જરા કહો કે કેટલા ભારતીયો વાર્ષિક ૬૦ લાખ રૂપિયા કમાઈ શકે છે? પાંચ લાખ રૂપિયા મહિને રળનારી સોનિયાને એ સમજાયું જ નહીં કે સંતોષમાં શું આનંદ હોય છે?  કેટલાંક વર્ષ પહેલાં હૈદરાબાદ ખાતેની આઈટી કંપની સત્યમમાં થયેલાં કૌભાંડે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. ભારતમાં સત્યમ જેવો ગોટાળો પહેલાં કદી થયો નહોતો. સત્યમના સ્થાપક બી. રામલિંગ રાજુએ ખાતાઓમાં ગડબડ કરીને હજારો કરોડોનો નફો રળ્યો હતો. તેમના જ નાના ભાઈ અને કંપનીના પૂર્વ પ્રબંધક બી. રામ રાજુ તેમને મદદ કરી રહ્યા હતા.

વાસ્તવમાં રામલિંગ રાજુએ રિયલ એસ્ટેટમાં મોટાપાયે નાણાં લગાવવાનું શરૂ કરી દીધું હતું, તેને કારણે કેટલાંક લોકોને શંકા જન્મી હતી કે આઈટી બિઝનેસમાં ધ્યાન શા માટે નથી આપી રહ્યા. સત્યમમાં ૮ હજાર કરોડનું કૌભાંડ સામે આવતાં રાજુની ૭ જાન્યુઆરી ૨૦૦૯ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સત્યમ કૌભાંડ સામે આવતાં ઈડીએ રાજુ અને તેમનાં કુટુંબની માલિકીની ૩૪ કિંમતી મિલકતો જપ્ત કરી લીધી હતી.

હકીકતે રાજુ તે સમયે યોગ્ય અને હોશિયાર વ્યક્તિ હતા, પરંતુ લાલચના દૈત્યે તેમને પૂરી રીતે નષ્ટ કરી દીધા. તેઓ ભારતની આઈટી ક્રાંતિના અગ્રણી હતા, તેઓ પોતાનું કાર્ય પ્રમાણિકતાથી કરતા રહેત તો તેઓ પણ એન. નારાયણમૂર્તિ અને નંદન નીલેકણી જેવા આઈટી ક્ષેત્રના મહાન વ્યક્તિ બની રહેત, પરંતુ જાહેર છે કે તેઓ રસ્તો ભૂલી ગયા અને પોતાનું બધું જ તબાહ કરી દીધું. તે ખરેખર ખૂબ જ દુઃખદ સ્થિતિ હતી.   તમે વિચારતા હશો કે આજકાલ એક પછી એક એવા કેસ સામે આવી રહ્યા છે કે જેમાં કોઈક સફળ વ્યક્તિ ફસાઈ હતી, કોઈક સફળ વ્યક્તિ સફળ અને સ્થાપિત થઈ જતી હોય છે ત્યારે તેણે સમજી લેવું જોઈએ કે તેનામાંથી બીજા લોકો પણ પ્રેરણા મેળવતાં હોય છે. તે હજારો કે લાખો લોકોનું પ્રેરણાસ્થાન બની જતો હોય છે, તેણે કદી એ પ્રકારનાં કાર્ય ના કરવાં જોઈએ કે જેનાથી તેની છબી ખરડાઈ જાય.

અહીં બીજી તરફ આઈસીઆઈસીઆઈ બેન્કે વીડિયોકોન લોન કેસમાં પોતાના ખ્યાતિપ્રાપ્ત મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચરને પાણીચું આપી દીધું. કોચર અને તેમના કુટુંબના સભ્યો પર વીડિયોકોનને લોન આપવામાં ખાનગી હિતો સમાયેલાં હોવાના આક્ષેપ છે. એક ફરિયાદ પછી આઈસીઆઈસીઆઈ બેન્કે ચંદા કોચર સામે તપાસ શરૂ કરી હતી. ચંદા કોચરને દેશનાં બેન્કિંગ ક્ષેત્રના ખૂબ જ પ્રભાવશાળી અધિકારી માનવામાં આવતાં હતાં. બેન્કમાંથી તેઓ કરોડો રૂપિયાનો પગાર લેતાં હતાં, તે ઉપરાંત તેમને અન્ય તમામ સુવિધા પણ મળતી હતી, પરંતુ લાલચે તેમને ભારે નુકસાન પહોંચાડયું. હવે તેમને પહેલાં જેવું સન્માન તો ક્યારેય નહીં મળે.  કોચર પહેલાં તેમની જ બેન્કના અનેક ટોચના અધિકારી ફસાયા હતા. તેઓ બધા મોટી રકમ ખાઈ રહ્યા હતા, તેઓ બધા જ ભૂલી ગયા કે તેમનો ખેલ લાંબો નહીં ચાલે. યુનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા (યુબીઆઈ)ના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અર્ચના ભાર્ગવ પણ ભ્રષ્ટાચારના આક્ષેપમાં ફસાયાં હતાં. સીબીઆઈએ તેમનાં ઘરમાં દરોડા પાડીને રૂપિયાનાં ઘરેણાં અને ઝવેરાત ઝડપ્યાં હતાં.  હવે રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફેલાયેલી લૂંટને પણ જોઈ લો. હવે લગભગ રોજ કોઈક નામનવંતા બિલ્ડરની બંધ મૂઠી ખૂલી રહી છે. તેઓ પ્રમાણિકતાથી ખૂબ સારું કામ કરી રહ્યા હતા, પરંતુ કોણ જાણે કેમ તેમને એવું લાગ્યું કે પ્રમાણિકતાથી નાણાં કમાવામાં વાર લાગે છે અને મહેનત વધુ કરવી પડે છે રાજધાનીની નજીક નોઈડામાં સેંકડો બિલ્ડર ગ્રાહકોને ખુલ્લેઆમ લંૂટતા રહ્યા. નોઈડાની જેમ જ દેશનાં અનેક શહેરોમાં પણ બિલ્ડરે ગ્રાહકોને લૂંટયા. એનસીઆરમાં એક્ટિવ બિલ્ડર્સે તો અંધેર માચવી દીધું. વારંવાર વચનો આપવા છતાં પોતાના ગ્રાહકોને તેઓ ઘર નહોતા આપી રહ્યા. તે પૈકી મોટાભાગના બિલ્ડરનું કામ પારદર્શક નહોતું.

આ બિલ્ડર્સ પ્રમાણિકતાથી સારાં નાણાં જ કમાઈ રહ્યા હતા પરંતુ નાણાં કમાવાના હવસનો કોઈ ઉપચાર નથી. મેરા ઘર મેરા હકનું સૂત્ર આપનારા આમ્રપાલી ગ્રૂપના ચેરમેન અનિલ શર્માની જ વાત કરો. સુપ્રીમ કોર્ટ ગ્રાહકો સાથે છેતરપિંડી કર્યા બદલ થોડા સમય પહેલાં અનિલ શર્માને જેલ પણ મોકલી ચૂકી છે. સ્પષ્ટ છે કે કોઈપણ ભોગે ધન કમાવાની માનસિકતા પર લગામ લગાવવાની જરૂર છે.

સોનિયા ધવન અને સત્યમના ચેરમેન રાજુને ક્યાંય, કોઈ વાતની ખોટ નહોતી. મહેનત કરીને પણ તેઓ લાખો કરોડો કમાઈ જ રહ્યા હતા, પરંતુ ઝડપથી નાણાં રળી લેવાનું વિચારતાં જ ફસાઈ ગયા. ઝડપથી નાણાં રળી લેવાં તેઓ ગડબડ કરી રહ્યા હતા તેથી જ ફસાઈ ગયા. સાચું જ કહ્યું છે કે લાલચ ખૂબ ખરાબ ચીજ છે.

(લેખક રાજ્યસભાના સભ્ય છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;