ખંધા ચીનની ફાઈવ ફિંગર્સ ઓફ તિબેટ સ્ટે્રટેજી શું છે? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • ખંધા ચીનની ફાઈવ ફિંગર્સ ઓફ તિબેટ સ્ટે્રટેજી શું છે?

ખંધા ચીનની ફાઈવ ફિંગર્સ ઓફ તિબેટ સ્ટે્રટેજી શું છે?

 | 1:26 am IST

લાઈવ વાયર : મયૂર પાઠક

ચીન ક્યારેય ભરોસાલાયક પડોશી હતો જ નહીં. ૧૯૫૯માં જ્યારે ચીને તિબેટ પચાવી પાડયું ત્યારે જ આપણે સમજી જવાની જરૂર હતી, પરંતુ ત્યારે આપણે હિંદી-ચીની ભાઈ-ભાઈના નારામાં મશગૂલ હતા. તિબેટ કબજે કર્યા પછીનાં ૨ વર્ષમાં જ ચીને ભારત પર હુમલો કરીને અકસાઈ ચીનને પચાવી પાડયું. આ બોધપાઠ પરથી પણ આપણે શીખ્યા નહીં. ચીન જોડે વેપાર કરવામાં આપણે આંખે પાટા બાંધીને ચાલ્યા કર્યું. પરિણામ એ આવ્યું કે આજે ચીન લદ્દાખ સરહદે આપણી જમીન પર ડેરા-તંબુ નાખીને બેઠું છે. જનરલની મિટિંગમાં ચીન ગલવાન ઘાટી પરથી સૈનિકો હટાવવાનું કબૂલ કરે છે, બીજી બાજુ તેના સૈનિકો પૈગોગમાં ઘૂસણખોરી કરે છે. આ જ ચીનનો સ્વભાવ છે. જુઠ, ફરેબ, દગો એ ચીનની ફિતરત છે. ચીન પર જે ભરોસો મૂકે છે તે પસ્તાયા છે. બ્રિટનને પણ હોંગકોંગની સ્વાયતત્તાના મુદ્દે ચીને છેતર્યું છે. ચીન સાથે આપણે સંબંધો રાખીને શું મેળવવાનું છે? ભારત સાથેના વેપારમાં પણ ચીનને જ કમાણી છે.

ચીને ૧૯૪૦થી જ ભારતનો સરહદી વિસ્તાર પડાવી લેવાનો પ્લાન બનાવી દીધો હતો. ત્યારે ચીનના સર્વોચ્ચ નેતા તરીકે માઓ ઊભરી આવ્યા હતા. માઓ ખુલ્લેઆમ કહેતા કે ચીને તેનો જમણો હાથ પાછો મેળવવાનો છે જે ક્યારેક ચીનનો હતો. ચીનનો આ જમણો હાથ એટલે તિબેટ. ચીને ૫૦ના દસકામાં જ તેની સામ્રાજ્યવાદી નીતિનો અમલ શરૂ કરી દીધો હતો. પડોશીઓના પ્રદેશો પડાવવાનું ચાલુ કરી દીધું હતું. મંગોલિયાનો મોટો પ્રદેશ ચીને કબજે કરી લીધો. હકીકત એ હતી કે એક જમાનામાં મંગોલિયાના શાસકોએ ચીન પર કબજો કર્યો હતો, તિબેટ પણ તેનો ભાગ હતો. આમ, તિબેટ ચીનનો ભાગ ક્યારેય ન હતું.

પરંતુ ચીનના શાસક માઓ ફાઈવ ફિગર્સ ઓફ તિબેટ સ્ટ્રેટેજીનું ગાણું ગાતા રહ્યા. આ સ્ટ્રેટેજી મુજબ ચીનની જમણી હથેળી તિબેટ અને તેની પાંચ આંગળીઓ એટલે સિક્કીમ, અરુણાચલ પ્રદેશ, ભૂતાન,નેપાળ અને લદ્દાખ. માઓ કહેતા કે આ બધા જ પ્રદેશો ચીનના છે. ચીન આ પ્રદેશો મેળવીને જ રહેશે. આ સ્ટ્રેટેજી મુજબ ચીને પહેલાં તિબેટ પર કબજો જમાવી દીધો ત્યારે આખી દુનિયા ચૂપ રહી, ભારતે પણ નામ પૂરતો જ વિરોધ નોંધાવ્યો.

ચીને ફાઈવ ફિગર્સ સ્ટ્રેટેજી મુજબ હથેળી તિબેટ પર ૧૯૫૯માં કબજે કર્યા બાદ પહેલી આંગળી એટલે સિક્કીમ. આ પ્રદેશ પર ચીનનો ડોળો હતો. ચીનની ચાલ સમજીને ૧૯૭૫માં સિક્કીમ ભારત સાથે જોડાઈ ગયું ત્યારે ચીને બહુ વિરોધ કર્યો પરંતુ સિક્કીમની મક્કમતા આગળ ચીનનું ચાલ્યું નહીં. ત્યારથી સિક્કીમ ભારતનું અભિન્ન અંગ છે. જોકે ચીન સિક્કીમની સરહદ પર હંમેશાં ઘૂસણખોરીની તાકમાં બેઠેલું જ છે.

બીજી આંગળી એટલે અરુણાચલ પ્રદેશ. ૧૯૬૨ના યુદ્ધમાં ચીની સેના અરુણાચલના નેફા વિસ્તારમાં અંદર સુધી ઘૂસી આવી હતી. આજે પણ આ વિસ્તાર પર ચીનનો કબજો છે. આજે પણ અરુણાચલ પ્રદેશમાં કોઈ ભારતીય નેતા જાય છે તો ચીન વિરોધ નોંધાવે છે. આ વિસ્તારના લોકો પાસે ભારતીય પોસપોર્ટ છે પણ ચીન તેને માનતું નથી. આજે પણ અહીંના વ્યૂહાત્મક વિસ્તારો પર ચીની સેનાએ અડિંગો જમાવ્યો છે.

ત્રીજી આંગળી એટલે નેપાળ. તિબેટ પર ચીને કબજો જમાવ્યા પછી નેપાળ ચીનને પોતાનું દુશ્મન માનતું હતું. નેપાળના એક મોટા વિસ્તાર પર ચીન દાવો કરતું આવ્યું છે. ત્યારે નેપાળ ભારત પાસે સૈન્ય મદદ માગતું હતું, ભારત નેપાળની મદદે ઊભું પણ રહ્યું છે. જોકે હવે નેપાળમાં રાજાશાહી નથી રહી, ચીનની તરફેણ કરનારી કોમ્યુનિસ્ટ સરકારનું શાસન છે. આ સરકાર ભારતવિરોધી બનીને બેઠી છે. જોકે નેપાળનો મોટો વર્ગ ચીન સાથેના સંબંધોથી નારાજ રહે છે.

ચોથી આંગળી એટલે ભૂતાન. ભારતના પૂર્વ છેડા પર આવેલો આ શાંતિપ્રિય દેશ છે. ચીન લાંબા સમયથી ભૂતાન પર પોતાનો દાવો કરે છે, પરંતુ ભૂતાને ભારત સાથે સૈન્યસંધિ કરેલી છે. ભૂતાનની સરહદો પર કાયમ ભારતીય સેના ખડેપગે હોય છે. આ સંજોગોમાં ચીનની દાળ ગળતી નથી. ભૂતાનને મોટાપાયે રોકાણ અને મદદ કરવાના પાસા ચીન ફેંકી રહ્યું છે પરંતુ ભૂતાન ચીનના જાસામાં આવતું નથી.

પાંચમી આંગળી એટલે લદ્દાખ. ભારતના આ પ્રદેશ પર ચીનની દાનત પહેલેથી જ ખોરી છે. લદ્દાખનો કેટલોક પ્રદેશ ચીને દબાવી દીધો છે. અક્સાઈ ચીનનો જે ભાગ ચીને કબજે કર્યો છે તે ભાગ લદ્દાખનો જ છે. અત્યારે પણ ચીન આ પ્રદેશમાં ઘૂસણખોરી કરી રહ્યું છે. જેનાથી ભારત અને ચીન યુદ્ધની કગાર પર આવીને ઊભાં છે.

આમ, ચીન તેની ફાઈવ ફિગર્સ પોલિસી હેઠળ ભારતનો સરહદી વિસ્તાર પડાવી લેવાનું આયોજન આજથી ૮૦ વર્ષથી કરીને બેઠું છે. હવે આપણે નક્કી કરવાનું છે કે ચીન પર કેટલો વિશ્વાસ રાખવાનો. આપણી સરકાર ચીનથી જેટલી વહેલી ચેતે તેટલું સારું, જોકે ચીનથી દૂર રહેવાની શરૂઆત આપણે પણ કરી શકીએ છે, ચીનના સામાનનો બહિષ્કાર કરવાથી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન