બોમ્બે હાઈકોર્ટ આકરા પાણીએ : ઉધાર લો, ભીખ માગો કે ગમે તે કરો, પણ લોકોના પૈસા ચૂકવો - Sandesh
  • Home
  • India
  • બોમ્બે હાઈકોર્ટ આકરા પાણીએ : ઉધાર લો, ભીખ માગો કે ગમે તે કરો, પણ લોકોના પૈસા ચૂકવો

બોમ્બે હાઈકોર્ટ આકરા પાણીએ : ઉધાર લો, ભીખ માગો કે ગમે તે કરો, પણ લોકોના પૈસા ચૂકવો

 | 11:12 pm IST

રોકાણકારોના પૈસા પરત કરવા મુદ્દે મહારાષ્ટ્રના અગ્રણી બિલ્ડર વિરુદ્ધ ચાલી રહેલા કેસ દરમિયાન બોમ્બે હાઇકોર્ટે કુલકર્ણી સહિત રાજ્ય સરકાર અને તપાસ એજન્સીને આડે હાથ લીધી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે ડીએસકેને સ્પષ્ટ શબ્દમાં જણાવ્યું હતું કે, ખાલી હાથે આવતા નહીં, પૈસા ઉધાર લો, ભીખ માગો કે કંઈ પણ કરો, લોકોના પૈસા પાછા ક્યારે આપો છો એની જાણકારી આપો. ઉપરાંત ૧૩ ફેબ્રુઆરીના થનારી સુનાવણી દરમિયાન ડીએસકેને પત્ની હેમાંગિની સહિત હાઇકોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.

૭થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન સવારે ૧૧ થી ૧ અને બપોરે ૩થી ૫ દરમિયાન તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવાનો આદેશ પણ ડીએસકેને આપવામાં આવ્યો હતો. ઉપરાંત ડીએસકે વિરુદ્ધ મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (MPID) એક્ટ હેઠળ શું કાર્યવાહી થઈ શકે એમ છે એની વિગતો રજૂ કરવાનો આદેશ રાજ્ય સરકારને આપ્યો હતો.

હાઇકોર્ટે રાજ્ય સરકાર પર પસ્તાળ પાડી

તપાસ યંત્રણા તરીકે સરકારની કોઈ જવાબદારી છે કે નહીં? તમે એક વાર પણ ડીએસકેની કસ્ટડી લેવા અંગે કોર્ટ સમક્ષ માગણી કરી નથી. રાજ્ય સરકાર માત્ર કાગળનો ઘોડા દોડાવવાનું બંધ કરે. ડીએસકે છેતરપિંડી કરી રહ્યો છે, લોકોની દિશાભૂલ કરે છે, કબૂલ કે એની આદત છે પણ સરકાર અને તપાસયંત્રણા તરીકે તમને પણ શરમ આવવી જોઈએ, જેવા આકરા શબ્દોમાં સરકારને સંભળાવ્યું હતું.

ડીએસકેએ શું કહ્યું?

મને હાઇકોર્ટે બોલાવ્યો એને હું મારું ભાગ્ય સમજું છું. હવે મને મારી બાજુ રજૂ કરવાનો મોકો મળશે. મારા વિરુદ્ધ કાવતરું કરનારાઓમાંથી કોઈના પૈસા મારી પાસે નથી, એ લોકો પ્રેસ જઈ રોકાણકારોની સાથે તમામની દિશાભૂલ કરે છે, એવો આક્ષેપ ડીએસકેએ કર્યો હતો.

એક ચેનલને આપેલી મુલાકાત દરમિયાન ડીએસકેએ કહ્યું હતું કે અમેરિકામાં થાય છે એમ ક્રાઉડ ફંડિંગમાંથી પૈસા જમા કરી લોકોના પૈસા પરત કરશે.
ડીએસકે હાઇકોર્ટમાં પૈસા ભરવામાં ફરી નિષ્ફળ ગયા. આગોતરા જામીન માટે ડીએસકેને ૫૦ કરોડ રૂપિયા ભરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ પૈસા તેમની જ માલિકીની પ્રભુણે ઇન્ટરનેશનલ કંપનીમાંથી લેશે એમ ડીએસકેએ જણાવ્યું હતું. જોકે મુદત પૂરી થવા છતાં પ્રભુણેમાંથી ડીએસકેના ખાતામાં પૈસા જમા થયા નહોતા. આ વ્યવહાર માટે ઇન્ટરનેશનલ બેન્કે માગેલા ડોક્યુમેન્ટ્સ અપાયા ન હોવાનું કંપનીના એમડી અરવિંદ પ્રભુણેએ હાઇકોર્ટમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું. પ્રભુણેના જવાબથી નારાજ કોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, ડીએસકેની જેમ તમે પણ અમારી દિશાભૂલ કરશો તો ડીએસકેની સાથે તમને પણ જેલની હવા ખાવા મોકલશું.

અમે આત્મહત્યા કરી તો એ માટે ડીએસકે જવાબદાર

જસ્ટિસ સાધના જાધવની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુનાવણી દરમિયાન સોમવારે રોકાણકારોને સાક્ષીના પીંજરામાં બોલાવવામાં આવ્યા હતા. રોકાણકારોમાંના એક વરિષ્ઠ નાગરિક ૭૫ વરસના મેઘશ્યામ માઈણકરે જણાવ્યું હતું કે, મારી તમામ મૂડી મેં ડીએસકેમાં રોકી છે. વારંવાર માગણી કરવા છતાં મારા પૈસા પાછા મળતા નથી. કાલે ઊઠીને મેં આત્મહત્યા કરી તો એ માટે ડીએસકે જવાબદાર ગણાશે.

જ્યારે અભય કોંડે નામના રોકાણકારે કહ્યું કે મારે અપંગ દીકરાના ઉપચાર માટે પૈસા જોઈએ છે. પણ મારા જ પૈસા આજે હું વાપરી શકતો નથી.
રોકાણકારોને સમજાવતા કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ માત્ર જેલમાં મોકલી શકે છે કે જામીન આપી શકે છે એવું સમજતા નહીં. અમે ડીએસકેને આ કેસ પૂરો થાય ત્યાં સુધી જેલમાં રાખી શકીએ છીએ પણ એનાથી રોકાણકારોના પૈસા પાછા મળશે કે? એવો સવાલ હાઇકોર્ટે ઉપસ્થિત કર્યો હતો.

દરમિયાન, સોમવારે થયેલી સુનાવણીમાં ડીએસકેએ એની ચાર સંપત્તિની વિગતો કોર્ટમાં રજૂ કરી હતી. આ સંપત્તિની કિંમત સરકારી રેડિરેકનર મુજબ ૩૨૮ કરોડ આંકવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે મિલકતનો બજારભાવ અનેકગણો વધુ હોવાનું ડીએસકેએ કોર્ટને જણાવ્યું હતું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના શરણે ડીએસકે

બિલ્ડર ડી. એસ. કુલકર્ણીએ રોકાણકારોના ૫૦ કરોડ રૂપિયા ભરવા માટે છેલ્લી તક આપવા છતાં એમણે કોર્ટમાં રકમ જમા ન કરતા હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. સોમવારે હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. ત્યાર બાદ ડીએસકે રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતાને મળવા ગયા હોવાનું જાણવા મળ્યું હતું. મંગળવારે સવારે ડીએસકે અજિત પવારને મળ્યા હતા. ધનંજય મુંડેના ઘરે જઈ ડીએસકે અજિત પવારને મળ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ડી. એસ. કુલકર્ણી અને અજિત પવાર વચ્ચે અડધો કલાક ચર્ચા થઈ હતી. આર્થિક ભીંસમાં આવેલા ડીએસકેએ અજિત પવાર સાથે સંકટમાંથી બહાર કેમ આવવું એ અંગે વિચારવિમર્શ કર્યો હતો.