મનથી શ્રીદેવીને વરેલ 'પતિ' આજીવન રહ્યો કુંવારો, 'શ્રી'ના ફોટો સામે બેસી કરાવ્યું મુંડન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • મનથી શ્રીદેવીને વરેલ ‘પતિ’ આજીવન રહ્યો કુંવારો, ‘શ્રી’ના ફોટો સામે બેસી કરાવ્યું મુંડન

મનથી શ્રીદેવીને વરેલ ‘પતિ’ આજીવન રહ્યો કુંવારો, ‘શ્રી’ના ફોટો સામે બેસી કરાવ્યું મુંડન

 | 12:54 pm IST

મધ્યપ્રદેશનાં શ્યોપુરથી 13 કિલોમીટર દૂર આવેલા દદુની ગામમાં શ્રીદેવીનો એક એવો પ્રેમી છે જેણે શ્રીદેવીને પોતાની પત્ની માનીને આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. શ્રીદેવીનો આ જબરો ફેન 12 વર્ષથી શ્રીદેવીની તસવીરની પૂજા કરે છે. શ્રીદેવીનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને તેને એટલો આઘાત લાગ્યો કે 5 દિવસ સુધી જમવાનું બંધ કરી દીધું.

રવિવારે શ્રીદેવીનાં આ દિવાનાએ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું. પોતાને જન્મ આપનાર માંના મૃત્યુ પર તેણે મુંડન નહોતુ કરાવ્યું, પરંતુ શ્રીદેવીનાં મૃત્યુ પર શ્રીદેવીનાં ફોટોની સામે બેસીને તેણે મુંડન કરાવ્યું હતું.

દદુની ગામનાં 48 વર્ષિય ઓપી મેહરા શ્રીદેવીનાં એવા દિવાના છે કે તેમણે શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી છે. 20 વર્ષની ઉંમરે 1990માં ઓપી મેહરા ઘરેથી પૈસા ચોરી શ્રીદેવીને મળવા મુંબઇ પહોંચ્યા હતા, પરંતુ મળી નહોતા શક્યા.

આ દિવાનાને 1994માં શ્રીદેવીને મળવાના ચક્કરમાં રાજસ્થાનની કોટા પોલીસે જેલ ભેગો કર્યો હતો, પરંતુ ઓપી મેહરાનો શ્રીદેવી પ્રત્યેનો લગાવ ઓછો નહોતો થયો. 1988થી લઇને 1996 સુધી ઓપી મેહરાએ શ્રીદેવીને 3,000થી પણ વધુ લવ લેટર લખ્યા હતા, જેમાં લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ પણ હતો. જો કે 1996માં શ્રીદેવીનાં બોની કપૂર સાથે લગ્ન થયા બાદ ઓપી મેહરાએ શ્રીદેવીને લવ લેટર લખવાનું બંધ કરી દીધું.

રવિવારે દદુની ગામમાં શ્રીદેવીને શ્રદ્ધાજંલિ આપવા માટે શોક સભાનું આયોજન કરાયું. જેમાં ગામનાં દરેક સ્ત્રી-પુરુષો શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. ઓપી મેહરાએ શ્રીદેવીની તસવીર સામે બેસીને મુંડન કરાવ્યું અને 13મીનાં દિવસે 51 બાળાઓને ભોજન કરાવવાનું આયોજન કરવામાં આવ્યું.

ઓપી મેહરાનાં લગ્ન કરાવવા માટે પરિવારે 21 છોકરીઓ શોધી, પરંતુ તેઓ લગ્ન માટે તૈયાર ન થયા. તેમણે પરિવારને સ્પષ્ટ કહ્યું કે, મેં શ્રીદેવીને પોતાની પત્ની માની લીધી છે. શ્રીદેવી પ્રત્યેની તેમની દિવાનગી એટલી છે કે તેમણે રાશન કાર્ડ અને મતદાર યાદીમાં પણ શ્રીદેવીને પોતાની પત્ની તરીકે ઘોષિત કરી છે.