ગૂગલનાં CEO સુંદર પિચાઇએ શ્રીદેવીને આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગૂગલનાં CEO સુંદર પિચાઇએ શ્રીદેવીને આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ

ગૂગલનાં CEO સુંદર પિચાઇએ શ્રીદેવીને આપી અનોખી રીતે શ્રદ્ધાંજલિ

 | 8:30 pm IST

શ્રીદેવીનાં મૃત્યુનાં સમાચારે તેમના પ્રશંસકોથી લઇને ઇન્ડસ્ટ્રીમાં તેમના દોસ્ત, સહકર્મીઓ અને શુભચિંતકોને હતપ્રભ કર્યા છે. શ્રીદેવીનાં નિધનને એક સપ્તાહ થવા આવ્યું છતાં પણ તેમને યાદ કરવામાં આવી રહ્યા છે. તેમને શ્રદ્ધાંજલિ આપનારાઓમાં એક નામ એવું જોડાઇ ગયું છે જેની આશા કદાચ કોઇએ પણ નહિ રાખી હોય.

શ્રીદેવીનાં લાખો ચાહકોમાં ગૂગલનાં CEO સુંદર પિચાઇનું નામ પણ સામેલ છે. શ્રીદેવીનાં નિધન પર સુંદર પિચાઇએ પણ શોક વ્યક્ત કર્યો હતો. શ્રીદેવીનાં નિધન બાદ બોની કપૂરે એક ભાવુક પત્ર લખ્યો હતો અને જે તેમણે શ્રીદેવીનાં ટ્વિટર અકાઉન્ટથી શેર કર્યો હતો. આ પત્રમાં જવાબમાં ગૂગલનાં CEO સુંદર પિચાઇએ પણ એક ટ્વિટ કરીને શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપી છે. સુંદર પિચાઇએ લખ્યું છે કે, ‘સદમા ફિલ્મમાં તેમની અક્ટિંગ મને સૌથી વધુ પસંદ આવી હતી. પરિવાર સાથે આ ફિલ્મમાં શ્રીદેવીને નિહાળવાની ક્ષણો ખાસ હતી. તેઓ તેમનાં ક્ષેત્રમાં અવ્વલ હતા અને તમામ લોકો માટે પ્રેરણાશ્રોત પણ. આ મોટા નુકશાનનું મને ઘણું જ દુ:ખ છે. ભગવાન તેમનાં આત્માને શાંતિ અર્પે.’

આપને જણાવી દઇએ કે બોની કપૂરે તેમના પત્રમાં લખ્યું હતું કે, ‘તે દુનિયા માટે ચાંદની હતી… તે એક શાનદાર અભિનેત્રી હતી…તેમની શ્રીદેવી હતી, પરંતુ મારા માટે તે મારો પ્રેમ, મારી દોસ્ત અને મારી 2 દીકરીઓની માં હતી. મારી જીવનસંગીની હતી. મારી દીકરીઓ માટે તે જિંદગી હતી….અમારા પરિવારનો મોભો હતી.’

24 ફેબ્રુઆરીએ શ્રીદેવીનું દુબઇની હોટલમાં નિધન થયું હતું, ત્યારબાદ 28 ફેબ્રુઆરીએ પુરા રાજકીય સમ્માન સાથે મુંબઇમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.