ઊંઘમાંથી જાગવાની કળા - Sandesh

ઊંઘમાંથી જાગવાની કળા

 | 1:19 am IST

બિંબ-પ્રતિબિંબ । રજનીકાંત પટેલ

ઊંઘના અભાવની નિષેધક અસરોના સ્વીકારનો અર્થ એવો નથી કે ઓછી ઊંઘ કે અનિદ્રાથી પીડાતી વ્યક્તિઓ ગાંડી થઈ જાય કે તેઓ તંદુરસ્ત રહી શકે જ નહીં. ઓછી ઊંઘ કે અનિદ્રાની ચિંતા કર્યા વગર તેનાથી ઉત્પન્ન થતી તકલીફો સાથે સમાયોજન સાધનાર કેટલાક માણસો સર્જનાત્મક કાર્યો કરવા સમર્થ નીવડયા છે.

તમારી ઊંઘના ચક્રને સમજ્યા વગર કોઈ પગલાં લેશો નહીં. તમે આઠ કલાક ઊંઘ્યા પછી સ્ફૂર્તિ અનુભવો. રોજિંદા જીવનનાં કાર્યો કાર્યક્ષમતાથી કરી શકો, શરીર અને મન સ્વસ્થ રાખી શકો. તો પછી ઊંઘ ઘટાડવાની કોઈ જરૂર નથી. તમે પાંચ કલાક ઊંઘ્યા છતાં કાર્યક્ષમતા, સ્ફૂર્તિ અને તંદુરસ્તી અનુભવો તો તમારે બીજા વધારે ઊંઘે છે માટે તમારી ઊંઘને વધારવાની કોઈ જરૂર નથી. તમારી ઊંઘની જરૂરિયાત ખરેખર કેટલી છે તે નક્કી કરો. તમારી ઊંઘના ચક્રમાં એકાએક નોંધપાત્ર ફેરફારો થાય અને લાંબો સમય રહે, તન-મનની તંદુરસ્તીને અસર કરે તો ચિકિત્સકની સલાહ લેવી.

અનિદ્રાના આઠ ઉપાય

(૧) કોઈપણ ગરમ પીણું પીઓ. દૂધનો પ્યાલો કોઈપણ નિદ્રાપ્રેરક પીણાં કરતાં ઓછો અસરકારક નથી. કેટલાક માટે દૂધ પીને ઊંઘી જવાની ક્રિયા બાલ્યાવસ્થાની સ્મૃતિનું સાહચર્ય બની જાય છે.

નિદ્રાપ્રેરક પીણાંને સહેજ ગરમ કરીને પીવું. ચા, કોફી વગેરે પીણાં મનને ઉત્તેજિત કરતાં હોય તે ન પીવા.

(૨) શરીરને હળવું માલિશ કરો. બોચી, કરોડરજ્જુનો છેડો, ખભા વગેરેને હળવેથી માલિશ કરો.

શાસ્ત્રીય દૃષ્ટિએ માલિશ કરવામાં આવે તો લોહીના પરિભ્રમણને સારી અસર થાય છે. સમગ્ર દેહ શિથિલ થાય છે. માલિશ નિદ્રાપ્રેરક છે.

(૩) ઊંઘી જવાની તૈયારી કરતા બાળકની જેમ તમારી જાતને તૈયાર કરો. બગાસાં ખાવ, સહેજ આંખ ચોળો અને ઊંઘી જાવ. બગાસાં ન આવે તો બગાસાં ખાવાનો અભિનય કરો.

(૪) તમારા શરીરને પથારીમાં લંબાવો, હાથ-પગ વગેરેને પૂરેપૂરા લંબાવો. ઘૂંટણ વાળી પાસાં ફરો. શરીરને ખેંચી પછી પડખું ફરી જાવ.

(૫) આંગળી દ્વારા આંખ પર હળવું, તદ્દન હળવું દબાણ આપવું. આંખો બંધ કરી હળવું દબાણ આપવું. આંખો હળવેથી ચોળવી પછી નિદ્રાધીન થવું.

આંખો પર હળવેથી હથેળી મૂકી, બંધ આંખે અંધકારનો અનુભવ કરવાથી પણ ફાયદો થાય છે.

(૬) તમને સુખદ લાગતા કોઈ સ્વપ્નોનો ફરી અનુભવ કરો. તમે મનગમતું દૃશ્ય કલ્પી શકો. ચાંદનીના દૃશ્યમાં વિહાર કરો, દરિયાના મોજાંના પછડાટનો ધ્વનિ સાંભળી શકો, ફૂલની સુગંધ માણો, કલ્પનાની પાંખે ચડી તમને ગમે તેવો અનુભવ કરો. કલ્પનાની પાંખે સરકતા ઊંઘમાં સરકી જાવ.

(૭) ઊંડા, લાંબા, નિયમિત શ્વાસ લો. શ્વાસના લય તરફ ધ્યાન આપો. શ્વાસના લયની સાથે દરિયાનાં મોજાંની ચઢ-ઊતરનો અનુભવ કરી શકાય.

(૮) માનસિક બહેરાશ કેળવો. તમે બહેરા નથી. ઊંઘવા જાવ એટલે માનો કે તમે બહેરા છો અને બધા અવાજને મનની બહાર કાઢી મૂકો છો. ટેલિફોનની ઘંટડીનો અવાજ, રેડિયાનો અવાજ, બધા અવાજો મનની બહાર ફેંકી દો. તમને કોઈ અવાજ સંભળાતો નથી.. કોઈ અવાજ સંભળાતો નથી.

આવો ઉપાય એક દિવસમાં આવડી જતો નથી. પ્રયતનો ચાલુ રાખ્યા પછી સફળતા પ્રાપ્ત થાય છે.

અનિદ્રા હોય તે આ ઉપાયો ચોક્કસ અજમાવી જુએ. બીજી કેટલીક બાબતો અનિદ્રા હોય કે ન હોય છતાં યાદ રાખવી. ઊંઘી જવાના સ્થળનું ઉષ્ણતામાન શરીરને અનુકૂળ કે ગમે તેટલું હોવું જોઈએ. ઊંઘી ગયા પછી તીવ્ર અવાજો ન થાય કે તીવ્ર પ્રકાશ આંખને અડે નહીં તેની કાળજી રાખવી. આછા વાદળી કે લીલા રંગના ‘નાઈટ લેમ્પ’ પ્રમાણમાં વધારે સારા.

તમે સગવડદાયક વાતાવરણમાં મીઠી ઊંઘ લઈ રહ્યા છો. ધીમે ધીમે રાત પસાર થઈ રહી છે પણ પ્રભાત થવાનું છે. મીઠી નિદ્રાનો ધીમેથી ત્યાગ કરી જાગ્રત અવસ્થામાં આવવાનું છે. ઊંઘવાની કળાનો વિચાર કર્યો હતો પણ જાગવાની કળાનો તમને ખ્યાલ છે? બહુ ઓછાને ખબર છે. જાગવાની ક્રિયા અંગે પણ સંશોધન થઈ રહ્યાં છે.

પ્રભાતનું આછું અજવાળું થવાની શરૂઆત થાય એટલે સૂતેલા માનવીનો સળવળાટ થાય છે. પથારીનો ત્યાગ કરવાની ઘડી આવે છે.

પ્રભાતમાં પથારીનો ત્યાગ લગભગ બધા કરે છે પણ કેવી જુદી જુદી રીતે! એવા ‘સૂર્યવંશી’ પણ છે જેને ઉઠાડવા માટે ત્રણ એલાર્મ કાર્યશીલ હોય છે. વહેલા જાગી ગયેલા કુટુંબના બીજા સભ્યો થોડી થોડી વારે તેમને જાગ્રત કરવાના નિષ્ફળ પ્રયાસો કરે છે. નાનાં બાળકો સૂતેલા સ્વજન પર કૂદવાનો આનંદ પણ લે છે. અંતે સળવળે છે એ સૂર્યવંશી! બીજી તરફ એવાં નર-નારી છે કે ઊંઘમાંથી ઊઠીને તરત પથારીમાંથી બહાર કૂદી પડે છે. શક્તિશાળી કોઈ એન્જિનની જેમ આસપાસ ઘૂમી વળે છે. એક પછી એક કાર્યો ઊથલાવે છે. મોટાભાગના માનવીનો સમાવેશ તો ‘સૂર્યવંશી’ અને ‘સ્ફૂર્તિ-મૂર્તિ’ની વચ્ચે થાય છે.

ઊંઘ જાગવાની કળા છે?

ઊંઘમાંથી ઊઠવાની કળાનો અભ્યાસ વિજ્ઞાન કરી રહ્યું છે એ કદાચ ઓછા જાણતા હશે. ઊંઘના સંશોધન વિશે એટલી બધી માહિતી પ્રગટ થતી હોય છે કે તેમાં પથારીમાંથી જાગવાના થોડા અભ્યાસને ઓછું ધ્યાન અપાય તે સમજી શકાય પણ જે ઊંઘે છે તેણે જાગવાની કળા શા માટે શીખી ન લેવી? ઊંઘમાંથી જાગવાની કળા પ્રાપ્ત કરવા માટે તે અંગે થયેલા પ્રાયોગિક અભ્યાસોને લક્ષમાં લેવા જરૂરી છે.

‘સાયમન્સ સ્લીપ લેબોરેટરીઝ’ના નિયામક ડોક્ટર ડીન ફોસ્ટર પ્રયોગોના આધારે જણાવે છે કે, ઊંઘમાંથી જાગવાની ક્રિયા સવારમાં નહીં પણ ખરેખર જાણીએ છીએ તેના ચાર કલાક પહેલાં થઈ જાય છે. તેમના મત પ્રમાણે ઊંઘના ચાર તબક્કા છે. આ તબક્કા જોતાં એમ લાગે છે કે આપણે ઊંઘ કરતાં જાગવાની ક્રિયામાં વધારે સમય લઈએ છીએ. ઊંઘવાની ક્રિયા ખરેખર જાગવાની ક્રિયા ન હોય!

ફોસ્ટરના મત પ્રમાણે રાત્રે ઊંઘી ગયા પછી શરૂઆતની ઊંઘ ગાઢ હોય છે. આ ચોથો તબક્કો છે. લગભગ ત્રણ કલાક ચાલતા આ તબક્કામાં મોટાભાગના માનવીને જરૂરી આરામ મળી જાય છે. પછીની અવસ્થાને ત્રીજો તબક્કો ગણે છે. આ સમયની ઊંઘ આછી ગાઢી હોય છે. પછીનો બીજો તબક્કો ગણાય છે તે હળવી ઊંઘનો તબક્કો છે. પછી પ્રથમ તબક્કો લગભગ જાગી ગયાનો હોય છે. તે તન્દ્રા અવસ્થા જેવો હોય છે. ફોસ્ટરે ગણાવેલા તબક્કાની દૃષ્ટિએ એમ લાગે કે ઊંઘ્યા પછીની ગાઢ નિદ્રા પત્યા બાદ માનવી ધીમે ધીમે ઊઠવાની તૈયારીના ચક્રમાં આવે છે!

ઊંઘમાંથી જલદી કોણ જાગી શકે, સ્ત્રી કે પુરુષ? આ પ્રશ્નને સમજવા માટે થયેલા પ્રયોગો દર્શાવે છે કે, જાગ્રત થવાની ક્રિયાને જાતિ સાથે કોઈ સંબંધ નથી. પણ ઉત્તેજકના પ્રકાર સાથે સંબંધ જણાય છે. નર કે નારી માટે બાહ્ય ઉત્તેજક કેટલું અગત્યનું છે તે બાબત જાગ્રત થવાની ક્રિયાને સ્પર્શે છે. ઢોલ વાગે છતાં જાગ્રત નહીં થનારી કેટલીક સ્ત્રીઓ બાળકના રડવાના ધીમા અવાજથી જાગી જાય છે! તેમજ બાળકના રડવાથી નહીં જાગનારો પુરુષ ટેલિફોનની ઘંટડી રણકે ને જાગી જાય! જાગ્રત થવાની કળા પ્રાપ્ત કરનારે પોતાને કયા ઉત્તેજકો ફાવે છે તે શોધી તેનો ઉપયોગ કરવો જોઈએ.

વધારે સ્ફૂર્તિ ક્યારે?

ડોક્ટર નાથાનેલ ક્લટમેને ઊંઘ સાથે સંકળાયેલા પ્રશ્નોનો વિશાળ અભ્યાસ કર્યો છે. આ નિષ્ણાત દર્શાવે છે કે, ”દિવસે સ્ફૂર્તિ અનુભવનાર” અને ”રાત્રે સ્ફૂર્તિ અનુભવનાર” એવાં બે પ્રકારનાં નર-નારી હોય છે. રાત્રે દસ કે અગિયાર વાગ્યે નિદ્રાધીન થઈ સવારના લગભગ છ વાગ્યાની આસપાસ ઊઠનાર પ્રથમ પ્રકારના છે. તેઓ સવારથી સાંજ સુધી કાર્યશીલ હોય છે. રાત્રિ નજીક આવે તેમ તેમની સ્ફૂર્તિ ઓછી થાય છે. બપોરના બે વાગ્યાની આસપાસના ગાળામાં તેઓ સૌથી વધારે સ્ફૂર્તિ અનુભવી શકે. બીજા પ્રકારનાં લોકો સવારના ગાળામાં આળસુની જેમ પથારી સાથે જોડાયેલાં રહે છે. દિવસ આગળ વધે તેમ આળસ ખંખેરાય છે. સંધ્યાથી મોડી રાત સુધી તેઓ સ્ફૂર્તિ અનુભવે છે.

ડોક્ટર ક્લીટમેન દર્શાવે છે કે, સ્ફૂર્તિ સાથે શરીરના ઉષ્ણતામાનને સંબંધ છે. ઊંઘમાંથી ઊઠેલાં સત્તાણુંથી સાડી સત્તાણું ફેરનહિટ ઉષ્ણતામાન ધરાવે છે. સ્ફૂર્તિદાયક અવસ્થામાં તે સાડી અઠ્ઠાણું આસપાસ હોય છે. સ્ફ્રૂતિ ઘટે ત્યારે ઉષ્ણતામાન ઓછું જણાય છે.

જાગવાની કળા

વિવિધ સંશોધનોના આધારે, જાગવાની કળા પ્રાપ્ત કરનાર માટે નીચેનાં મહત્ત્વનાં સૂચનો થયાં છે.

(૧) ઊંઘમાંથી જાગવા માટેપોતાને કયા બાહ્ય ઉત્તેજકો ઉપયોગી નીવડે છે તે જાણી લેવું. જાગવા માટે તીવ્ર ઉત્તેજકો ટાળવા. બને ત્યાં સુધી ઇચ્છાશક્તિનો ઉપયોગ કરી જાગવાની ટેવ પાડવી.

(૨) ઊંઘમાંથી જાગીને તરત કૂદી પડવાની ટેવ ઘણા માટે ફાયદાકારક નથી. જાગવાની ક્રિયા હળવેથી થાય તે વધારે નૈર્સિગક છે. નિદ્રામાંથી જાગતા પક્ષીને ધ્યાનથી જુઓ. પહેલાં આંખો ઊંચી કરી મટમટાવશે, ગરદન બંને બાજુ હલાવશે, પાંખ ખંખેરશે. પછી સ્ફૂર્તિથી ઊડશે. આંખ ખૂલ્યા પછી પગથી તે મસ્તક સુધીના સ્નાયુમાં સ્ફૂર્તિનો અનુભવ કરો. જરૂર પડે તો સહેજ હલનચલન કરી સ્નાયુને તૈયાર કરો.

સ્નાયુ તાણ અનુભવતા હોય તેવી સ્થિતિમાં કૂદી પડવાથી નુકસાન થવા સંભવ છે. ઊંઘની અવસ્થાને લગભગ સાત કલાકથી અનુકૂળ થયેલા શરીરને જાગ્રત અવસ્થામાં એકદમ ધકેલવાથી નુકસાનની શક્યતા રહે છે. ખાસ કરીને લોહીના દબાણની કે હૃદયની તકલીફ હોય, વધારે ઉંમરને લીધે શરીર અશક્ત થયું હોય ત્યારે ઊઠતાંની સાથે એકદમ પથારી છોડીને ચાલવું નહીં.

(૩) આવેગને ઉશ્કેરે તેવી ચર્ચા સવારે કરવી યોગ્ય નથી. તીવ્ર આંચકા આપે તેવી ચર્ચાઓ ઊંઘતા પહેલાં કે જાગ્યા પછીના શરૂઆતના કલાકોમાં કરવી નહીં. કુટુંબના સભ્યો શાંતિથી ચા-પાણી કે નાસ્તો કરી નવા દિવસનાં કાર્યોને સફળતાથી પાર પાડવા તૈયાર થાય તે જરૂરી છે. કંકાસથી શરૂ થયેલું પ્રભાત આખા દિવસ પર છવાઈ જાય છે.

(૪) દરેક વ્યક્તિએ પોતાના સ્ફૂર્તિના ચક્રને સમજીને તે પ્રમાણે કાર્યક્રમ ગોઠવવા પ્રયાસ કરવો. સ્ફૂર્તિ ઓછી લાગે ત્યાર નિર્ણય માગે તેવાં કે વધારે એકાગ્રતાની જરૂર પડે તેવાં કાર્યો ન કરવા. થોડા દિવસ સુધી ઉષ્ણતામાનની નોંધ રાખી વ્યક્તિ પોતાનો સૌથી વધારે સ્ફૂર્તિ કે કાર્યક્ષમ અવસ્થાનો ગાળો શોધી શકે છે. ક્લીટમેનના અભ્યાસ પ્રમાણે સ્ફૂર્તિના ગાળામાં વ્યક્તિનું ઉષ્ણતામાન દિવસના બાકીના સમય કરતાં વધારે છે.

(૫) તંદુરસ્તી સારી હોય, પાચનશક્તિ પ્રબળ હોય તેવી વ્યક્તિઓ જાગીને શક્તિપ્રદ પીણાં કે ખોરાક લે તે જરૂરી છે. મુખ્ય ભોજનનો સમય જાગ્યા પછી બહુ લાંબો ન હોય તો માત્ર દૂધ જેવા પીણાંથી ચાલી શકે. ચા-નાસ્તાનો સમય અને પ્રમાણ દરેક વ્યક્તિ પોતાની તંદુરસ્તી, કાર્યના પ્રારંભનો સમય, કુટુંબનાં અન્ય સભ્યોની અનુકૂળતા વગેરે લક્ષમાં રાખીને નક્કી કરી શકે.

ઊંઘમાંથી જાગવાની કળાને તમે અત્યાર સુધી અવગણી હોય તો ફરીથી જાગ્રત થાવ ત્યારે ઉપરના સૂચનોને યાદ કરજો. ઊંઘવાથી અને જાગવાથી ક્રિયાને આનંદમય બનાવનાર વ્યક્તિ સ્વસ્થ મનની ભેટ માટે તૈયાર થઈ ગણાય.