'Simplify more than 100 new faces in BJP by announcing assembly tickets'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ‘ભાજપમાં 100થી વધુ નવા ચહેરાને વિધાનસભા ટિકિટની જાહેરાતથી સોપો’

‘ભાજપમાં 100થી વધુ નવા ચહેરાને વિધાનસભા ટિકિટની જાહેરાતથી સોપો’

 | 7:11 am IST
  • Share

  • ચારથી વધુ ટર્મવાળા જૂના ધારાસભ્યોની બાદબાકી પાક્કી

  • ભાજપમાં ૧૦૦થી વધુ નવા ચહેરાને વિધાનસભા ટિકિટની જાહેરાતથી સોપો

  • અમદાવાદ શહેરમાં આમૂલ પરિવર્તન થશે: મહિલાઓને મોટાપ્રમાણમાં ટિકિટ અપાશે

ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ સોમવારે રાત્રે હિંમતનગર ખાતે પક્ષના પેજપ્રમુખોના કાર્યક્રમમાં આવતી વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોને ટિકિટ આપવાનું જાહેર કરતા પક્ષના વર્ષો જૂના ધારાસભ્યોમાં ખળભળાટ મચી ગયો છે.

પાર્ટીના સૂત્રો કહે છે કે, 2007ની ચૂંટણી દર વખતે 60-70 ઉમેદવારો તો આમ પણ નવાં જ આવે છે, જે આ વેળા મોટા પ્રમાણમાં વધુ આવશે, કેમ કે અમુક અપવાદ સિવાય ચાર-પાંચ ટર્મ ધરાવતા ધારાસભ્યોની તથા કેટલાકની ઉંમરને કારણે વિદાય લગભગ નક્કી જ છે, તદુપરાંત અત્યારે વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યો છે, એટલે બાકી 73 વિધાનસભા બેઠકો ઉપર ભાજપના નવા ઉમેદવારો આવશે તે પણ નક્કી છે.

પાર્ટીમાં ચર્ચા પ્રમાણે સરકારમાં ઉચ્ચપદો સંભાળી ચૂકેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો સન્માનજનક સ્થાન સોંપાશે. જ્યારે બાકી ડ્રોપ થયેલા પૂર્વ મંત્રીઓ પૈકી પ્રદીપસિંહ જાડેજા, રણછોડ ફળદુ જેવા કેટલાક અપવાદો બાદ કરતા બાકી બધાને આ વખતે ઘેર બેસવાનો વારો આવશે.

પાર્ટીના સૂત્રો એવું કહે છે કે, ગુજરાત ભાજપ પ્રમુખે વિધાનસભામાં 100થી વધુ નવા ઉમેદવારોને ટિકિટ આપવાની જાહેરાત ભલે કરી, પણ આખરે એ નિર્ણય તો પક્ષની પાર્લામેન્ટરી કમિટી લેતી હોય છે, અલબત્ત, એક બાબત સ્પષ્ટ છે કે, હવે કાર્યકર્તાને તેમની શક્તિ મુજબ સ્થાન આપવાનું પક્ષ વિચારી રહ્યું છે.

જૂના મંત્રીઓમાંથી આ સિનિયરો હવે ઘેર બેસી શકે

નવ જેટલા જૂના મંત્રીઓને હવે ફરી ટિકિટ મળવાની શક્યતા જૂજ છે, જેમાં દિલીપ ઠાકોર-ચાણસ્મા, કૌશિક પટેલ-નારણપુરા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા-ધોળકા, સૌરભ પટેલ-બોટાદ, જયપ્રથસિંહ પરમાર-હાલોલ, યોગેશ પટેલ-માજલપુર, ઇશ્વરસિંહ પટેલ-અંકલેશ્વર, કિશોર કાનાણી-વરાછા રોડ, રમણપાટકર-ઉમરગામનો સમાવેશ થાય છે.

ઉંમરના કારણે આ ધારાસભ્યો કપાશે

65થી વધુ ઉંમરને કારણે આ ધારાસભ્યોને ફરી ટિકિટ મળવી મુશ્કેલ બનશે, જેમાં નીમા આચાર્ય-ભૂજ, વાસણ આહીર-અંજાર, શંભુ ઠાકોર-ગાંધીનગર દક્ષિણ, વલ્લભ કાકડિયા-ઠક્કરબાપાનગર, બાબુ જમના-દસ્ક્રોઇ, ધનજી પટેલ-વઢવાણ, ગીતાબહેન જાડેજા-ગોંડલ, અભેસિંહ તડવી-સંખેડા, જિતેન્દ્ર સુખડિયા-સયાજીગંજ, પીયૂષ દેસાઈ-નવસારી, અરુણસિંહ રાણા-વાગરાનો સમાવેશ થાય છે.

આ જૂના ધારાસભ્યોની વિદાય નક્કી

કેટલાક જૂના ધારાસભ્યો કે જેઓ ચારથી વધુ ટર્મ ધરાવે છે તેમને ટિકિટ મોટેભાગે નહીં જ મળે, જેમાં રાજેન્દ્રસિંહ ચાવડા-હિંમતનગર, કિશોરસિંહ ચૌહાણ-વેજલપુર, રાકેશ શાહ-એલિસબ્રિજ, અરવિંદ પટેલ-સાબરમતી, ગોવિંદ પટેલ-રાજકોટ દક્ષિણ, બાબુ બોખીરિયા-પોરબંદર, કેશુભાઈ નાકરાણી-ગારિયાધર, પંકજ દેસાઈ-નડિયાદ, આર.સી. પટેલ-જલાલપોર, વિભાવરી દવે-ભાવનગર પૂર્વ જેવા ધારાસભ્યો સમાવિષ્ટ છે.

પાર્ટીના સૂત્રો કહે છે કે, ઉંમર-વધુ ટર્મ જેવા માપદંડોને કારણે કેટલાક કુખ્યાત ધારાસભ્યો આ વખતે પડતા મુકાવાની શક્યતા છે, જેમાં બલરામ થાવાણી-નરોડા, પરસોત્તમ સોલંકી-ભાવનગર ગ્રામીણ, ગોવિંદ પરમાર-ઉમરેઠ, જેઠા ભરવાડ-શહેરા, કેતન ઇનામદાર-સાવલી, મધુ શ્રીવાસ્તવ-વાઘોડિયા વગેરે ધારાસભ્યો સામેલ હશે.

અમદાવાદમાં ધરમૂળ પરિવર્તન કરશે

પાર્ટી સૂત્રો કહે છે કે, અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાના ધારાસભ્યોમાંથી પૂર્વમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા જાતિગત સમીકરણોને લીધે વર્તમાન મંત્રી પ્રદીપ પરમાર સિવાય બધા જ ધારાસભ્યો બદલાઈ જશે અને પાર્ટી નવા ઉમેદવારોને ટિકિટ આપશે, જેમાં પૂર્વ મંત્રી કૌશિક પટેલને નાદુરસ્તીને લીધે અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ઉંમરના કારણે આ વખતે ચૂંટણી લડવાના નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો