સિંગલ સ્ટેટસ.. કેમ આટઆટલાં સવાલ? - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Stree
  • સિંગલ સ્ટેટસ.. કેમ આટઆટલાં સવાલ?

સિંગલ સ્ટેટસ.. કેમ આટઆટલાં સવાલ?

 | 11:36 pm IST

સમાજ તરંગ । વૈદેહી ઓઝા

સિંગલ છો? ભાડાના ફ્લેટમાં એકલાં રહો છો? ઉંમર શું છે? કોઈ પસંદ ન આવ્યું અત્યાર સુધીમાં? કે પછી કોઈ છે જિંદગીમાં…?

જે પણ મળે સવાલોની ઝડી વરસાવી મૂકે છે. ૨૫ની ઉંમર પાર કરી નથી કે તરત જ માતા-પિતા, ફોઈ, કાકી, માસીથી માંડીને આડોશી-પાડોશી સુદ્ધાં લગ્નની ચિંતામાં ગરકાવ થવા લાગે છે. તે પછી શરૂ થાય છે મફતની સલાહ, શિખામણો અને સૂચનાઓ.

ઓફિસમાં થોડુંક પણ મોડું થઈ જાય તો લેડી બોસ પગથી માથા સુધી જોઈ રહે પછી તાડૂકે, જાણે બોયફ્રેન્ડ સાથેથી ન આવી રહી હોઉં. ન મોડે સુધી જાગી શકું, ન ફ્રેન્ડ્સને ઘરે બોલાવી શકું.

લગ્નની ફોર્મ્યુલા

ભારતમાં આજે પણ એરેન્જ્ડ મેરેજની ટકાવારી બહુ વધુ છે. માતા-પિતા યુવતી માટે યુવક શોધે છે. યુવક-યુવતી એકબીજાને પસંદ કરી લે તો કોર્ટશિપ પછી લગ્ન થઈ જાય છે. મેટ્રિમોનિયલ સાઈટ્સ કે અખબારોમાં લગ્નની જાહેરખબરો પર નજર નાખો તો કેટલાક ખાસ શબ્દો આજે પણ દેખા દેશે, ‘ઘરેલુ’, ‘પરિવાર વિશે વિચારનારી’, સુંદર-સુશીલ, એકવીસમી સદીના ભારતમાં ટેક્નોલોજી, જીવનશૈલી અને માન્યતાઓ બહુ જ ઝડપથી બદલાઈ, પરંતુ લગ્ન વિશે હાલમાં પણ એ જ પુરાની પરંપરાઓ ચાલતી આવે છે.

દરેક પરિવાર બેટીને ઉચ્ચ શિક્ષણ આપીને આત્મનિર્ભર બનાવવા ઈચ્છે છે અને એના માટે એવો સુયોગ્ય વર ઈચ્છે છે જેની જવાબદારીઓ ઓછી હોય, પરંતુ એ જ પરિવાર વહુ પાસે અપેક્ષાઓ રાખે છે કે એ આવતાંની સાથે જ ઘરની બધી જવાબદારીઓ ઉઠાવી લે. ભારતીય સ્ત્રી આજે પણ બેટી, પત્ની, મા અને વહુ પહેલાં છે, કરિયર વુમન પછી…!

”મને નથી લાગતું, આવા સમાજમાં મને કોઈ મિ. રાઈટ મળશે. હું સ્પિંસ્ટર (અવિવાહિત) જ બરાબર છું.” આમ કહે છે વિશ્વા પટેલ કે જે ૩૨ની ઉંમર પાર કરનારી જોબર છે. જે મેરેજ માર્કેટ માટે પોતાને ઓવરએજ માને છે. મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલી વિશ્વા પટેલ નાના શહેરમાંથી નીકળીને મુંબઈ જેવા મહાનગરમાં કરિયર બનાવવા-વધારવામાં લાગેલી છે. બોલ્ડ છે અને પોતાની આઝાદીની કિંમતે કોઈ સંબંધ બાંધવા તૈયાર નથી. થોડાંક ગુસ્સા, આક્રોશ પણ સ્પષ્ટતા સાથે એ પોતાની વાત કરે છે, ”એવું નથી કે હું લગ્નથી દૂર ભાગી રહી છું, પરંતુ હું પરિવારની પરંપરાગત પરિભાષામાં ખુદને ફિટ નથી જોઈ શકતી. આવા જ ખ્યાલોથી એક સંબંધ ૧૨ માસ પૂર્વે તૂટી ગયો. હું મારા કલીગને પસંદ કરતી હતી. અમે લગ્ન કરવા ઈચ્છતા હતા અને મારા ઘરના સભ્યોને કોઈ વાંધો પણ નહોતો, પરંતુ આડી આવી ટિપિકલ પુરુષ માનસિકતા. જ્યારે એમને લાગ્યું કે હું ઈમોશનલી એમની સાથે એટેચ્ડ થઈ ગઈ છું તો તેમણે મને કંટ્રોલ કરવી શરૂ કરી દીધી. તેમને મારી રહેણી-કરણી, ખાણી-પીણી, આદતો, સ્વભાવ, વ્યવહાર બૂરા લાગવા લાગ્યા. હું શું પહેરું, કેવી રીતે રહું, કોની સાથે હળું-મળું, તેઓ દરેક વાત પર મને ટોકવા લાગ્યા. એકાદ વાર તો એમણે ત્યાં સુધી પણ કહી દીધું કે, હું એમને જોઈએ એવી યુવતી જ નથી. ક્યારેક કહે કે, મારા પરિવારમાં ઢળવાની કોશિશ કરવી જોઈએ, કેમ કે એમના પરિવારને એક હોમલી વહુ જોઈતી હતી. મારે જિન્સ, ટી-શર્ટને બદલે સાડી કે સલવાર-સૂટ પહેરવા જોઈએ. તંગ આવીને મેં તેમનાથી અલગ થવાનો ફેંસલો કરી લીધો. જોકે, એમણે મારાથી માફી માગી અને કહ્યું કે, હું જેવી છું, તેવી જ રીતે રહું, પરંતુ મને લાગ્યું કે એક વાર મનમાં ખટકો થઈ ગયો તો કદાચ ભવિષ્યમાં હું આ સંબંધનું સન્માન નહીં કરી શકું. મેં તેમની સાથેથી સંબંધ તોડી નાખ્યો અને જોબ બદલી નાખી. આસાન ન હતું, પરંતુ આખી જિેદગી રીબાયા કરતાં તો સારું હતું કે એક-બે વર્ષનું દર્દ સહી લેવું.

લગ્નજીવન-એક પડકાર પણ

આપણે ખુશાલ દાંપત્યની વાત કરીએ છીએ, પરંતુ શું ઉપર ઉપરના દેખાવ પરથી સારા દેખાતા સંબંધો શું એટલાં સારા હોય છે, જેટલાં એ બહારથી સારા દેખાતાં હોય છે? હવે તો આ પવિત્ર સંબંધને બદલે એક કોન્ટ્રાક્ટ બની ગયું છે. યુવતીઓની સામે પણ કંઈ કેટલાય વિકલ્પ ખૂલી ગયા છે. એ ભણેલી-ગણેલી છે, આત્મનિર્ભર પણ છે. લગ્ન ન કર્યા કે ન થયા તો જીવનભર સહેવાને બદલે કંઈક અલગ જ રાહ પસંદ કરે છે. લગ્નમાં ભાવનાત્મક લગાવ ઘટી રહ્યો છે. સમસ્યા એ છે કે લગ્ન અને એની સાથે સંકળાયેલી જવાબદારીઓ સ્ત્રીઓ પર થોપી દેવામાં આવે છે. આજે પણ ઘણાં ખરાં લગ્નજીવનમાં સ્ત્રીની આઝાદી છીનવી લેવામાં આવે છે અને એની પર્સનલ સ્પેસ ખતમ થઈ જાય છે. ઘર અને તેની સાથે સંકળાયેલી તમામ જવાબદારીઓને સ્ત્રીઓના ખાતામાં જ જમા કરાય છે. એટલે જ યુવતીઓ લગ્ન પ્રત્યે વિદ્રોહનું બ્યૂગલ ફૂંકી રહી છે.

અમદાવાદમાં રહેતી પૂનમ પટેલ બે બાળકોની માતા છે. કહે છે, ”પરિવાર આજે પણ સ્ત્રીઓની પ્રાથમિકતા છે. લગ્ન પછી જો કોઈ પોતાના સપનાં કે કરિયરનો ત્યાગ કરતું હોય તો એ સ્ત્રી છે. મેં પણ કર્યો, જો કહીશ કે કોઈ અફસોસ નથી તો એ ખોટું લેખાશે. મારી સામે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. કરિયરને પસંદ કરીને હું પરિવાર અને બાળકોની જવાબદારીઓમાંથી છટકી શકતી પણ નહોતી. કોઈ પણ યુવતી લગ્નને ત્યારે જ પડકાર ફેંકી શકે છે, જ્યારે તેની પાસે એક ઉત્તમ કરિયર હોય, માતા-પિતાનો સો ટકાનો સપોર્ટ હોય. તેને પોતાના નિર્ણય પર પૂરો ભરોસો હોય, મજબૂત વ્યક્તિત્વ હોય અને કંઈક એવાં મિત્રો હોય કે જે જીવનના દરેક પાસાં પર સાથે જ ઊભાં રહે. તો જ કોઈ યુવતી એકલા રહેવાનો નિર્ણય કરી શકે છે. આપણામાંથી કેટલી યુવતીઓમાં આ હિંમત છે?

લગ્નજીવન :

સમજૂતી નથી

કેટલીક વાર માત્ર ઓવરએજ થવાની બીકથી કે પછી સામાજિક દબાણમાં આવીને યુવતી લગ્ન કરી લે છે. એના પછી શરૂ થાય છે સમજૂતીનો સિલસિલો. બૂરા લગ્નજીવનમાંથી બહાર નીકળવું સ્ત્રી માટે આજે પણ મુશ્કેલ છે.

એકલી, છૂટાછેડા લીધેલી સ્ત્રી આજે પણ સમાજમાં ઓશિયાળું પાત્ર બની જાય છે. યુવતીઓને બધી બાજુથી માર પડવાનો શરૂ થઈ જાય છે. એક તરફ શિક્ષણ, નોકરીથી મળેલી સ્વતંત્રતા અને નવી માન્યતાઓ છે તો બીજી બાજુ પુરાના મૂલ્યો અને સંસ્કારોનું દબાણ. આ બધાંની વચ્ચે આજની સ્ત્રી ઘેરાયેલી છે. જો તે હાઈ પ્રોફાઈલ જોબમાં છે, તેની પાસે જીવન જીવવાના તમામ સંસાધન મોજૂદ છે તો તે બૂરા લગ્નજીવનને બદલે એકલાં રહેવાનું એફોર્ડ કરી શકે છે. યુવતીઓ પણ યુવકોની માફક જ સંઘર્ષ કર્યા પછી કરિયર બનાવી રહી છે. શું તે માત્ર લગ્ન ખાતર એ ઓળખને ગુમાવી દે, જે તેને કઠિન પરિશ્રમ અને વર્ષોના ઇંતજાર પછી મળે છે? આજની યુવતી મજબૂત છે, એ ઘરેલું હિંસા સહન નથી કરતી, લડી લેવાનો જુસ્સો રાખે છે, ભેદભાવ નથી સહન કરતી, પરંતુ અન્યાયની સામે બોલનારી યુવતી બધાંને વિદ્રોહી લાગે છે. તેને લાગે છે, અરે આ યુવતી કેમ આવી થઈ ગઈ? પહેલાં સ્ત્રીઓ એટલે બરદાસ્ત કરતી હતી કે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો, પણ હવે તે બરદાસ્ત નથી કરતી. વિદ્રોહનો એક માર્ગ એ પણ છે કે, લગ્ન જ ન કરો. કદાચ એટલા માટે યુવતીઓને સિંગલ સ્ટેટસ લોભાવવા લાગ્યું છે.

આઝાદીની સમસ્યા

નિર્ણય લેવાની અને પોતાની શરતો પર જીવવાની સ્વતંત્રતા યુવતીઓને મળી છે, પરંતુ માતા-પિતાની ચિંતા પણ વધી છે. હવે તેઓ પહેલાંની જેમ દબાણ કરીને તેનું ઘર નથી વસાવી શકતા. દરેક મા-બાપ પોતાના સંતાનોને વ્યવસ્થિત જિંદગી આપવા ઈચ્છે છે, એટલે પોતાની પુત્રીને સેટલ થયેલી જોવા ઈચ્છે છે.

યુવતીઓ લગ્નથી એટલા માટે દૂર ભાગે છે કે આત્મનિર્ભર હોવા છતાં પણ ઘરના નિર્ણયો કે ખર્ચ કરવાનો અધિકાર તેને નથી મળી શકતો. એવે વખતે તેને લાગે છે કે, પોતે કમાઈ રહી છે તો પોતાની ઓળખ બનાવવા મળે તો પછી પતિ પર નિર્ભર શા માટે રહેવું? એ ઉપરાંત તે પોતાની આસપાસમાં લગ્નજીવનને તૂટતાં જોઈ રહી છે, એથી પણ યુવતીઓ ડરી જાય છે કે લગ્ન કરીને અલગ થવા કરતાં તો સારું છે કે, લગ્ન જ ન કરે. તો બીજી બાજુ મા-બાપ પર સામાજિક દબાણ તો રહે જ છે. અવિવાહિત બેટી કમાઈ રહી હોય તો સમાજ કહે છે કે દીકરીની કમાણી ખાય છે, દીકરીમાં કંઈક ખામી હશે. આવું બધું વિચારતાં મા-બાપ ઈચ્છે છે કે, લગ્ન થઈ જાય તો બધી સમસ્યાઓ ટળી જાય. આપણા સમાજમાં લગ્નને પવિત્ર બંધન મનાય છે. ભલે લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે, પણ આપણા સમાજમાં વિવાહિત વ્યક્તિનું સન્માન થાય છે. માતા-પિતાને પણ લગ્ન થવાથી બેટીની સુરક્ષા અંગે પછી ચિંતા રહેતી નથી.