Gujarat: Six people died in five incidents of Loksabha Election
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં મતદાન સમયે ઘટેલી પાંચ ઘટનામાં 6 વ્યક્તિના મોત

ગુજરાતમાં મતદાન સમયે ઘટેલી પાંચ ઘટનામાં 6 વ્યક્તિના મોત

 | 10:05 pm IST

રાજ્યમાં આજે લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદાન દરમિયાન અકસ્માત અને અન્ય કારણોસર છ વ્યક્તિના મોત નિપજ્યા હતા. ગાંધીધામમાં દંપતીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. વાગરામાં મતદાન પછી વૃદ્વનું મોત અને મહેસાણામાં બોર ઓપરેટરનું હ્ય્દયરોગના હુમલાથી મોત થયું હતું. દાહોદ જિલ્લામાં મત આપે તે પહેલાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. છોટા ઉદેપુર જિલ્લામાં પણ એક વૃદ્વનું મતદાન બાદ મોત નિપજ્યું હતું.

અંજાર તાલુકાના તુણા વંડી ગામે રહેતા અસગર નૂરમામદ સાયચા (ઉ.વ.42) પત્ની સકીનાબેન અસગર સાયચા (ઉ.વ.38)ને લઈ બાઈક પર મત આપવા તુણાથી કંડલા જવા નીકળ્યા હતા. ગાંધીધામના કાસેઝ નજીક ગોળાઈ પાસે પહોંચતાં પાછળથી આવેલા ટ્રેઈલરે હડફેટે લેતા દંપતીનું મોત નિપજ્યું હતું. બંનેનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

ભરૃચ જિલ્લાના વાગર તાલુકાના ઓચ્છમ ગામના વયોવૃદ્ધ છીતુભાઇ ભાઈલાલ વસાવા મત આપી ઘર તરફ જઇ રહ્યા હતા. દરમિયાન સ્કૂલ નજીક આવેલ મંદિર પાસે એકાએક ઢળી પડયા હતા. જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો.

મહેસાણા ખાતે પરા વિસ્તારમાં આવેલા એક મતદાન મથક ઉપર પોતાનો મત આપી બહાર નીકળેલા મહેસાણા નગર પાલિકાના બોર ઓપરેટર મહેશ પરમારને ગરમીના કારણે હૃદય રોગનો હુમલો આવ્યો હતો. મતદાન મથકની બહાર જ ફસડાઈ પડેલા પાલિકાના આ બોર ઓપરેટરનું મોત નીપજયું હતું.

દાહોદ પાસે આવેલા મુવાલિયામાં ગામતળ તળાવ ફળિયામાં આવેલા મતદાન મથકે બચુભાઇ ભુરિયા મતદાન કરવા લાઇનમાં ઉભા હતા પરંતુ મત આપે તે પહેલાં ત્યારે ચક્કર આવતા 108 મારફતે દવાખાને લઇ જવાયા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. છોટાઉદેપુર જિલ્લાના ચાપરગોટા ગામના મૂળ જનસંઘી વયોવૃધ્ધ નેતા દલપતભાઇ છગનભાઇ રાઠવા (ઉં.વ.83) આજે મતદાન કર્યા બાદ ઘેર ગયા હતા અને તેમનું મોત નિપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન