સિંગતેલ રૂ. ૩૦ વધી ૧,૬૦૦ની સપાટીએ - Sandesh
  • Home
  • Business
  • સિંગતેલ રૂ. ૩૦ વધી ૧,૬૦૦ની સપાટીએ

સિંગતેલ રૂ. ૩૦ વધી ૧,૬૦૦ની સપાટીએ

 | 2:36 am IST

। રાજકોટ ।

શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે અને સાતમ-આઠમના તહેવારો પણ નજીક આવી રહ્યાં છે ત્યારે દર વર્ષના ટ્રેન્ડ મુજબ સિંગતેલ સહિત તમામ ખાદ્યતેલમાં ભડકાછાપ તેજી લાવવા માટે બ્રાન્ડવાળાઓ મેદાનમાં આવી જાય છે. છેલ્લા એક માસમાં સિંગતેલમાં ડબે રૂ.૧૦૦થી ૧૧૦નો વધારો કર્યા પછીયે ભાવ સ્થિત થયા નથી. બે દિવસ પહેલાં ફક્ત સિંગતેલમાં ૧૦ રૂપિયાનો વધારો થયો હતો. આજે સિંગતેલમાં ૩૦ રૂપિયા વધારો થયો છે અને ડબો ૧,૬૦૦ રૂપિયાની ભાવસપાટીએ પહોંચી ગયો છે. સિંગતેલની સાથોસાથ કપાસિયા તેલમાં ૧૫ રૂપિયા, પામોલીન તેલમાં ૧૦ રૂપિયાનો વધારો થયો છે.

બ્રાન્ડવાળાઓ કહે છે કે નાફેડ પાસે જ હવે મગફળીનો જથ્થો રહ્યો છે. ખેડૂતો પાસે હવે માલ નથી. આ લાગ જોઈને નાફેડ એના વેચાણ ભાવ વધારતું જ જાય છે. ૩,૩૩૦ રૂપિયાથી મગફળી વેચાણનો પ્રારંભ થયો હતો. જે ભાવ હવે ૪,૦૨૭ એ પહોંચી ગયા છે અને રોજ નવો ભાવ વધારો ચાલુ જ છે. એ મગફળી સિવાય બજારમાં બીજો વિકલ્પ નથી.

આજે સિંગતેલમાં ૩૦ રૂપિયાનો વધારો થતા નવા ડબાનો ભાવ ૧,૬૦૦થી ૧,૬૧૦ થયો હતો અને ૧૫ લિટર નવા ડબાનો ભાવ ૧,૪૯૦થી ૧,૫૦૦ થયા હતાં. કપાસિયા તેલમાં ૧૫ કિલોનો ડબાનો ભાવ રૂ.૧,૩૪૫થી ૧,૩૭૫ અને ૧૫ લિટરનો ભાવ ૧,૨૬૫થી ૧,૨૭૫ થયો હતો. પામોલીન તેલમાં ૧૦ રૂપિયા વધતા ડબાનો ભાવ ૧,૧૧૦થી ૧,૧૨૦ થયો હતો. સનફ્લાવર, મકાઈ, સરસિયા તેલમાં ભાવ વધેલી સ્થિતિએ સ્થિર હતાં.

આજે લૂઝ સિંગતેલના ભાવ વધીને રૂ. ૯૫૦ થયા હતા અને ૧૫-૨૦ ટેન્કરની બ્રાન્ડવાળાઓની લેવાલી હતી. કપાસિયા વોશે પણ ૮૦૦ની ભાવ સપાટી તરફ જવા પ્રયાણ કરી દીધું છે.

આજે ભાવ ૭૯૦થી ૭૯૩  હતા અને ૧૫-૨૦ ગાડીના વેપાર હતાં. આગામી દિવસોમાં સિંગતેલ ૧,૭૦૦ની ભાવ સપાટી મેળવી લે એવો અંડર ટોન દેખાય છે.

;