સરસપુરના આ મંદિરે શરૂ કર્યો નવો ચીલો, શિવજીનું દૂધ હવે પીવડાવાય છે બાળકોને - Sandesh
  • Home
  • Ahmedabad
  • સરસપુરના આ મંદિરે શરૂ કર્યો નવો ચીલો, શિવજીનું દૂધ હવે પીવડાવાય છે બાળકોને

સરસપુરના આ મંદિરે શરૂ કર્યો નવો ચીલો, શિવજીનું દૂધ હવે પીવડાવાય છે બાળકોને

 | 3:02 pm IST

સરસપુરમાં આવેલા જાગનાથ મહાદેવ ખાતે બુધવારથી શરૂ થયેલા શ્રાવણ માસ દરમિયાન એક અનોખું કામ કરવામાં આવશે. ભગવાન શંકરના શિવલિંગ પર જે દૂધ ચઢાવવામાં આવે છે તે દૂધ એક પાત્રમાં ભેગું કરવામાં આવશે. આ ભેગુ કરેલું દૂધ આસપાસના ગરીબ બાળકોને વહેંચવામાં આવશે. છેલ્લા ત્રણ વર્ષથી મંદિર દ્વારા શરૂ કરવામાં આવેલા આ સદકાર્યમાં આસપાસના રહીશો પણ ઉત્સાહભેર જોડાય છે.

સરસપુર વિસ્તારમાં મંદિરની આસપાસ ઘણા ગરીબ લોકો અને ઝૂંપડપટ્ટીમાં લોકો રહે છે. મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં મંદિરમાં રોજ મોટીસંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે. તેઓ દૂધ, પાણી અને બીજી વસ્તુઓનો અભિષેક પણ કરે છે. પહેલા અમારા મંદિરમાં પહેલા બાલટીઓ ભરીને દૂધ શિવલિંગ પર ચઢાવવામાં આવતું હતું. આ દૂધ આખરે કોઇપણ ઉપયોગમાં આવતું ન હોવાથી અમે લોકોએ માત્ર પ્રતિકાત્મક રીતે દૂધનો અભિષેક કરીને બાકીના દૂધને ગરીબ બાળકોને વહેંચવાનો વિચાર કર્યો. પહેલા આવું કરવામાં ઘણાં લોકો ખચકાળ અનુભવતા હતાં પરંતુ અન્યોને જોઈને બધાં જ આવું કરવા લાગ્યાં.

દર સોમવારે હાલમાં 100 લિટરથી પણ વધુ દૂધ ભેગું થાય છે. બાકીના દિવસોમાં લગભગ 50 લિટરની આસપાસ દૂધ ભેગું થાય છે. અમારી ઇચ્છા એવી છે કે, અમારા આ કાર્યથી પ્રેરાઇને બીજા લોકો અને મંદિરો દ્વારા પણ આ પ્રકારે દૂધ જરૂરીયાતમંદોને આપે તો ઘણું ઉમદા કાર્ય થશે.

મંદિર ખાતે સવારે અને સાંજે બધા દૂધને એકપાત્રમાં ભેગું કરવામાં આવે છે. આ દૂધમાં બદામ, પિસ્તા, ખાંડ અને મસાલો ઉમેરીને મસાલાવાળુ દૂધ તૈયાર કરવામાં આવે છે. મંદિરના સેવકો દ્વારા આ તૈયાર થયેલું દૂધ આસપાસના બાળકોને બોલાવીને અપાય છે. સાંજના સમયે મંદિરની બહાર બાળકોને દૂધ પીવડાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.