સૂઈ રહેવાના ત્રણ લાડુ!   - Sandesh
  • Home
  • Kids Corner
  • સૂઈ રહેવાના ત્રણ લાડુ!  

સૂઈ રહેવાના ત્રણ લાડુ!  

 | 12:10 am IST

જનકપુર નામે એક ગામ હતું. તે ગામમાં વચ્ચોવચ એક ઘરમાં કાકા-ભત્રીજા રહેતા હતા. કાકાનું નામ હતું સોમભાઈ અને ભત્રીજાનું નામ હતું રામભાઈ. કાકા-ભત્રીજા બંનેના લગ્ન નહોતા થયા. ઘરમાં એકલપંડે રહેતા હતા. એક દિવસ બંનેને લાડુ ખાવાનું મન થયું. બંને કાકા-ભત્રીજાએ ભેગા થઈને લાડુ બનાવવાનું વિચાર્યું. ઘી, ખાંડ, લોટ લઈને લાડુ બનાવવા બેઠા. લાડુ બન્યા પછી ગણતરી કરી તો લાડુ હતા પાંચ.

હવે કરવું શું? બંને મૂંઝાઈ ગયા. પાંચ લાડુના બે સરખા ભાગ કેવી રીતે કરવા? ભત્રીજો કહે, ‘આવા મસ્ત, ગોળ લાડવાને અડધો કરીશું તો ભૂકો થશે. જુઓ કાકા લાડવો ખાવો તો આખો જ ખાવો.’ કાકો કહે, ‘હું મોટો છું એટલે હું ત્રણ ખાઇશ.’ ભત્રીજો કહે, ‘હું જુવાન છું, મને ખોરાક વધારે જોઈએ એટલે હું ત્રણ ખાઇશ.’ કોણ ત્રણ લાડવા ખાય એ માટે બંને વચ્ચે બહુ હુંસાતુંસી થઈ. આખરે બંનેએ નક્કી કર્યું ‘તારુંય નહીં અને મારુંય નહીં! જે આવતી કાલે સવારે મોડો ઊઠે એ ત્રણ ખાય.’

રાત્રે બેય જણ લાડુનાં સપનાં જોતાં-જોતાં સૂઈ ગયા. પછી સવાર પડી. સવારે બંનેમાંથી એકપણ ઊઠવાનું નામ ન લે. દૂધવાળો બારણું ખખડાવીને થાકીને જતો રહ્યો. નોકરે પણ ઘણી બૂમો પાડી, બારણું ખખડાવ્યું. છેવટે એ પણ જતો રહ્યો. એ જ રીતે, પેપરવાળો, શાકવાળો, ધોબી… બધા આવ્યા ને પાછા ગયા.

કાકો કે ભત્રીજો તો ઊઠે જ નહીં! ખબર હતી કે જે વહેલો ઊઠશે એને એક લાડવો ઓછો મળશે. ઘર ન ખુલ્યું તો પાડોશીઓએ પણ બારણું ખખડાવી જોયું. બારણું ન જ ખુલ્યું તો પાડોશીઓને ચિંતા થવા લાગી કે, આ કાકા-ભત્રીજાને કંઈ થયું તો નથી.

બધા પાડોશીઓ ભેગા થઈ ગયા અને ફરી બારણું ખખડાવવા લાગ્યા અને બૂમો પાડવા લાગ્યા. પણ કાકા કે ભત્રીજાએ આંખ જ ન ખોલી. એક પાડોશીએ કહ્યું, અલ્યા બંને મરી ન ગયા હોય!

બીજા પાડોશીએ તરત કહ્યું, હા, હોં એ વાત સાચી. કદાચ બંને મરી જ ગયા હશે.

આખરે પાડોશીઓએ દરવાજો તોડયો અને અંદર ગયા. જોયું તો કાકા-ભત્રીજા પથારીમાં પડયા હતા. એમને હલાવી જોયા તોય એકેયની આંખ ન ખુલી. એક વડીલ બોલ્યા, ‘અલ્યા, આમના તો ખરેખર રામ રમી ગયા લાગે છે. આમના સગાંને બોલાવોઅને સ્મશાને લઈ જવાની તૈયારી કરો.’

બંનેને સ્મશાને લઈ જવાની તૈયારી શરૂ થઈ. ઠાઠડીઓ તૈયાર કરીને બંનેને બાંધ્યા. તોય કાકા-ભત્રીજાએ આંખો ન ખોલી કે ન કશું કહ્યું.

બધા સ્મશાને જવા નીકળ્યા. ‘રામ બોલો ભાઈ રામ! રામ બોલો ભાઈ રામ!’ સ્મશાનયાત્રા સ્મશાન ભણી આગળ વધી. છતાં કાકા-ભત્રીજાએ આંખ ન ખોલી. બંને બંધ આંખે પડી રહ્યા. ન હાલ્યા કે ન ચાલ્યા.

સ્મશાન નજીક આવી ગયું. બંનેના મનમાં ગભરાટ થવા લાગ્યો, ‘હવે કરવું શું? જે આંખ ખોલી દે તેને ત્રણ લાડુ ખાવા ન મળે. ઠાઠડીમાં બંધાયા હતા છતાં એક લાડવો વધારે ખાવાની લાલચ છૂટતી નહોતી.

છેવટે યાત્રા સ્મશાને પહોંચી. ચિતાઓ ગોઠવવામાં આવી. હવે ભત્રીજાએ વિચાર્યું, ‘ હવે નહીં બોલું તો આ લોકો તો ચિતામાં મૂકીને અગ્નિ મૂકી દેશે! બાપ રે! આગમાં બળી મરીશ તો પછી લાડવો ક્યાં ખાવા મળવાનો? કાકો તો ઠીક છે, બુઢ્ઢો છે, પણ હું તો જુવાનજોધ છું. મારે એક લાડવા માટે બળી નથી મરવું.’ એમ વિચારી એણે મારી બૂમઃ ‘ઊઠ કાકા, ત્રણ તારા અને બે મારા.’

તરત કાકો બેઠો થઈ ગયો, ‘પાકું ને?’

ભત્રીજો કહે, ‘પાકું!’ ઠાઠડી લઈ જનારાને લાગ્યું આ ભૂત છે. એટલે એ બધા ઠાઠડી ફેંકીને ગામ તરફ દોડયા.

કાકા-ભત્રીજા પણ તેમની પાછળ દોડયા. બધા ગામે પહોંચ્યા અને કાકા-ભત્રીજાએ બૂમો પાડીને કહ્યું, ‘અમે ભૂત નથી, ઊભા રહો.’

પછી બધાને સમજાવ્યું કે શી રીતે આ બધું લાડવા ખાતર તરકટ થયું.

બધા બહુ હસ્યા. કેટલાકે ગુસ્સો પણ કર્યો. ‘અલ્યા એક લાડવા માટે આટલું બધું હોય!’