છ રાજ્યોની પોલીસના દરોડામાં ૧૦ શકમંદ IS આતંકી પકડાયા - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • છ રાજ્યોની પોલીસના દરોડામાં ૧૦ શકમંદ IS આતંકી પકડાયા

છ રાજ્યોની પોલીસના દરોડામાં ૧૦ શકમંદ IS આતંકી પકડાયા

 | 2:10 am IST

લખનઉ :

દેશનાં છ રાજ્યોની પોલીસ દ્વારા હાથ ધરાયેલાં મોટાં સર્ચ ઓપરેશનમાં આઈએસઆઈએસના દસ શકમંદ આતંકીઓની ધરપકડ થઈ છે. આ મલ્ટિસ્ટેટ સર્ચ ઓપરેશનમાં યુપી એટીએસ, દિલ્હી પોલીસનું સ્પેશિયલ સેલ, આંધ્રનું સીઆઈ સેલ, મહારાષ્ટ્ર એટીએસ, પંજાબ અને બિહાર પોલીસ જોડાઈ હતી. મુંબ્રા, જલંધર, નરકટિયાગંજ, બિજનૌર, મુઝફ્ફરનગરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં આઈએસઆઈએસના ખોરાસન આતંકી મોડયૂલનો પર્દાફાશ કરાયો છે. બિહારનાં નરકટિયાગંજમાંથી આઈએસનો આતંકી એહતેશામૂલ હક પકડાયો હતો. યુપી પોલીસના એડીજી દલજિતસિંહ ચૌધરીએ જણાવ્યું હતું કે આતંકી કાતવરુંં ઘડવાના આરોપમાં મુંબઈ, જલંધર અને બિજનૌરથી ૪ લોકોને પકડવામાં આવ્યાં છે જ્યારે ૬ શકમંદોની સઘન પૂછપરછ કરાઈ રહી છે. આ લોકો દેશમાં મોટી આતંકી વારદાતની યોજના બનાવતાં હતાં. આ લોકો પાસેથી આઈએસ સંબંધી દસ્તાવેજો જપ્ત કરાયા છે.

૪ શકમંદો સામે નક્કર પુરાવા મળ્યા

એડીજી ચૌધરીએ કહ્યું હતું કે ૪ શકમંદો સામે નક્કર પુરાવા મળ્યા છે. આઈએસ સાથે જોડાયેલા મુફ્તી ફૈઝાન અને તન્વીરની ધરપકડ બિજનૌરમાંથી થઈ છે. બિજનૌરના જ નસીમ શમશાદ એહમદની ધરપકડ મુંબ્રા ટાઉનશિપમાંથી થઈ છે. જલંધરમાંથી જિશાન ઉર્ફે મુજમ્મિલની ધરપકડ થઈ છે. બીજા છ શકમંદોની યુપી એટીએસએ ધરપકડ કરી છે અને નોયડામાં પૂછપરછ ચાલુ છે. બધા જ આરોપીઓ એકબીજા સાથે ઈન્ટરનેટનાં માધ્યમથી સંપર્કમાં હતા. એટીએસને ચોક્કસ માહિતી મળી છે કે આઈએસઆઈએસ હવે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને બિહારમાં અમુક યુવાનોને ફોસલાવી આતંકી સંગઠનમાં જોડાવા માટે મોટાપાયે કામ કરી રહ્યું છે. આ શકમંદો ખોટા રવાડે ચડી ગયેલા યુવકો લાગે છે અને તેઓ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ કરી રહ્યાનું જણાય છે તેમ ચૌધરીએ કહ્યું હતું. આ શકમંદો સોશિયલ મીડિયા દ્વારા તુચ્છ લાભ લેવા માટે આતંકના માર્ગે જઈ રહ્યા છે. તમામની સામે કાનૂની કાર્યવાહી કરાશે.

કેટલાક નકશા અને ડાયરી પણ મળી

એટીએસ આઈજી અસીમ અરૂણે જણાવ્યું કે બિજનૌરથી પકડાયેલા શકમંદો પાસેથી કેટલાક નકશા મળ્યા હતા. એક ડાયરી પણ મળી હતી, જેમાં કાવતરાં સાથે જોડાયેલાં લોકોનાં નામ હોવાનું જણાયું હતું. હાલ તમામ ૧૦ લોકોને નોઈડા લઈ જવાયાં છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે. બધાની ઉંમર ૧૮થી ૨૫ વર્ષની છે. તપાસમાં સામે આવ્યું છે. એક આરોપી આખા ગ્રૂપને ફાઈનાન્સ કરતો હતો. આઈએસ સાથે જોડાવા માટે આ લોકો  બીજા યુવાનોને ઉશ્કેરતા હતા. જલંબધરમાંથી ઝડપાયેલ જિશાનની ઉંમર ૨૦ વર્ષની છે જે ફેસબુકનાં માધ્યમથી બીજા યુવાનો અને આતંકીઓના સંપર્કમાં હતો. યુપી એટીએસએ લખનૌમાં થયેલાં એન્કાઉન્ટર દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો કબજે કર્યા હતા. દસ્તાવેજોના આધારે છ રાજ્યોની પોલીસે સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.