મુન્દ્રાની માઠી દશા બેઠી ઃ સરકારની પરિભાષામાં છત, હકીકતમાં અછત - Sandesh
  • Home
  • Bhuj
  • મુન્દ્રાની માઠી દશા બેઠી ઃ સરકારની પરિભાષામાં છત, હકીકતમાં અછત

મુન્દ્રાની માઠી દશા બેઠી ઃ સરકારની પરિભાષામાં છત, હકીકતમાં અછત

 | 2:00 am IST

ખેંચાઈને જઈને વરસેલા ત્રુટક-ત્રુટક વરસાદના કારણે ઘાસચારા અને પાણીની વિષમ પરિસ્થિતિ અનુભવતા મુન્દ્રા તાલુકાની પાંજરાપોળો તથા પશુપાલકો ઉપર સરકારના અછત અંગેના અવાસ્તવિક મેન્યુઅલના કારણે આભ તૂટી પડયું છે. ઘાસચારાની તીવ્ર અછત અનુભવતા મુન્દ્રા તાલુકામાં સરકારી વિતરણ વ્યવસ્થાના ઘાસડેપો હજુ રફતાર પકડે તે અગાઉ તેને અલીગઢી તાળાં લાગી જતાં આવનારા દિવસોમાં અબોલજીવોનો નિભાવ કેમ કરવો એ પ્રશ્ને પશુપાલકો વિમાસણમાં મુકાયા છે.

સરકારે વર્ષ ર૦૧રમાં કરેલી પશુ ગણતરીને આધાર બનાવીએ તો તાલુકાના ૬ર ગામોમાં પ૦,ર૬૪ ગાય તથા રપ,૧૧૬ ભેંસ એમ કુલ ૭પ,૩૮૦ પશુ નોંધાયેલા છે. વાસ્તવમાં દાયકા પછી તાલુકામાં વધેલી વસ્તીના કારણે દૂધની માગમાં અસહ્ય ઉછાળો આવતાં લોકોએ પશુપાલનને એક વ્યવસાય તરીકે સ્વીકાર્યું છે. એક અંદાજ મુજબ તાલુકામાં આજે પશુઓની સંખ્યા દોેઢ લાખને આંબી રહી છે. સરકાર દ્વારા વર્ષ ર૦૧રની પશુ ગણતરીના આધારે ફાળવણી કરાયેલા ઘાસના પુરવઠાએ રાહત જરૃર આપી હતી, પરંતુ આ વ્યવસ્થા પર્યાપ્ત ન હતી !

પશુપાલકોની ચિંતાની વચ્ચે મહેસૂલી તંત્રનો તાલુકા સેવા સદન મધ્યે ચિતાર જાણવા કરેલી કોશિશ વેળાએ ઈ.ચા.મામલતદાર મહેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, જિલ્લા સ્તરેથી ઉપલબ્ધ થયેલા પુરવઠામાંથી તાલુકાની ૯ પાંજરાપોળને રપ૦ ટ્રક મારફતે ૮,૯ર૧ ગાંસડી (કિ.ગ્રા.૮,૩પ,૧પ૦) ઘાસ આપવામાં આવ્યું છે. બીજી તરફ નવીનાળ સિવાય શરૃ કરેલા પાંચ ઘાસડેપોએથી પ૮૪ ગાંસડી (૪૮,૭૮૭ કિ.ગ્રા.) ઘાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહતમ પાંચ પશુની મર્યાદામાં અઠવાડિક ૧ર૦ કિ.ગ્રા. મુજબ ઘાસ આપવાનું નિર્ધારિત કરવામાં આવ્યું હતું. સરકારની માર્ગદર્શિકા મુજબ મુન્દ્રામાં ૧રપ મિ.મી. ઉપરાંત વરસાદ નોંધાતા અછત દૂર થતાં ઘાસડેપો બંધ થયા છે. ઘાસડેપો ચાલી રહ્યા હતા એ દરમ્યાન નોંધાયેલી તમામ ૩,૪૦૧ અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. પ્રશાસન સમક્ષ આ સિવાય પણ અરજીઓ નોંધાઈ હતી, પરંતુ અછત પૂર્ણ થતાં તેને ફાઈલ કરી નાખવામાં આવી છે.