Simon Taufel Object On 6 Runs Given To England For Over-through
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટનાં સૌથી મોટા અમ્પાયરે ઇંગ્લેન્ડનાં 6 રન પર ઉઠાવ્યો વાંધો, કહ્યું “તે ફક્ત 5 રન હતા”

ક્રિકેટનાં સૌથી મોટા અમ્પાયરે ઇંગ્લેન્ડનાં 6 રન પર ઉઠાવ્યો વાંધો, કહ્યું “તે ફક્ત 5 રન હતા”

 | 4:49 pm IST

વર્લ્ડ કપ 2019 ભલે ઇંગ્લેન્ડ જીતી ગયું, પરંતુ આ ફાઇનલ મેચમાં કેટલાક એવા નિયમોનાં આધારે નિર્ણયો લેવામાં આવ્યા જેના પર વિવાદ થઇ રહ્યો છે. રવિવારનાં રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડ જીત્યુ અને ન્યૂઝીલેન્ડ હારી ગયું. ઘણા દિગ્ગજોએ બાઉન્ડ્રીનાં આધારે આવેલા નિર્ણય પર પ્રશ્નો ઉપસ્થિત કર્યા. હવે આમાં ICCનાં સર્વશ્રેષ્ઠ અમ્પાયર રહી ચુકેલા સાઇમન ટફેલનું નામ પણ જોડાઇ ચુક્યું છે. તેમનું માનવું છે કે જે ઑવર થ્રો પર ઇંગ્લેન્ડને 6 રન મળ્યા હતા, તે ફક્ત 5 જ રન હોવા જોઇતા હતા.

અમ્પાયર્સ દ્વારા થઈ મોટી ભૂલ

ન્યૂઝીલેન્ડનાં સમાચાર પત્ર ‘ધ એજ’ સાથે વાત કરતા સાઇમન ટફેલે કહ્યું કે, “નિયમો પ્રમાણે જોવામાં આવે તો અહીં અમ્પાયર્સ દ્વારા ભૂલ થઇ છે, કેમકે જ્યાં ઇંગ્લેન્ડને 6 રન આપવામાં આવ્યા ત્યાં 5 રન આપવામાં આવવા જોઇતા હતા.” જો કે તેમણે એ પણ કહ્યું કે, “સીધી રીતે આ નિર્ણય માટે અમ્પાયર્સને જ જવાબદાર ઠેરવી દેવા બિલકુલ ખોટું હશે.” સાઇમન ટફેલે કહ્યું કે, “તે વખતે જે વળાંક આવ્યો હતો તે ઘણો નાજુક હતો. આવામાં અમ્પાયર્સનું ધ્યાન બેટ્સમેન ક્યાં દોડી રહ્યો છે તે તરફ નહીં, પરંતુ બૉલ ક્યાંથી ઉઠાવવામાં આવી રહ્યો છે તે તરફ હતુ. જો કે ટીવી રિપ્લેમાં બેટ્સમેનોની દોડ પર ધ્યાન ગયું.”

ટફેલની ગણના ક્રિકેટની દુનિયાનાં સૌથી મોટા અમ્પાયર્સમાં

તમને જણાવી દઇએ કે સાઇમન ટફેલની ગણના ક્રિકેટની દુનિયાનાં સૌથી મોટા અમ્પાયર્સમાં થાય છે. જો કે હવે તે આંતરરાષ્ટ્રિય મેચોમાં અમ્પાયરિંગ નથી કરતા, પરંતુ ICCની તે કમિટિનો તેઓ ભાગ છે જે ક્રિકેટનાં નિયમ બનાવે છે. સાઇમન ટફેલ પાંચવાર ICCનાં ‘અમ્પાયર ઑફ ધ યર’ બની ચુક્યા છે.

શું કહે છે ક્રિકેટનો નિયમ?

સાઇમન ટફેલનાં આ નિયમ બાદ આ મુદ્દે ચર્ચાઓ વધી ગઈ છે. જો ICCની રૂલબૂક ઉઠાવવામાં આવે અને નિયમોને જોઇએ તો શું પરિણામ નીકળે છે.

નિયમ નંબર 19.8: ઑવરથ્રો અથવા ફીલ્ડર દ્વારા જાણી જોઇને આપવામાં આવેલા રન

– પેનલ્ટીનો કોઈ પણ રન બંને ટીમોને આપવામાં આવે છે
– જો થ્રો ફેંકવા દરમિયાન બેટ્સમેન રન પુરો કરવા દોડે છે તો તે રન બાઉન્ડ્રી અથવા ઓવરથ્રોની સાથે જોડવામાં આવશે.

ગપ્ટિલનો થ્રો સ્ટોક્સનાં બેટ પર અડીને બૉલ ગયો બાઉન્ડ્રી બહાર

ઉલ્લેખનીય છે કે જે બૉલને લઇને વિવાદ થઇ રહ્યો છે તે ઇંગ્લેન્ડની ઇનિંગની અંતિમ ઑવરનાં ચોથા બૉલનો છે. આ બૉલ પર બેટિંગ કરી રહેલા બેન સ્ટૉક્સે શૉટ માર્યો અને 2 રન લેવા માટે દોડી પડ્યો. આ દરમિયાન માર્ટિન ગપ્ટિલે એક થ્રો ફેંક્યો, જે સીધો સ્ટોક્સનાં બેટ પર લાગ્યો. તેના બેટ પર લાગીને આ બૉલ સીધો બાઉન્ડ્રી પાર ગયો અને ઇંગ્લેન્ડને 6 રન (2+4) મળ્યા. આ રન બાદ ઇંગ્લેન્ડની ટીમ પોતાને સુપર ઑવરની સ્થિતિમાં લાવી શકી. ત્યારબાદ સુપર ઑવર ટાઈ થઈ અને બાઉન્ડ્રીનાં આધારે ઇંગ્લેન્ડ વર્લ્ડ ચેમ્પિયન બન્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન