શ્રીદેવી મૃત્યું પામી તે સાંજે શું થયું હતું? બોની કપૂરે જણાવી સમગ્ર ઘટના - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • શ્રીદેવી મૃત્યું પામી તે સાંજે શું થયું હતું? બોની કપૂરે જણાવી સમગ્ર ઘટના

શ્રીદેવી મૃત્યું પામી તે સાંજે શું થયું હતું? બોની કપૂરે જણાવી સમગ્ર ઘટના

 | 12:08 pm IST

બોલિવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીનાં અચાનક નિધનને કારણે તેમનો પરિવાર અને ફેન્સ ઘણાં જ દુ:ખી છે. 54 વર્ષની શ્રીદેવી 24 ફેબ્રુઆરીનાં રોજ દુબઇની એક હોટલમાં પોતાનાં રૂમમાં બાથટબની અંદર મૃત હાલતમાં મળી આવી હતી. તેમનાં મોતનું કારણ દુર્ઘટનાવશ બાથટબમાં ડૂબવાને કારણે થયું હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટના બની તે સાંજે શું થયું હતું તેનાં વિશે હજુ પણ લોકોનાં મનમાં શંકાઓ છે, પરંતુ ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ કોમલ નાહટાએ એક બ્લોગ દ્વારા એ દિવસે શું બન્યું હતું તે જણાવ્યું છે. બ્લોગનાં અનુસાર એ દિવસે શું ઘટના ઘટી હતી તે વિશે ખુદ બોની કપૂરે પોતાના મિત્ર કોમલ નાહટાને જાણકારી આપી હતી.

કોમલ નાહટાએ લખ્યું છે કે, ‘બોની કપૂર પોતાના ભત્રીજાનાં લગ્ન બાદ એક મીટિંગ માટે ભારત પરત ફર્યા હતા. 22 ફેબ્રુઆરીનાં રોજ લખનઉમાં તેમની એક મીટિંગ હતી. શ્રીદેવીને તેમની દીકરી જાહ્નવીએ ખરીદી કરવા માટેની યાદી આપી હતી જે તેમનાં ફોનમાં હતી. 21 ફેબ્રુઆરીનાં રોજ શ્રીદેવીએ શૉપિંગનો પ્લાન કર્યો હતો પરંતુ તેઓ પોતાનો ફોન રસ-અલ-ખઇમાહમાં ભૂલી ગઇ હતી. ત્યારબાદ આખો દિવસ તેમણે પોતાની હોટલમાં પસાર કર્યો હતો. 22 ફેબ્રુઆરીનો દિવસ તેમણે પોતાના મિત્રો સાથે ચેટ અને હોટલમાં આરામ કરીને પસાર કર્યો. આ જ રીતે તેમણે 23 ફેબ્રુઆરીનો દિવસ પણ પસાર કર્યો. શ્રીદેવી રાહ જોતી હતી કે બોની કપૂર ભારત પરત આવવાની તેની ટિકિટ બદલાવી આપે તો તે શૉપિંગ કરીને ભારત પરત આવી જાય.’

બોની કપૂરે કોમલ નાહટાને જણાવ્યું, “24 ફેબ્રુઆરીનાં રોજ મેં શ્રીદેવી સાથે વાત કરી હતી તો તેણે કહ્યું હતું, પાપા (શ્રીદેવી બોની કપૂરને આ નામે બોલાવતી હતી) હું તમને યાદ કરું છું. મેં પણ તેમને કહ્યું હતું કે હું પણ તને યાદ ખુબ જ યાદ કરું છું, પરંતુ મેં નહોતું જણાવ્યું કે હું સાંજે દુબઇમાં જ તેમને મળવાનો છું. જાહ્નવીએ મને કહ્યું હતું કે માં 2 દિવસથી એકલી છે અને તે ડરશે. માં પોતાનો પાસપોર્ટ અને બીજા જરૂરી કાગળો ખોઇ શકે છે.”

બ્લોગ અનુસાર બોની કપૂરે કહ્યું હતું કે, 24 વર્ષમાં બીજીવાર એવું બન્યું હતું કે શ્રીદેવીએ મારા વગર સફર કરી હતી, પરંતુ આ બંને સફરમાં તેની સાથે મારા દોસ્તની પત્ની હતી. એરપોર્ટ પર જ્યારે શ્રીદેવીનો ફોન આવ્યો ત્યારે મેં કહ્યું કે, હું જરૂરી મીટિંગમાં વ્યસ્ત હોઇશ તો થોડોક સમય ફોન બંધ રહેશે. બોની કપૂર દુબઇ જઇને શ્રીદેવીને સરપ્રાઇઝ આપવા માંગતા હતા. દુબઇનાં સમય પ્રમાણે બોની સાંજે 6:20 વાગ્યે હોટલ પહોંચ્યા હતા. હોટલમાં ચેક ઇન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અને શ્રીદેવીનાં રૂમની ડુપ્લિકેટ ચાવી લીધા બાદ તેમણે બેલ બોયને કહ્યું કે તે તેમનું બેગ રૂમમાં ના લઇને આવે કેમકે તેઓ શ્રીદેવીને સરપ્રાઇઝ આપવા માટે ખુબ જ ઉત્સુક હતા. બોની જેવા રૂમમાં ગયા કે બંનેએ એકબીજાને પ્રેમી યુગલની જેમ ગળે લગાવ્યા. ત્યારબાદ બોનીએ તેમને રોમેન્ટિક ડિનર પર લઇ જવાનો નિર્ણય કર્યો. બોનીએ શ્રીદેવીને શૉપિંગનો પ્લાન કેન્સલ કરવા માટે મનાવ્યા. તેમણે 24 ફેબ્રુઆરીને જગ્યાએ 25 ફેબ્રુઆરીનાં રોજ ભારત પરત આવવાનું આયોજન કર્યું.

બોની કપૂરે કહ્યું કે, રોમેન્ટિક ડિનર પર જતા પહેલા શ્રીદેવી સ્નાન કરવા માટે ગઇ અને હું લિવિંગ રૂમમાં જતો રહ્યો. નાહટાનાં કહ્યા પ્રમાણે બોની કપૂરે 15-20 મિનિટ સુધી મેચ જોઇ અને ત્યારબાદ તેમણે લિવિંગ રૂમમાંથી શ્રીદેવીને 2 વાર અવાજ લગાવ્યો, પરંતુ શ્રીદેવી તરફથી કોઇ જ જવાબ મળ્યો નહીં. બોની કપૂરે બેડરૂમમાં જઇને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો અને શ્રીદેવીને અવાજ લગાવ્યો, પરંતુ કોઇજ જવાબ મળ્યો નહીં. જેને કારણે ઘભરાયેલા બોનીએ દરવાજો ખોલ્યો અને દરવાજો ખુલતા જ તેઓ ચોંકી ગયા. બાથટબ પાણીથી ભરેલો હતો અને શ્રીદેવી માથેથી લઇને પગ સુધી ડૂબેલી હતી.