નાની અને મધ્યમ કંપનીઓ સામે આવકવેરા ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી   - Sandesh
  • Home
  • Business
  • નાની અને મધ્યમ કંપનીઓ સામે આવકવેરા ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી  

નાની અને મધ્યમ કંપનીઓ સામે આવકવેરા ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી  

 | 1:29 am IST

નવી દિલ્હી, તા.૮

ટેક્સ ચોરી અને લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ માફી મારફત કાળા નાણાને ધોળા કરવાની શંકાને આધારે તાજેતરમાં લિસ્ટેડ નાની અને મધ્યમ કંપનીઓ સામે આવકવેરા ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

આ વર્ષે ૩૧ જાન્યુઆરી સુધીમાંઇકવીટીના રોકાણ ઉપર કોઇ કેપિટલ ગેઇન ટેક્સ ન હતો. પહેલી ફેબ્રુઆરીથી લાંબી મુદતના કેપિટલ ગેઇન ઉપર ૧૦ ટકા ટેક્સ હતો. ટેક્સ ટાળવા અથવા તો શેર્સના કામકાજ મારફત કાયદેસરના નફા તરીકે બિનહિસાબી નાણાનો ઉપયોગ કરનારા ‘રોકાણકારો’ તેમ જ ૨૪ કંપનીઓને નોટિસ મોકલવાની પ્રક્રિયા આવકવેરા ડિપાર્ટમેન્ટે શરૂ કરી છે, એમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. આ યાદીમાં અમુક એવી કંપનીઓ છે જેને સેબીએ ચોખ્ખીચણક હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે. જોકે ખુદ સેબી પણ કેટલીક નાની અને મધ્યમ કંપનીઓની તપાસ કરી રહી છે. ચાર નાની અને મધ્યમ સ્ક્રિપ્સમાં આ બાબતે સમર્થન આપી સેબીએ આદેશ આપ્યો હતો. આ સ્ક્રિપ્સમાં ૨૫૪ કંપનીઓએ ભાવમાં ચાલાકી કરી હોવાની શંકા હતી અને તે પૈકી ૨૩૫ કંપનીઓને રાહત આપવામાં આવી હતી. નાની અને મધ્યમ કંપનીઓમાં લિસ્ટેડ સ્ટોક્સમાં શેરના ભાવમાં ચાલાકી કરવાની કામગીરીનો આવકવેરા ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવ્યો હતો. પેની સ્ટોક્સમાં કરવામાં આવતી ગોલમાલ જેવી જ આ કામગીરી હતી. ખાસ્સી એવી મૂડી ધરાવનારા વ્યક્તિગતો ઉપરાંત લાંબા ગાળાના કેપિટલ ગેઇનની છટકબારીનો લાભ લેવામાં પ્રમોટર્સ, રાજકારણીઓ અને અમલદારોએ પેની સ્ટોક્સમાં ઝંપલાવ્યું હોવાના ઉદાહરણો છે. સેબીએ તાજેતરમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ,ભૂષણ સ્ટીલ અને ઉત્તમ ગાલ્વાને ઠપકો આપ્યો હતો.

ઘણી કંપનીઓનું ભરણું મોટા પ્રમાણમાં છલકાઇ ગયુ હોવાનું અને ઘણી કંપનીઓના શેર્સમાં લિસ્ટિંગ બાદ તીવ્ર ઉછાળો આવ્યો હોવાનું આવકવેરા ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં આવ્યું છે. શેરબજારમાં ગયા વર્ષે સકારાત્મક વલણ તેજીને આગળ વધારવામાં મહત્ત્વનું પરિબળ હતું પરંતુ બજારના સૂત્રોનું કહેવું છે કે શેરના ભાવ ઊંચે જવાના એવા ઘણાં દાખલાઓ છે કે જેમાં પ્રમોટર્સ સાથેની સંતલસમાં માર્કેટ ઓપરેટરોએ જ બાજી ગોઠવી હોય. આવકવેરા ડિપાર્ટમેન્ટ નાની અને મધ્યમ કંપનીઓના આઇપીઓ ભરવા રોકાણકારોને સલાહ આપનારા મર્ચન્ટ બેન્કર્સની ભૂમિકાની પણ તપાસ કરી રહ્યું છે. આ મર્ચન્ટ બેન્કર્સ સ્ટોક બ્રોકીંગ કામગીરી પણ ધરાવે છે. નકલી ક્લાયન્ટોના સહારે બ્રોકીંગ ફર્મ્સ શેરના ભાવમાં ચાલાકી કરશે અને કાગળ ઉપર નફો બતાવવામાં સહાયરૂપ થશે. આમ કૃત્રિમ નફો સર્જવા લાંબા ગાળાના કેપિટલ ગેઇનની છટકબારીનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો.

;