Should a mom or doctor be informed during periods?
  • Home
  • Featured
  • પીરિયડ્સ વખતે મમ્મીને કે ડોક્ટરને જાણ કરવી જોઈએ?

પીરિયડ્સ વખતે મમ્મીને કે ડોક્ટરને જાણ કરવી જોઈએ?

 | 7:00 am IST

હેલ્થ

પીરિયડ્સ વિશે એક પછી એક હકીકત આપણે સમજતા જઈએ. દરેક છોકરીને સામાન્ય રીતે ૧૨ વર્ષથી ૧૬ વર્ષની ઉંમર વચ્ચે પીરિયડ્સ શરૂ થઈ જાય છે. ક્યારેક ક્યારેક છોકરીને ૮ વર્ષની ઉંમરથી પણ પીરિયડ્સ શરૂ થાય છે. આમ તો છોકરી પોતે અથવા એની માતા ધ્યાન રાખે તો એના પીરિયડ્સ કઈ ઉંમરથી શરૂ થશે એની અગાઉથી ખબર પડી શકે છે. જ્યારે છોકરીની બ્રેસ્ટ વિકસવા લાગે એનાં બે-અઢી વર્ષ પછી સામાન્ય રીતે પીરિયડ્સ શરૂ થઈ જાય છે. ૯૮ ટકા છોકરીઓને ૧૫મા વર્ષે માસિક શરૂ થઈ જાય છે. બાકીની બે ટકાને ૧૬મા વર્ષે પીરિયડ્સ શરૂ થાય છે. જો એટલા સમયમાં પીરિયડ્સ શરૂ ન થાય તો સારા ગાયનેક ડોક્ટરને મળવું જોઈએ. જોકે એમાં કોઈ ગંભીર ચિંતાની વાત હોતી નથી, પરંતુ જાણવું જરૂરી બને છે કે શાના માટે પીરિયડ્સ શરૂ નથી થઈ રહ્યા.

મોટેભાગે કારણ એવું હોય છે કે છોકરીને આ ગુણ વારસામાં મળ્યો હોય. એની માતા પણ ૧૬ વર્ષ પછી જ પીરિયડ્સમાં આવી હોય. બીજું કારણ હોય છે દૂબળુંપાતળું શરીર. જો છોકરી ખૂબ જ સુકલકડી શરીર ધરાવતી હોય તો પીરિયડ્સ મોડા શરૂ થાય છે, કારણ કે પીરિયડ્સ શરૂ થાય તો છોકરી માતા બની શકે. પીરિયડ્સ શરૂ થવાનો અર્થ એવો છે કે હવે તમે ગર્ભધારણ કરવાલાયક બની ગયા છો. હવે એણે પોતાના વિકસતા શરીરને ભરપૂર પોષણ આપવું જોઈએ. એને બદલે પોતાના શરીરને જ પૂરું પોષણ આપી શકે એમ નથી. એવામાં પીરિયડ્સ ચાલુ થતાં એ ગર્ભવતી બને તો ગર્ભમાં આકાર ધરી રહેલા બાળકને શું પોષણ આપે? એટલે કુદરત જ એના પીરિયડ્સ મોડે સુધી ચાલુ કરતી નથી.

આ જ રીતે અને આ જ કારણસર જે છોકરીઓ વધારે પડતું વજન ધરાવતી હોય એમને પણ પીરિયડ્સ મોડા શરૂ થાય છે. વિજ્ઞાન કહે છે કે તમારા શરીરમાં પીરિયડ્સ શરૂ કરાવવા માટે શરીરને ચોક્કસ પ્રમાણમાં પોઝિટિવ ચરબીની જરૂર પડે છે. સુકલકડી શરીર ધરાવતી છોકરીના શરીરમાં એ સાવ ઓછી હોય છે અને વધુ પડતું શરીર ધરાવતી છોકરીમાં પોઝિટિવ ફેટ ઓછી અને નેગેટિવ ફેટ વધારે હોય છે. એના કારણે પીરિયડ્સ શરૂ થઈ શકતા નથી.

વધારે પડતી કસરત કરતા હોવ તો પણ તમને પીરિયડ્સ મોડા શરૂ થાય છે. એમના શરીરમાં પણ એ જ ગરબડ થાય છે. વધારે પડતી કસરત, દોડધામ, સાઈકલિંગ વગેરે શરીરની પોઝિટિવ ચરબી બાળી નાંખે છે તેથી પીરિયડ્સ સમયસર ચાલુ થતા નથી.

વધારે પડતી તાણમાં રહેતી હોય એ છોકરીને પણ પીરિયડ્સ મોડા પડે છે, કારણ કે તાણના કારણે પીરિયડ્સ શરૂ કરાવવાના હોર્મોન પૂરતા પ્રમાણમાં બની શકતા નથી. કોઈપણ જાતની દવાઓ ચાલતી હોય તો એની અસરના કારણે પણ પીરિયડ્સ મોડા પડે છે. આ બધામાંથી કોઈ કારણ ન હોય તો પછી શરીરમાં કોઈક ગરબડ હોવાની શક્યતા તપાસવામાં આવે છે.

પીરિયડ્સ શરૂ થયાની ખબર શી રીતે પડે એ સવાલ મોટાભાગની છોકરીઓના મનમાં ઘૂમરાતો હોય છે. સાચી વાત એ છે કે પીરિયડ્સ શરૂ થાય ત્યારે કોઈ જાતની ખબર પડતી નથી. મોટાભાગની છોકરીઓને એની સખીઓ કહેતી હોય છે કે તારા ફ્રોકમાં (કે તારા ડ્રેસમાં) લાલ ડાઘ દેખાય છે. ઘણાને તો માત્ર અન્ડરવિયરમાં થોડાક લાલ ડાઘ જ દેખાય છે.

છોકરીઓને એ વાતની પણ બીક હોય છે કે પીરિયડ્સ શરૂ થયા પછી જ્યારે પીરિયડ્સનો સ્ત્રાવ થતો હોય તો એની વાસ આજુબાજુના લોકોને આવે છે. સાચી વાત એ છે કે પીરિયડ્સમાં વજાઈનામાંથી બહાર આવતાં લોહી તથા અન્ય પ્રવાહીમાંથી કોઈ જાતની ગંધ આવતી નથી. જો વજાઈનામાં જ મૂકી દેવાનું ટેમ્પૂન પહેર્યું હોય કે લોહીને શોષીને જેલી બનાવી દેનાર સેનિટરી પેડ પહેર્યા હોય તો કોઈને કશી ખબર પડતી નથી. હા, જો લોહી હવાના સંપર્કમાં આવે તો એની ગંધ ફેલાય છે. એટલે કોઈને ગંધ ન આવવા દેવી હોય તો લોહી નીકળતું હોય એવા દિવસોમાં દર અડધા-એક કલાકે ટેમ્પૂન કે સેનિટરી પેડ બદલતા રહો. જો નિયમિત પેડ કે ટેમ્પૂન બદલતા રહેશો તો તમે નહીં કહો ત્યાં સુધી કોઈનેય ખબર નહીં પડે કે તમે પીરિયડમાં છો.

છોકરીઓને બીજી ચિંતા એ વાતની હોય છે કે પીરિયડ્સમાં લોહી પડતું રહે તો અશક્તિ આવે કે નહીં ? પીરિયડ્સમાં માંડ પા કે અડધો કપ જેટલું લોહી જતું હોય છે. અને લોહી જશે એની શરીરને આગોતરી ખબર હોય છે. એટલે એના કારણે અશક્તિ ન આવે અને પીરિયડ પૂરો થતાં જ ફરીથી નવું લોહી બની જાય એવી કુદરતી ગોઠવણ આપણા શરીરમાં હોય છે. વિજ્ઞાનની રીતે જોઈએ તો તમે પીરિયડ્સ દરમિયાન  બધું જ રૂટિન કામ કરી શકો છો. સ્નાન કરી શકો છો. સ્કૂલ, કોલેજ, ઓફિસ જઈ શકો છો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન