શ્રાવણ માસમાં આપણે સાચા અર્થમાં ધાર્મિક બનીએ - Sandesh
  • Home
  • Astrology
  • શ્રાવણ માસમાં આપણે સાચા અર્થમાં ધાર્મિક બનીએ

શ્રાવણ માસમાં આપણે સાચા અર્થમાં ધાર્મિક બનીએ

 | 6:26 am IST

સુખનું મૂળ સાંસારિક વસ્તુઓ નથી. સુંદર અને સુખકર દેખાતાં માયિક પદાર્થો ક્ષણિક સુખ ભલે આપે, પરંતુ ક્ષણ ક્ષણમાં પરિવર્તનશીલ પદાર્થો આપણને વાસ્તવિક સુખ, શાંતિ અને આત્મસંતોષ કદાપી આપી શક્તાં નથી. શાશ્વત શાંતિ અને સુખ તો ધર્મથી મળે છે. તો આપણને પ્રશ્ન થશે કે, ધર્મ કોને કહેવાય? તો…

ધર્મો જ્ઞોયઃ સદાચારઃ શ્રુતિસ્મૃત્યપપાદિતઃ ।

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને ધર્મ ઉપર ભાર મૂક્તાં શિક્ષાપત્રીનો શ્લોક ૮,૯માં કહ્યું છે કે,

યે પાલયન્તિ મનુજાઃ સચ્છાસ્ત્રપ્રતિપાદિતાન્ ।

સદાચારાન્ સદા તેત્ર પરત્ર ય મહાસુખા : ।।

તાનુલંઘયાત્ર વર્તન્તે યે તુ સ્વૈરં કુબુધય : ।

તે ઈહામુત્ર ય મહલ્લભન્તે કષ્ટમેવ હિ ।।

શ્રીમદ્ ભાગવત, પુરાણ આદિક જે સતશાસ્ત્ર તેમણે જીવના કલ્યાણને અર્થે પ્રતિપાદન ર્ક્યા એવા જે અહિંસા આદિક સદાચાર તેમને જે મનુષ્ય પાળે છે તે આલોક અને પરલોકને વિશે મહાસુખિયા થાય છે. અને તે સદાચારનું ઉલ્લંઘન કરીને જે મનુષ્ય પોતાના મનમાં આવે તેમ વર્તે છે તે તો કુબુદ્ધિવાળા છે અને આ લોકને પરલોકને વિશે તે મોટા કષ્ટને પામે છે માટે સર્વેએ ધર્મ અવશ્ય પાળવો.

આમ, આપણા શાસ્ત્રોમાં ઠેર-ઠેર ધર્મનું પ્રતિપાદન કરેલું છે. આજે ભારતમાં ઘણા લોકો ધર્મનું અનુષ્ઠાન કરે છે. તો ઘણા ઉપર-ઉપરથી બધું કરે પણ અંદર વર્તનમાં કંઈ ના હોય.

આજે ઘણા દરરોજ મંદિરમાં જાય છે. મુખથી જાપ કરે છે. શ્રાવણ માસમાં ઉપવાસ કરે, તો કોઈક એકટાંણા કરે, કોઈક વળી મૌન રાખે. આ બધી ધાર્મિક વિધિ કરે….પરંતુ જો કોક હાથમાં આવે તો તેને ના છોડે અને શીશામાં ઉતારી ફીટ પણ કરી દે…તો શું આવા માણસને ધાર્મિક કહેવાય? કદાપિ ન કહેવાય.

લશ્કરનો જે વેશ ધારણ કરે. ક્વાયત કરી- કરીને શરીરને ખડતલ બનાવી દે. બંદૂક ચલાવતાં શીખી લે. સેનામાં ભરતી થઈ જાય તેને સૈનિક કહેવાય? ના…જે વ્યક્તિ રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તેને જ સૈનિક કહેવાય છે? જો તે શત્રુના પક્ષમાં મળી જાય તો તે સૈનિક એ સૈનિક નથી. દેશ માટે ખતરારૂપ છે. રાષ્ટ્ર માટે હાનિકારક છે. જેને દેશ પ્રત્યે પ્રેમ, સમર્પણ, વફાદારી નથી તો તે ફક્ત કહેવા માત્ર જ સૈનિક છે. તેમ જે બાહ્ય ભક્તિ કરતો હોય તે પણ ખરો ભક્ત ન કહેવાય અને ધાર્મિક પણ ન કહેવાય અને નીતિમાન માણસ પણ ન કહેવાય.

સાચો ધાર્મિક કોને કહેવાય? માણસમાં કેવી ધાર્મિકતા હોવી જોઈએ એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને શીખવાડયું છે. ખુદ શ્રી સ્વામિનારાયણ ભગવાને શ્રાવણ માસમાં એકટાણાં- ઉપવાસ કરવાનું કહ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો- ભક્તો આજે પણ કરે છે. પરંતુ તેની સાથે-સાથે ભગવાને નીતિથી-મહેનતું ખાવું…કોઈની ચોરીનું કે, લાંચ લઈને ન ખાવું, પરસેવાની મહેનતનું ખાવું, જેમ પાણી અને દૂધ વગેરે ગાળીને વાપરીએ છીએ તેમ પૈસા પણ ગાળીને ઘરમાં લાવવા જોઈએ. ઘરમાં અશુદ્ધ પૈસો ન આવી જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કોઈનો અશુદ્ધ પૈસા આવી જશે તો પચશે નહીં…શ્રી સ્વામિનારાયણ ભગવાને આ બધી બાબતો ઉપર શિક્ષાપત્રીમાં ખૂબ જ ભાર મૂક્યો છે અને પોતાની હયાતીમાં અનેક ભક્તો એવા તૈયાર કર્યા છે કે, જન સમાજ તેમાંથી કંઈક પ્રેરણા મેળવે અને આદર્શ જીવન જીવે.તો આપણે વાંચીએ માણાવદરના મયારામ ભટ્ટના જીવનનો એક પ્રસંગ…

મયારામ ભટ્ટ ગામમાં નાણાં ધીરધારનું કામકાજ કરતા હતા. એક વખત એક બાઈને પૈસાની જરૂર પડી એટલે ભટ્ટજીને ત્યાં પગમાં પહેરવાનું કડલું મૂક્વા આવી. ભટ્ટજીએ તેના ઉપર પૈસા આપ્યા. આ વાતને બે-ત્રણ મહિના થઈ ગયા. એક દિવસ ભટ્ટજીએ પોતાનો પટારો ખોલ્યો. તેમાં જોયું તો બાઈનું એક જ કડલું દીઠું. ભટ્ટ વિચારમાં પડી ગયા. કડલું એક ન હોય પગમાં કડલાં પહેરવા માટે જોડી જ હોવી જોઈએ. બાઈ અચાનક આવીને માગશે તો હું શું કહીશ? પછી પોતાના પૈસા ખર્ચીને સોની પાસે તેટલા જ વજનનું બીજું કડલું તૈયાર કરાવ્યું. એક દિવસ તે બાઈ પોતાનું કડલું લેવા આવી અને કહ્યું લો ભટ્ટજી, આ તમારા પૈસા અને લાવો મારું કડલું એટલે ભટ્ટજીએ બેઉ કડલાં બાઈ પાસે મૂક્યાં, ત્યારે બાઈ કહે મારું તો એક જ કડલું છે. ભટ્ટજી કહે તારા દીકરાના સોગન ખા. ત્યારે બાઈ કહે મારા દીકરાના સોગન ખાઈને કહું છું કે મેં તમને એક જ કડલું આપ્યું હતું. પછી તેનું એક કડલું આપ્યું તે લઈને બાઈ ઘેર ગઈ. મયારામ ભટ્ટ આવા ધર્મચુસ્ત નીતિમત્તાવાળા હતા, અને એટલે જ શિક્ષાપત્રીના ચોથા શ્લોકમાં ધર્મનિષ્ઠ મયારામ ભટ્ટનું નામ શ્રી સ્વામિનારાયણ ભગવાને લખ્યું છે અને તેમના આશ્રિતોને સંકેત કરી દીધો છે કે, મારા સર્વે આશ્રિતોએ સત્સંગ કરી મયારામ ભટ્ટમાં જેવા ગુણો હતા તેવા ગુણો અવશ્ય કેળવવા.

આપણી દેશની પ્રજા ધર્મને માટે ઝઘડશે, ધર્મને માટે ના કરવાનું કરશે.- છેવટે મરશે પણ ખરા, પરંતુ ધર્મને માટે જીવશે નહિ. જે માણસ ધર્મને માટે જીવે તે સાચો ધાર્મિક.

આવી નીતિમત્તા દરેક ધર્મના અનુયાયીઓ અને દરેેકે-દરેક ભારતીયે રાખવી જોઈએ. જો દરેક માનવી આવી રીતે વર્તે તો ભારત દેશની આન, બાન અને જ્ઞાાન કંઈક જુદી રીતે જ ખીલી ઊઠે. તો તેની શરૂઆત આપણે આપણી જાતથી કરીએ. આપણા કુટુંબથી કરીએ.

આપણે સુધરીશું તો ઘર સુધરશે, ઘર સુધરશે તો સમાજ સુધરશે, સમાજ સુધરશે તો દેશ સુધરશે. દેશ સુધરશે તો વિશ્વ સુધરશે…

– સાધુ હરિકૃષ્ણસ્વરૂપદાસજી કુમકુમ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન