નાનો માણસ મોટો આઈડિયા - Sandesh

નાનો માણસ મોટો આઈડિયા

 | 12:41 am IST

વેરાયેલાં મોતી

એક સ્ત્રીએ દુકાનમાંથી જાણીતી કંપનીનો સાબુ ખરીદ્યો! ઘેર જઈને પડીકું ખોલતાં અંદર સાબુ જ ગાયબ! સ્ત્રીએ કંપનીને પત્ર લખ્યો તથા ખાલી પડીકું પણ મોકલ્યું. કંપનીના અધિકારીઓએ જવાબમાં પોતાની ભૂલની માફી માંગી તથા એ બહેનને સારું એવું વળતર આપ્યું.

પ્રસંગ પૂરો થયો પછી કંપનીના ટોપ મેનેજમેન્ટની મિટિંગ બોલાવાઈ. આવું થવાનું કારણ શું? ઘણી તપાસને અંતિ નિરાકરણ નીકળ્યું કે ખોલી પડીકામાં સાબુ ભરાય ત્યારે ક્યારેક પડીકું ખાલી જ આગળ જતું રહે છે અને સીલ થઈ જાય છે. એવાં ખાલી ખોખાં ક્યારેક છેક દુકાન સુધી પહોંચી જાય છે. આવાં ખોખાં જ્યારે ગ્રાહક સુધી પહોંચે ત્યારે કંપનીએ ગ્રાહકને ઘણું વળતર આપવું પડે. ખાલી પડીકા અને ભરેલા પડીકા વચ્ચે દેખાવમાં ખાસ ફરક ન લાગે તેથી આવી ભૂલ ક્યારેક થઈ જાય. આ પડીકા સમસ્યાનું નિરાકરણ શોધવાનું કામ કંપનીના એક હોશિયાર એમ.બી.એ. કર્મચારીને સોંપવામાં આવ્યું. તેણે ખૂબ વિચાર્યું. જાતજાતના સોફટવેર બનાવ્યા. તેણે એક કમ્પ્યૂટર આધારિત સિસ્ટમ બનાવવાનો રિપોર્ટ રજૂ કર્યો. એ સિસ્ટમમાં દરેક રેપરનું વજન થાય તથા એક્સ-રે પણ પડે તેવું વિચારાયું હતું. આખી સિસ્ટમને કારણે કંપની પર જબ્બર આર્િથક બોજો પડે તેમ હતું.

જોકે મેનેજમેન્ટ પાસે આથી સારો કોઈ ઉપાય ન હતો. તેમણે ખર્ચ મંજૂર કર્યો. ફેકટરીના એક જૂના અભણ કામદારને જ્યારે આ માહિતી મળી ત્યારે તરત જ મેનેજમેન્ટને મળ્યો. “સાહેબ, નાને મોંએ મોટી વાત કરવા બદલ માફી માંગું છું. પરંતુ આપ આટલો જંગી ખર્ચ કરો તે પહેલાં મારો ઉપાય અપનાવી જુઓ તેવી અરજ છે.”

મેનેજમેન્ટે થોડો વિચાર કર્યો. આ અભણ માણસને એક તક અપાવી તેવું સ્વીકારાયું. તે ઘણો જૂનો કામદાર હતો. બીજે દિવસે એ કારીગર એક ખૂબ મોટો પંખો લઈ આવ્યો. જ્યાં રેપરમાં સાબુ ભરાતા હતા, ત્યાં પંખો ચાલુ કરવામાં આવ્યો. જે પડીકાં ખાલી રહી જતા હતા તે ઊડી જતાં હતાં. બાકીના વજનદાર સાબુવાળા પડીકાં વેચાવા માટે આગળ જતા હતા.

ખરેખર સામાન્ય બુદ્ધિ ભલભલા અટપટા પ્રશ્નોનું નિરાકરણ લાવી દે છે.

[email protected]