છ વર્ષના અંતે ખર્ચમાં તોતિંગ વધારો છતાં MUTP-૨ના લક્ષ્યાંકો પાર પડયા નથી - Sandesh
  • Home
  • Mumbai
  • છ વર્ષના અંતે ખર્ચમાં તોતિંગ વધારો છતાં MUTP-૨ના લક્ષ્યાંકો પાર પડયા નથી

છ વર્ષના અંતે ખર્ચમાં તોતિંગ વધારો છતાં MUTP-૨ના લક્ષ્યાંકો પાર પડયા નથી

 | 12:20 am IST

મુંબઇ, તા. ૧૪

મુંબઇ શહેરમાં રોજ ૭૫ લાખ ઉતારૂઓની હેરફેર કરતા લોકલ ટ્રેન નેટવર્કમાં ભીડ દૂર કરવાના મુખ્ય હેતુથી વિશ્વ બેન્કના ભંડોળ દ્વારા શરૂ કરવામાં આવેલા મુંબઇ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ(એમયુટીપી) ટુને શરૂ કરવામાં આવ્યાને છ વર્ષ પછી પણ લોકલ ટ્રેનોમાં ભીડ ઘટવાનું નામ લેતી નથી.

એપ્રિલ ૨૦૦૯માં આ યોજનાના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા હતાં કે તે ઉપનગરીય ટ્રેન નેટવર્કમાં ભીડ ઘટાડશે, ટ્રેનોની નિયમિતતા વધારશે અને મુસાફરનો સમય ઘટાડશે. એમયુટીપીનું કામ ઓક્ટોબર ૨૦૧૦માં શરૂ થયું ત્યારે મૂળ ખર્ચ ૫૪૦૦ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો હતો અને તમામ લક્ષ્યાંકો જૂન ૨૦૧૫માં પાર પાડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી.

પરંતુ આજે છ વર્ષના અંતે બહાર આવ્યું છે કે એમયુટીપી ટુનો ખર્ચ વધીને ૮૦૮૭ કરોડ રૂપિયા થયો છે અને તે તેના તમામ લક્ષ્યાંકો પાર પાડવામાં નિષ્ફળ ગયો છે. એમયુટીપીના પૂરાં થયેલાં કામ વિશેનો વિશ્વ બેન્કનો અહેવાલ ગયા વર્ષે સુપરત કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હતું કે ઉપનગરીય ટ્રેનમાં ભીડને ઘટાડી ૪૦૦૦ ઉતારૂઓ પૂરતી મર્યાદિત રાખવી, વિવિધ સેકશનો વચ્ચે ટ્રેનનો સમય બેથી છ મિનિટ ઘટાડવો અને ટ્રેનની નિયમિતતા સુધારીને પિૃમ રેલવેમાં ૯૮.૫ અને મધ્ય રેલવેમાં ૯૪ પોઇન્ટ કરવાનું લક્ષ્ય રખાયું હતું પણ આમાંથી એક પણ લક્ષ્ય સિદ્ધ થઇ શક્યું નથી. એમયુટીપી ટુ અને અન્ય પ્રોજેક્ટસને પાર પાડવા માટે રાજ્ય અને ભારતીય રેલવે દ્વારા સંયુક્ત રીતે શરૂ કરવામાં આવેલી મુંબઇ રેલ વિકાસ કોર્પોરેશન દ્વારા આ અહેવાલ સુપરત કરવામાં આવ્યો હતો.  જો કે, મુંબઇ રેલ વિકાસ કોર્પોરેશનના ચેરમેન આર.એસ. ખુરાનાએ જણાવ્યું હતું કે અમે એમયુટીપીના પ્રથમ અને બીજા તબક્કામાં ટ્રેનની ઉતારૂ ક્ષમતામાં ૩૫ ટકાનો વધારો કર્યો હતો, પરંતુ મુસાફરીનો સમય ઘટાડવામાં અમે નિષ્ફળ રહ્યા છીએ. વળી ઉતારૂ ક્ષમતા વધવા સામે આ વર્ષોમાં ઉતારૂઓની સંખ્યા પણ વધી હતી.

આ પ્રોજેક્ટ ૨૦૨૨માં પૂરો કરવાનું લક્ષ્ય છે, પરંતુ મુંબઇગરાને વિશ્વકક્ષાની પરિવહન સુવિધા મેળવવા માટે હજી લાંબી રાહ જોવી પડે તેમ લાગે છે.

;