Shravni parv, why is biggest festival of all know here
  • Home
  • Astrology
  • શ્રાવણી પર્વ એટલે વિશ્વનું પ્રાણ પર્વ, જાણો શું છે તેની પાછળનો વિચાર

શ્રાવણી પર્વ એટલે વિશ્વનું પ્રાણ પર્વ, જાણો શું છે તેની પાછળનો વિચાર

 | 8:26 pm IST

શ્રાવણી પૂર્ણિમાને બ્રહ્મ પર્વ કહેવામાં આવે છે. આ દિવસે રક્ષાબંધનનું વિશેષ મહત્વ છે. શ્રાવણી એ અનાદિકાળથી ચાલી આવતું વૈદિક પર્વ છે. પ્રાચીનકાળમાં ઋષિ-મુનિ આ દિવસે વેદ પારાયણની શરૂઆત કરતા હતા. તેને ‘ઉપાકર્મ’ કહેવામાં આવતું હતું. પહેલાંના સમયમાં જ્ઞાતિ એ વ્યક્તિના કર્મને અનુસાર રહેતી. દ્વિજ એ ગણાતો જેનું કર્મ બ્રાહ્મણત્વથી ભરેલું હોય. વૈશ્વિક કલ્યાણની ભાવના રાખનારો મનુષ્ય બ્રાહ્મણ કહેવાતો. શ્રાવણી પૂર્ણિમાએ આવા લોકો દ્વારા વિશેષ સંકલ્પ લેવામાં આવતો. તે પણ ચોક્કસ નીતિ નિયમો અને વિધિ વિધાન સાથે…

જો યજ્ઞોપવિત બદલવાની વિધિની વાત કરીએ તો તેમાં પરંપરાગત રીતે તીર્થ અવગાહન, દસસ્નાન, હેમાદ્રિ સંકલ્પ અને તર્પણ જેવા કર્મ કરવામાં આવતા હતા. જે બ્રાહ્મણો કર્મકાંડ કરે તેમાં લાગતા પાપના નિવારણ માટે હેમાદ્રિ સંકલ્પ કરવામાં આવતો. જેમાં ભવિષ્યમાં  કષ્ટ પહોંચાડનારા, મહા કષ્ટ પહોંચાડનારા અને ભયંકર કષ્ટ પહોંચાડનારાથી બચવાનો, કોઈનું અહિતનું ન લેવાનું, કોઈની નિંદા ન કરવવાની, આહાર વિહારમાં ધ્યાન રાખવાનો, હિંસા ન કરવાનો હિંસામાં ન સામેલ થવાનો, ઈન્દ્રિયોને સંયમમાં અને સદાચરણ કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવે છે. પરમાત્માએ આ સૃષ્ટિ માનવજાતના કલ્યાણ માટે રચી છે. જો નીતિઓ એવી હોય કે જેમાં પરમાત્માની ઈચ્છાની પૂર્તિને સ્થાન ન હોય તો શું? માટે જ જનોઈ પહેરાવીને એવો સંકલ્પ લેવડાવવામાં આવતો જેમાં વિશ્વના કલ્યાણની ભાવના હોય. તેથી જ જનોઈ એ માત્ર દોરાનો ટૂકડો નથી. જનોઈએ એક સંકલ્પ સૂત્ર છે. જનોઈએ એક વૈશ્વિક જવાબદારી છે. જે સૃષ્ટિ નિયંતાના સંકલ્પથી ઉપજી છે. માટે જ જનોઈધારી બ્રાહ્મણ પૂજનીય છે.

બ્રાહ્મણ અલગ તરી આવે છે. માતા સરસ્વતી તેમને વરેલી હોય છે. તેથી જ કઈં વસ્તુ શીખવામાં કે ગ્રહણ કરવામાં તેઓ ઝડપી હોય છે. જે આ રીતે બ્રહ્મત્વનું પાલન કરે ખરેખર વંદનીય છે. આજે પણ એવા બ્રાહ્મણો હજી છે કે તેના માટે જનોઈથી વધારે પોતાના પરિવારજનો પણ નથી. જ્યારે તે તેમની જનોઈના સોગંદ ખાઈને જો કોઈ કાર્ય હાથમાં લે તો ત્યારે ગમે તે ભોગે કરીને બતાવે છે. તેમાં પરિવારજનો પણ આડે આવી શકે નહિં. કહેવાય છે કે બ્રાહ્મણ દેહ એમ જ નથી મળતો.

વાત અહિં બ્રાહ્મણોની કરવી નથી પણ યજ્ઞોપવિતની કરવી છે. આજના સમયમાં જે સમજણ અને સંસ્કાર સાથે જનોઈ ગ્રહણ કરવામાં આવે તો તેનું મહત્વ વધી જાય છે. જનોઈ દરવર્ષે બદલવામાં આવે છે કે કારણકે જીવનમાં મન, વચન અને કર્મમાં કઈં ક્યારેય કોઈ વિકાર આવ્યો હોય તો તેને નાબૂદ કરીને એ સંકલ્પ સાથે વૈશ્વિક કલ્યાણની ભાવનાને આત્મસાત કરવા માટે છે. આવી ક્રિયાઓ અને ભાવનાઓ જ કર્મકાંડનો પ્રાણ છે.

જનોઈ બદલતી વખતે બ્રહ્માજી, વેદ અને ઋષિઓને યાદ કરવામાં આવે છે. શ્રેષ્ઠ વિદ્યાને અપનાવવાનો એ સંકલ્પ છે. જ્ઞાન એજ વિકાસનો આધાર છે. જ્યારે ઋષિપૂજનએ સૌમ્ય, જીવનના સુખ અને મધુરતાનો પર્યાય છે.

શ્રાવણીને દિવસે રક્ષાબંધન અને વૃક્ષારોપણ કરવાનું પણ વિધાન છે. આ પાછળ પ્રકૃતિ સાથેનું જોડાણ છે. વધું વૃક્ષ વાવવાનું પ્રાવધાન છે. વૃક્ષ એ પરોપકારના પ્રતીક છે. તે કશું જ માંગ્યા વગર, છાંયો, ફળ, હરિયાળી આપે છે. તેથી સેવા અને સુશ્રૃષાનું વિધાન છે.

આમ શ્રાવણી પર્વ એ જીવનને સત્યપથ પર આગળ વધારવા, રક્ષાસૂત્ર દ્વારા નારી શક્તિનું સન્માન અને તેમના પ્રત્યે પવિત્રતાનો  ભાવ  તેમજ વૃક્ષારોપણ જેવી ભાવનાઓને પ્રગટ કરે છે. ઓગસ્ટ કે જે ક્રાંતિનો મહીનો છે તેમાં એટલે કે સિંહના સૂર્યના સમયગાળામાં આવતું આ પર્વ પોતાનામાં વિશિષ્ટ છે. તેથી જ એ વિશ્વનું પ્રાણ પર્વ છે. જેમાં આપણી પરંપરાઓ સાથે સામૂહિક -વૈશ્વિક કલ્યાણની ભાવના સમાવિષ્ટ છે.

આશા રાખીએ આજે જે બ્રાહ્મણો છે તે જનોઈ બદલે ત્યારે આ ભાવના સાથે બદલે અને તેમની જવાબદારી પૂરી કરવામાં ક્યારેય પાછીપાની ન કરે.