શાળામાં ટીચિંગ પર ભાર આપવો જોઈએ કે લર્નિગ પર ? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • શાળામાં ટીચિંગ પર ભાર આપવો જોઈએ કે લર્નિગ પર ?

શાળામાં ટીચિંગ પર ભાર આપવો જોઈએ કે લર્નિગ પર ?

 | 2:00 am IST
  • Share

શિક્ષક ત્રણ પ્રકારના હોય છે. બધા જ શિક્ષકો દિલથી મહેનત કરે છે, પરંતુ તેમની મહેનત કરવાની રીત અલગ અલગ હોય છે. માટે જ વર્ગખંડમાં શિક્ષકને મળતું પરિણામ અલગ અલગ હોય છે.

શિક્ષણ પ્રક્રિયામાં શિક્ષકનું શીખવવાનું વધુ મહત્ત્વનું છે કે વિદ્યાર્થીને શીખવાનું ? આજે પણ મોટાભાગની વ્યક્તિ શિક્ષકના શીખવવાને વધુ મહત્ત્વ આપે છે, તેમના મતે શિક્ષક શીખવશે એટલે વિદ્યાર્થી શીખવાનો જ છે ને ! પણ તેમની માન્યતા ખોટી છે. હા, એટલું સત્ય છે કે, વિદ્યાર્થીના શીખવા પર શિક્ષકના કામ અને વ્યક્તિત્વનો પ્રભાવ પડે છે. જેથી શિક્ષકનું કામ યોગ્ય દિશામાં હશે તો વિદ્યાર્થી સારી રીતે શીખી શકશે. પણ શિક્ષક શીખવશે એટલે વિદ્યાર્થી શીખશે જ એની કોઈ ગેરંટી છે ?

આજના મોટાભાગના શિક્ષકો એવું માને છે કે, હું શીખવું તો જ વિદ્યાર્થી શીખી શકે. તેમની આ માન્યતા ભૂલભરેલી જ નહિ પણ વિદ્યાર્થી માટે અહિતકર્તા છે. શિક્ષકે વિદ્યાર્થીને બધું જ શીખવવાની જરૃર નથી, કેટલંુક વિદ્યાર્થીને જાતે શીખવા દો.. હકીકતમાં વિદ્યાર્થી જેટલું જાતે શીખશે એટલું તેને વધારે યાદ રહેશે, તેણે મેળવેલ જ્ઞાાનનો તે વધુ ઉપયોગ કરી શકશે. શિક્ષક જે શીખવશે તે વિદ્યાર્થીને બે કલાક કે બે-ચાર દિવસ સુધી જ યાદ રહેશે, પણ વિદ્યાર્થી જાતે શીખ્યો હશે તો તેને લાંબો સમય સુધી યાદ રહેશે. બે પ્રકારની કલ્પના કરીએ. પ્રથમ કલ્પનામાં વર્ગખંડમાં શિક્ષક શીખવે છે અને વિદ્યાર્થી ઘેર જઈને પછી ક્યારેય તેના વિષે વિચારતો નથી કે જે તે વિષયવસ્તુ તૈયાર પણ કરતો નથી. તો શિક્ષકનું શીખવાડેલું તેને કેટલું અને ક્યાં સુધી યાદ રહેશે? બીજી કલ્પના કરીએ કે, વર્ગખંડમાં શિક્ષકે શીખવાડયું અને વિદ્યાર્થી ઘેર જઈને તેના વિષે વિચારે છે, જે તે વિષયવસ્તુ આધારિત કોઈ પ્રવૃત્તિ કરે છે, તો તેને કેટલું અને ક્યાં સુધી યાદ રહેશે? સ્વાભાવિક છે કે, જે વિદ્યાર્થીએ ઘેર જઈને વિચાર કર્યો કે કોઈ પ્રવૃત્તિ કરી તેને વધુ પ્રમાણમાં અને લાંબો સમય સુધી યાદ રહેશે. અહીં બંને બાબતમાં શિક્ષકનું શીખવવું હતું જ, પરંતુ એકમાં વિદ્યાર્થી ઘેર જઈને ચિંતન, મનન કે પ્રવૃત્તિ કરતો નથી અને બીજામાં કરે છે. આમ શીખેલી બાબત યાદ રહેવા પાછળના કારણોમાં શિક્ષકના શીખવવા કરતાં વિદ્યાર્થીએ જાતે કરેલ ચિંતન, મનન કે પ્રવૃત્તિ વધુ અગત્યનો ભાગ ભજવે છે. અહી શિક્ષકની મહેનત કરતાં વિદ્યાર્થીની મહેનત વધારે મહત્ત્વની બની રહે છે. માટે જ શિક્ષકે વિદ્યાર્થીને શીખવ્યા કરતાં તે જાતે શીખતો થાય તેમ કરવું વધારે ફ્ળદાયી બનશે.

શાળામાંથી વિદ્યાર્થીને જુદાજુદા વિષયમાં હોમવર્ક આપવામાં આવે છે. ક્યારેક પ્રવૃત્તિલક્ષી હોમવર્ક પણ હોય છે. ત્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઘણીવાર તેના મમ્મી કે મોટા ભાઈબહેન હોમવર્ક કરી આપતા હોય છે. આ તેમની ના સમજ જ કહી શકાય. શાળામાંથી આપવામાં આવતું કામ એ વિદ્યાર્થીને જાતે શીખતો કરવા માટેનું કામ છે. જે તેને જાતે જ કરવા દેવું જોઈએ. પરંતુ ક્યારેક વધુ પડતા ગૃહકાર્યના ભારણને કારણે નાનું બાળક રડે છે ત્યારે પ્રેમાવેશને કારણે વાલી હોમવર્ક લખી આપતા હોય છે. અહીં શાળાઓએ વિચારવું જોઈએ કે, વિદ્યાર્થીને હોમવર્ક પ્રમાણસર આપવું જોઈએ. દરેક શિક્ષક પોતાના વિષયને મહત્ત્વ આપે છે અને માને છે કે, મેં તો આટલું જ હોમવર્ક આપ્યું છે, પરંતુ શિક્ષકે વિચારવાનું થાય કે, તમારા માટે એક વિષય છે, પણ વિદ્યાર્થી માટે તો સાત વિષય હોય છે. આમ શાળાએ એવું આયોજન કરવું જોઈએ કે, વિદ્યાર્થીનું ગૃહકાર્ય ચોક્કસ કલાકથી વધવું ન જ જોઈએ. વિદ્યાર્થી જાતે કામ કરે તેવા પ્રયત્નો શાળા અને વાલીએ કરવા જોઈએ. આજના ઘણા શિક્ષકો અને વાલીને બાળક પર વિશ્વાસ નથી. તેઓની માન્યતાને કારણે જ વિદ્યાર્થી દબાયેલો રહે છે, બાળકના વિકાસ સાધવામાં શિક્ષક અને વાલી ક્યારેક અડચણરૃપ બને છે.

થોડા સમય પહેલાં તાલીમાર્થીઓ સાથે એક શાળામાં જવાનું થયું. વિજ્ઞાાન વિષયનો તાલીમાર્થી મારી પાસે માર્ગદર્શન લેવા માટે આવ્યો. ત્યારે મેં તેને સમજાવવા માટે આપેલ ઉદાહરણ અગાઉ જણાવેલ વિચારો સમજવા માટે રસપ્રદ બનશે. મેં તે તાલીમાર્થીને કહ્યું કે, સામે દૂર પાણીની ટાંકી દેખાય છે, ત્યાં જવાનો રસ્તો તમે જાણો છો? તેનો જવાબ હતો ના. ત્યારબાદ મેં તેને મૌખિક રીતે રસ્તો બતાવ્યો કે, અહીંથી આમ જવાનું ને તેમ જવાનું, પછી આમ વળવાનું ને તેમ વળવાનું. બોલ તું ત્યાં સુધી કોઈની મદદ વગર પહોંચી શકીશ ? તેનો જવાબ હતો કે ના સર. પછી મેં કહ્યું કે, ચાલ હું તને મારી કારમાં ત્યાં સુધી લઇ જાઉં. ત્યારબાદ એકાદ અઠવાડિયા કે મહિના પછી તને હું ત્યાં તારી જાતે જ કોઈને પૂછયા વગર જવાનું કહીશ તો તને રસ્તો પૂરેપૂરો યાદ હશે? ત્યારે તેનો જવાબ હતો કે સાહેબ રસ્તો કદાચ હું ભૂલી પણ ગયો હોઉં. ત્યારબાદ મેં કહ્યું કે સારું તો તું તારી જાતે રસ્તો શોધતા શોધતા કે કોઈને પૂછતાં પૂછતાં જા. હવે એકાદ અઠવાડિયા કે મહિના પછી ફ્રીથી હું તને ત્યાં મોકલીશ તો તને રસ્તો યાદ હશે? ત્યારે તે તાલીમાર્થીએ જણાવેલ કે હા, સાહેબ મેં મારી જાતે રસ્તો શોધ્યો હતો માટે મને યાદ તો હોય જ ને ! ત્યારબાદ તે તાલીમાર્થી જે માર્ગદર્શન લેવા આવેલ તેના અનુસંધાનમાં મેં જણાવેલ કે, ખરું શિક્ષણ આ જ છે. વિદ્યાર્થીને જાતે શીખવા દો, જાતે કરવા દો, ભલે થોડો સમય વધુ લાગે.

ઉપરોક્ત રીતે જોતાં શિક્ષક ત્રણ પ્રકારના હોય છે. બધા જ શિક્ષકો દિલથી મહેનત કરે છે, પરંતુ તેમની મહેનત કરવાની રીત અલગ અલગ હોય છે. માટે જ વર્ગખંડમાં શિક્ષકને મળતું પરિણામ અલગ અલગ હોય છે. પ્રથમ પ્રકારમાં શિક્ષક વિદ્યાર્થીને મૌખિક બધું સમજાવી દેશે અને માને છે કે, મેં સમજાવ્યું, એકવાર નહિ ત્રણવાર, પણ વિદ્યાર્થીને યાદ ન રહે તો હું શું કરું ? બીજા પ્રકારના શિક્ષક વિદ્યાર્થીની સાથે રહીને સમજાવે છે, ચાર્ટ, ચિત્રો, નકશો લઈને શીખવે છે, પ્રયોગો પણ કરે છે, પરંતુ તે બધું શિક્ષક જાતે જ કરે છે, વિદ્યાર્થીને કરવા દેતા નથી. વિદ્યાર્થી માત્ર સાંભળે છે કે જુએ છે. જ્યારે ત્રીજા પ્રકારના શિક્ષક વિદ્યાર્થી પર વિશ્વાસ મૂકીને ધીરજ સાથે તેને જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. પોતે ઓછું કામ કરે છે, પણ વિદ્યાર્થી પાસે વધુ કરાવે છે. આમ ત્રીજા પ્રકારના શિક્ષક જે રીતે કરાવે છે તેનાથી વિદ્યાર્થીને જિંદગીભર યાદ રહેશે.

મારા તાલીમાર્થીને હું વારંવાર કહું છું કે, કયો શિક્ષક સારો ? તો જે શિક્ષક વર્ગખંડમાં ઓછામાં ઓછું બોલે અને વિદ્યાર્થીને વધુમાં વધુ બોલવાની તક આપે તે સારો શિક્ષક. પરંતુ આજના ઘણાં મહેનતુ શિક્ષકને પોતાની જાત પર, પોતાના કામ પર વધુ વિશ્વાસ છે. તેનાથી અડધો વિશ્વાસ જો તે વિદ્યાર્થી પર મૂકે અને પોતે કરે છે તેના કરતાં વિદ્યાર્થીને કરવા દે તો વિદ્યાર્થી વધુ શીખી શકશે. મનમાંથી એક ભ્રમ દૂર કરવા જેવો છે કે, હું શીખવું તો જ વિદ્યાર્થીને આવડે. અરે એવી અનેક બાબતો છે જે શિક્ષકે કે વાલીએ નથી શીખવી હોતી તો પણ બાળકને આવડે છે. એમાં પણ એ બાબત શિક્ષક કે વાલીને નથી આવડતી હોતી, પણ વિદ્યાર્થીને આવડતી હોય છે. થોડો વિચાર કરીશું તો આવી અનેક બાબત મળી જશે કે જે શિક્ષક કે વાલીને નહિ આવડતી હોય પણ બાળકને આવડતી હશે.

અશોકી ઃ આણંદના એક શિક્ષક ડો. રાકેશ રાવતે વિદ્યાર્થીઓને વિચારવા અને લખવા માટે પ્રોત્સાહિત કર્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો લખ્યા, જેને ડો. રાવતે પોતાના ખર્ચે પુસ્તકરૃપે પ્રકાશિત કર્યા. જે કાર્ય અભિનંદનીય અને પ્રેરણાદાયક છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો