શ્રાવણ માસમાં શિવજીને રિઝવવા માટે આ પૂજાનું ખાસ મહત્વ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં શિવજીને રિઝવવા માટે આ પૂજાનું ખાસ મહત્વ

શ્રાવણ માસમાં શિવજીને રિઝવવા માટે આ પૂજાનું ખાસ મહત્વ

 | 10:27 am IST

 

શણગાર અને આરતી માટે ખાસ ઉજ્જૈનથી ભસ્મ મંગાવાય છે
શ્રાવણમાસમાં ભોળાનાથને થાય છે અવનવા શણગાર
દૂધની જળાધારી, ફળ- ફૂલ – પાન અને સૂકામેવાનો શણગાર, અન્નકૂટ ભોગ સહિતના રોજ જુદા જુદા સુશોભન

શ્રાવણ એટલે શિવજીની ભક્તિ કરી તેમની કૃપાદ્રષ્ટિ મેળવવાનો પવિત્ર મહિનો. શ્રાવણ માસમાં શિવાલયોમાં શિવજીની ભક્તિભાવપૂર્વક પૂજાઅર્ચના થાય છે. આ સાથે જ ભક્તો દ્વારા શિવજીને રિઝવવા શિવજીની ફરતે અવનવા શણગાર કરવામાં આવે છે.

સુરતના રૂંઢનાથ મહાદેવ મંદિરના મહારાજ મુકેશભાઇના જણાવ્યા મુજબ, શિવમંદિરોમાં સવારની પૂજા તથા પખાલ થયા બાદ શિવજીને અનેક શણગાર કરવામાં આવે છે. સામાન્યતઃ ફળ-ફૂલ અને પાનનો શણગાર થાય છે. વિવિધ કલાત્મક શણગાર કરવામાં આવે છે. આ ઉપરાંત સૂકામેવા, અન્નકૂટભોગ, દૂધની જળાધારી, ચોખાની જળાધારી, રૂદ્રાક્ષ સહિતના અનેક શણગાર કરવામાં આવે છે.

ઘણાં મંદિરોમાં ભસ્મ પૂજા અને ભસ્મ આરતી પણ કરવામાં આવે છે. જે માટે ખાસ ઉજ્જૈન મહાકાલેશ્વરથી ભસ્મ મંગાવીને શણગાર કરવામાં આવે છે. મંદિરના પ્રજ્ઞોશ મહારાજે જણાવ્યું હતું કે, દરવર્ષની માફક આ વર્ષે પણ રૂંઢનાથ ખાતે ભસ્મ પૂજા અને આરતીનું આયોજન થયું છે. 14 ઓગષ્ટના રોજ સવારે ભસ્મ પૂજા થશે. જેમા ગાયના છાણમાંથી તૈયાર થતી ભસ્મ અને ખાસ ઉજ્જૈનથી મગાવવામાં આવેલી ભસ્મનો ઉપયોગ કરવામાં આવશે. ભાંગ અને લોટ વડે શિવલિંગ પર લેપ કરી મહાકાલ જેવો શણગાર કરવામાં આવશે.

શિવપૂજામાં તુલસી વર્જ્ય છતાં પંચવક્ત્ર વિધિમાં વિશેષ સ્થાન
શિવપૂજામાં ઘણી વસ્તુઓ વર્જીત છે. તુલસી, કેવડો, શંખ, નારિયેળ અને હળદરનો શિવપૂજામાં ઉપયોગ થતો નથી. આ ઉપરાંત શિવપૂજામાં તુલસી પણ વર્જ્ય છે. આમ છતાં, શિવજીને રિઝવવા થતી પંચવક્ત્ર પૂજામાં તુલસીનો ઉપયોગ થાય છે. જે અંગે કાંતારેશ્વર મહાદેવ મંદિરના મહારાજ અવિનાશગિરીએ જણાવ્યું હતું કે, શિવજીની પંચવક્ત્ર વિધિમાં તુલસી પત્રનો ઉપયોગ થઇ શકે છે. ખૂબ ઓછા મંદિરોમાં આ વિધિ થાય છે. સુરતમાં કાંતારેશ્વર મંદિર ખાતે આ વિધિ થાય છે. પંચવક્ત્ર પૂજામાં પાંચ દિશામાં શિવજીના પાંચ દિશામાં પાંચ મુખની પૂજા થાય છે. જેમાં પશ્ચિમ દિશામાં સફેદ પુષ્પ, ઉત્તર દિશામાં તુલસી પત્ર, દક્ષિણમાં લાલ કરણના પુષ્પ, પૂર્વમાં દુર્વા અને આંકડાના ફૂલ તથા ઇશાન દિશામાં બિલિપત્ર અને ધંતુરાના ફૂલ વડે પૂજા કરી શણગાર કરવામાં આવે છે. આ વિધિનું વિશેષ મહત્ત્વ છે.

માતાજીના પણ શિવશક્તિ સ્વરૂપના દર્શન
શ્રાવણ માસમાં મા અંબેના મંદિરોમાં પણ બાર જ્યોર્તિલિંગ તથા અન્ય સ્વરૂપે દર્શન થાય છે. આ અંગે અંબાજી મંદિર, ભાગળના મહારાજ કૃણાલ પંડયાએ જણાવ્યું હતું કે, શ્રાવણ માસ દરમિયાન અંબાજી મંદિર અને ભુવનેશ્વરી મંદિરમાં બિરાજતા માતાજીના શિવશક્તિ સ્વરૂપના દર્શન કરાવાય છે. જેમાં શિવલિંગમાં માતાજી બિરાજમાન હોય તે મુજબનો શણગાર થાય છે. આ ઉપરાંત બાર જ્યોર્તિલિંગના પણ દર્શન કરાવવામાં આવે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન