simplest way to make the skin clean and smooth
  • Home
  • Fashion & Beauty
  • ત્વચાને સ્વચ્છ-નિર્મળ બનાવવાના સરળ ઉપાય, ચહેરો લાગશે એકદમ જવાન

ત્વચાને સ્વચ્છ-નિર્મળ બનાવવાના સરળ ઉપાય, ચહેરો લાગશે એકદમ જવાન

 | 1:56 am IST

બ્યૂટી । રશ્મિ

સ્વચ્છ, નિર્મળ અને ચમકતી ત્વચા સારા સ્વાસ્થ્ય અને તાજગીની નિશાની છે. દરેક વ્યક્તિને આવી સુંદર ત્વચા મેળવવાની મનીષા હોય છે. સ્વચ્છ, સુંદર ત્વચા શરીરની શુદ્ધિની પણ સૂચક છે. તેનાથી ઊલટું ડાઘાવાળી, ફિક્કી ત્વચા શરીરમાંના દોષોની હાજરીના સૂચક છે. સુંદર ત્વચા પ્રાપ્ત કરવાનો કોઈ એવો ઉપાય નથી જે ટૂંક સમયમાં પરિણામે આપે. નિયમિત અને સ્વાસ્થ્યલક્ષી જીવનશૈલી જ ત્વચાન સ્વચ્છ અને સુંદર બનાવે છે.

સારા સ્વાસ્થ્યની પ્રથમ ચાલી છે આઠ કલાકની ગાઢ નિદ્રા આ જ કારણથી તે ‘બ્યૂટી-સ્લિપ’ તરીકે ઓળખાય છે. અપૂરતી ઊંઘ આંખ નીચેના કુંડાળા અને સોજા સર્જે છે. ગાઢ નિદ્રાથી શરીરને પણ ખૂબ લાભ થાય છે. ચહેરા પર કરચલીને રોકવા માટે ચત્તા સૂવું હિતાવહ છે. શરીર કરતાં માથાને ઊંચું રાખવું પણ જરૂરી છે. રૂમની બંધ હવામાં આખો દિવસ રહેવાને બદલે ખુલ્લામાં બહાર જાઓ. ખુલ્લી હવા ત્વચાને માટે લાભદાયક છે.

પૂરતા પાણીનું સેવન એ ત્વચાના સ્વાસ્થ્યની બીજી ચાવી છે. ત્વચાની ભીનાશને જાળવવા રોજ ૬થી ૮ ગ્લાસ સાદું પાણી પીઓ. પાણી યોગ્ય રીતે શરીરમાં શોષાય તે માટે પાણીના સેવનને દિવસ દરમિયાન નાની માત્રાઓમાં વહેંચી નાખો. ડાયટે-સોડા કે સોફ્ટ-ડ્રિન્કસ પીવાનું ટાળો, શરીરના દોષો બહાર નીકળીને શરીર શુદ્ધ બની જશે.

ત્રીજી ચાવી છે નિયમિત કસરત રોજ નિયત સમયે કસરત કરો. તેનાથી રક્ત પરિભ્રમણ સુધરીને શરીર તંદુરસ્ત બને છે. દરરોજ ત્રીસ મિનિટ કસરત કરો. કોઈપણ પ્રકારની કસરત તમને ફાયદો કરશે. તમને જે અનુકૂળ હોય તે કસરત કરો. પરસેવો થવાથી ત્વચાના છિદ્રો ખૂલી જાય છે. ત્વચામાં ચમક લાવવા માટે આ પ્રક્રિયા જરૂરી છે. કસરત કરવાથી શરીરના સ્નાયુઓને આરામ મળે છે. ઉપરાંત, પરસેવા દ્વારા શરીરના દોષો (કચરો) બહાર નીકળી જાય છે.

સંતુલિત આહાર એ સ્વાસ્થ્યની ચોથી ચાવી છે. આપણે જે ખાઈએ છીએ તે આપણી ત્વચા પર દેખાય છે. જો જંક-ફૂડ ખાવામાં આવે તો ત્વચા લાંબા ગાળે નિસ્તેજ બને છે. તેથી શરીરને પૂરતું પોષણ આપીને તંદુરસ્ત રાખો. ઘેર બનાવેલો સાત્વિક ખોરાક, શાકભાજી, ફળો, સૂપ વગેરેનું સેવન કરો. તાજા શાકભાજી અને ફળોમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. ત્વચા સ્વચ્છ અને ચુસ્ત બને છે. ત્વચા પર વધુ મેકપ કરશો નહીં. તેનાછી છિદ્રો પૂરાઈ જઈને ત્વચાનું શ્વસનકાર્ય અટકી જાય છે. સૌમ્ય ગુણવત્તાવાળું ફાઉન્ડેશન અથવા જો તમારી ત્વચા પુખ્ત હોય તો ટીન્ટેડ-મોઇશ્ચરાઇઝર્સ વાપરો. મેકપ સાથે ક્યારેય નિદ્રાધીન કરશો નહીં. સૂતા પહેલાં ચહેરાને સારી રીતે સ્વચ્છ કરો. મેકપ ના કર્યો હોય તો પણ ચહેરાને સાફ કર્યા બાદ જ સૂઓ.

મોઇશ્ચરાઇઝર્સ

ત્વચાને સ્વસ્થ અને તાજગીભરી રાખવા માટે રાત્રે સૂતા પહેલાં ત્વચાની સફાઈ, મોઇશ્ચરાઇઝર લગાવવું તેમજ ટોનિંગ કરવું જરૂરી છે. આ કામ ગરમ પાણીના સ્નાન બાદ કરવું યોગ્ય છે. જ્યારે આપણી ત્વચા ભીની અને કાંઈપણ ગ્રહણ કરવા તૈયાર હોય છે. દૂધ એ શ્રેષ્ઠ ક્લિન્ઝર છે. તે ત્વચાને સાફ કરે છે અને ભીનાશ પણ આપે છે.

ઓલિવ-ઓઇલ પણ એક સારું મોઇશ્ચરાઇઝર છે. આ તેલ ત્વચા માટે ખૂબ ગુણકારી ગણાય છે. ટોનિંગની પ્રક્રિયા ત્વચાના પ્રકાર અનુસાર કરવામાં આવે છે. સૂકી ત્વચા માટે આલ્કોહોલ- ફ્રી ટોનર વાપરો. તૈલી ત્વચા માટે એસ્ટ્રિન્જન્ટ-બેઝડ ટોનર વાપરી શકાય.

સૂર્ય અને ટેનિંગ બેડ્સનો ઉપયોગ કરવાનું ટાળો. સૂર્યના પારજાંબલી કિરણોથી થતાં નુકસાનને નાબૂદ કરવાનું કામ મુશ્કેલ છે. બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન-લોશન જરૂર લગાવો. ત્વચાની હાનિ માટે સૂર્યના કિરણો સૌથી વધુ જવાબદાર ગણાય છે. સનસ્ક્રીનનું એસપીએફ ૧૫ કે તેથી વધુ હોવું જોઈએ. ત્વચાનું રક્ષણ કરે તેવી બનાવટોનો ઉપયોગ કરો.

ત્વચાના મૃતકોષોને દૂર કરીને ઝડપથી સારું પરિણામ મેળવી શકાય છે. આપણી ઉંમર જેમ વધતી જાય છે તેમ નવાં કોષો બનવાની ક્રિયા ધીમી પડતી જાય છે. જૂના કોષો જમા થવાને કારણે ત્વચા નિસ્તેજ બને છે. સપ્તાહમાં એકવાર ફેસ-સ્ક્રબનો ઉપયોગ કરીને ત્વચાને એક્સફોલિયેટ કરો. સલૂનમાં જઈને ડીપ-એક્સફોલિયેશન કરાવવાથી ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. મૃતકોષોને દૂર થવાથી ત્વચાનું શ્વસનકાર્ય સારી રીતે ચાલે છે અને ત્વચા તાજગીભરી બને છે. ત્વચાના પ્રકારને જાણીને એક્સફોલિયેશનનો ક્રમ નક્કી કરો.

સ્કિન-કેર પ્રોડક્ટ્સ

સપ્તાહમાં એક-બેવાર ચહેરા પર માસ્ક લગાવો. માસ્ક લગાવવાથી ત્વચાની શુદ્ધિ થાય છે. માટી અથવા એવોકોડોનો માસ્ક શ્રેષ્ઠ છે. તેનાથી ત્વચામાંની અશુદ્ધિઓ ખેંચાઈને બહાર આવે છે. ત્યારબાદ ચહેરા પર મોઇશ્ચરાઇઝર લગાવો.

તાણ આપણાં શરીરને ખૂબ નુકસાન કરે છે. તેની અસર ત્વચા પર પણ પડે છે. ધ્યાન, કલ્પના, પ્રાણાયામ અને યોગનો ઉપયોગ કરીને તાણને ઘટાડી શકાય છે. આંખો બંધ કરીને શાંતિથી બેસીને દસ સુધી ગણો. આ રીતે પણ તાણ ઓછી થાય છે.

હવામાંના પ્રદૂષણકારી તત્ત્વો દરરોજ ત્વચાને હાનિ પહોંચાડતા રહે છે. જૈવિક અને રાસાયણિક તત્ત્વો સૌથી વધુ નુકસાન કરે છે. પરિણામે ત્વચા નિસ્તેજ, ઢીલી તેમજ કરચલી યુક્ત બને છે. ત્વચા પર વિભિન્ન રંગના ધબ્બા, ખરબચડી સપાટી પણ પ્રદૂષણને કારણે થાય છે. પૂરતી સંભાળ અને ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રસાધનોનો ઉપયોગ કરીને ત્વચાને નિર્મળ અને સુંદર બનાવી શકાય છે. ત્વચાની સંભાળ માટેના સારી ગુણવત્તાવાળા પ્રસાધનો ત્વચાનું પીએમ બેલેન્સ સુધારીને ત્વચાને સ્વસ્થ બનાવે છે. જેથી ત્વચા યુવાન દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન