સિસિપાસે જોકોવિચને હરાવી અપસેટ સર્જ્યો - Sandesh
  • Home
  • Newspaper
  • સિસિપાસે જોકોવિચને હરાવી અપસેટ સર્જ્યો

સિસિપાસે જોકોવિચને હરાવી અપસેટ સર્જ્યો

 | 2:34 am IST

। ટોરોન્ટો ।

સ્ટેફાનોસ સિસિપાસે રોજર્સ કપમાં મેજર અપસેટ સર્જતાં વિમ્બલ્ડન ચેમ્પિયન નોવાક જોકોવિચને ૬-૩, ૬-૭, ૬-૩થી પરાજય આપી બહાર ર્ક્યો હતો. ગ્રીસના સિસિપાસે સાતમા ક્રમાંકિત ડોમિનિક થિયામને પણ બીજા રાઉન્ડમાં સાતમા ક્રમાંકિત ઓસ્ટ્રિયાના ડોમિનિક થિયામને પણ બહાર કર્યો હતો. જોકોવિચ સિસિપાસ સામે પ્રથમ વખત ટકરાયો હતો અને હારનો સામનો કરવો પડયો હતો. ૨૭મો ક્રમાંક ધરાવતા સિસિપાસને પોતાના પ્રથમ માસ્ટર્સ ૧,૦૦૦ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે બે કલાક લાગ્યા હતા. ક્વાર્ટર ફાઇનલમાં સિસિપાસનો સામનો જર્મનીના એલેક્ઝાન્ડર ઝવેરેવ સામે થશે. ઝવેરેવે ત્રીજા રાઉન્ડમાં રશિયાના દાનિલ મેદવેદેવને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો.

નંબર વન ખેલાડી રફેલ નડાલે પણ વિજય મેળવતાં અંતિમ આઠમાં પ્રવેશ મેળવી લીધો છે. નડાલે પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં સ્વિટ્ઝરલેન્ડના સ્ટેનિસલાસ વાવરિંકાને ૭-૫, ૭-૬થી પરાજય આપ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં નડાલનો સામનો ક્રોએશિયાના મારિન સિલિચ સામે થશે. સિલચે આર્જેન્ટિનાના ડિઆગો સ્વાર્ટઝમેનને ૬-૩, ૬-૨થી હાર આપી હતી.

હાલેપ, કેરોલિન ગાર્સિયા અંતિમ-૮માં 

મોન્ટ્રિયલ : મહિલા સિંગલ્સમાં નંબર વન ખેલાડી સિમોના હાલેપે અમેરિકાની વિનસ વિલિયમ્સને ૬-૨, ૬-૨થી પરાજય આપ્યો હતો. અન્ય એક મેચમાં નેધરલેન્ડ્સની કિકી બર્ટેન્સે આઠમી ક્રમાંકિત પેટ્રા ક્વિટોવાને બહાર કરી હતી જ્યારે પાંચમી ક્રમાંકિત યૂક્રેઇનની એલિના સ્વિતોલિનાએ બ્રિટનની જોહાના કોન્ટાને ૬-૩, ૬-૪થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત મારિયા શારાપોવાને છઠ્ઠી ક્રમાંકિત ફ્રાન્સની કેરોલિન ગાર્સિયાએ ૬-૩, ૬-૨થી હાર આપી હતી. બીજી ક્રમાંકિત ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકીને બેલારુસની અર્ન્યા સબાલેન્કાએ ૫-૭, ૬-૨, ૭-૬થી હરાવી બહાર કરી હતી.