Shrilankan Team Complained About ICC Doing Partiality In CWC19
  • Home
  • Sports
  • Cricket
  • અમુક ટીમને વર્લ્ડ કપ જીતાડવાનું ICCનું ષડયંત્ર! વધુ એક ટીમે લગાવ્યા ગંભીર આરોપ

અમુક ટીમને વર્લ્ડ કપ જીતાડવાનું ICCનું ષડયંત્ર! વધુ એક ટીમે લગાવ્યા ગંભીર આરોપ

 | 3:52 pm IST

વર્લ્ડ કપ 2019માં શ્રીલંકા અત્યાર સુધી કંઇ ખાસ પ્રદર્શન કરી શકી નથી. પોતાના ખરાબ પ્રદર્શનની વચ્ચે શ્રીલંકાઈ ટીમ પિચને લઇને વર્લ્ડ કપનાં આયોજકોને ફરિયાદ કરી છે. શ્રીલંકાની ટીમનું કહેવું છે કે તેને અન્ય ટીમોની તુલનામાં અલગ પિચ મળી છે અને ટીમ આયોજકો દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાથી પણ તેઓ ખુશ નથી. અત્યાર સુધી શ્રીલંકાની 4 મેચો થઈ છે, જેમાં બે મેચ વરસાદનાં કારણે ધોવાઈ ગઈ છે અને એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો શનિવારનાં રોજ ઑસ્ટ્રેલિયાની સામે થનારી મેચને લઇને પણ ટીમનાં મેનેજરે અશાંથા ડે મેલે કહ્યું કે ટીમ હરિયાળી પિચની રાહ જોઇ રહી છે.

કોઈ એક ટીમ માટે અલગ ુપિચ તૈયાર કરી રહ્યું છે ICC

તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ન્યૂઝીલેન્ડની સામે રમાયેલી પહેલી મેચમાં તેમને કાર્ડિફમાં અને ત્યારબાદ અફઘાનિસ્તાનવાળી મેચમાં આઈસીસીએ ઘાસવાળી પિચ તૈયાર કરી હતી. તે જ મેદાન પર બીજી ટીમોને ઓછા ઘાસવાળી પિચો મળી, જેના પર મોટો સ્કૉર બનાવી શકાતો હતો. સાથે જ તેમણે કહ્યું કે, “એવું નથી કે ટીમ સારું પ્રદર્શન નથી કરી રહી એટલે ફરિયાદ કરી રહી છે. જો કે આઈસીસીએ પક્ષપાત કર્યો છે કે તે કોઈ એક ટીમ માટે અલગ પિચ તૈયાર કરી રહી છે અને એક ટીમ માટે અલગ.”

કેટલીક ટીમોને નથી મળી રહી પુરતી સુવિધાઓ

સાથે સાથે તેમણે રહેવાની સુવિધાઓ, ટ્રેનિંગની સુવિધાઓ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે કાર્ડિફમાં પ્રેક્ટિસ કરવા માટે આપવામાં આવેલી સુવિધાઓ સારી નથી. તેમણે આરોપ લગાવ્યો છે કે 3 નેટની જગ્યાએ તેમને 2 નેટ જ આપવામાં આવી છે, હૉટલમાં સ્વિમિંગ પુલ નથી, જે ઝડપી બૉલર્સ માટે જરૂરી છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશને જે હૉટલમાં રાખવામાં આવ્યા હતા ત્યાં સ્વિમિંગ પુલ હતો. અશાંતાએ જણાવ્યું કે, “અમે આઈસીસીને આ વિશે 4 દિવસ પહેલા જ લખ્યું છે, પરંતુ અત્યાર સુધી મને કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. અમે ત્યાં સુધી આઈસીસીને લખશું જ્યાં સુધી અમને જવાબ નથી મળતો.”

બીજી તરફ આઈસીસીએ ફરિયાદ મળી હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ પિચ અને પક્ષપાતનાં આરોપોને ખોટા ગણાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમને પણ પ્રાઇવેટ જીમમાં વર્કઆઉટ કરવું પડી રહ્યું છે અને જે હૉટલમાં ભારતીય ટીમ છે ત્યાં જીમનાં પુરતા સાધનો નથી. એટલું જ નહીં ટીમની સુરક્ષાનો સઘન બંદોબસ્ત પણ નથી કરવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન