ચાલાક ચકલીએ માળાનો ભેદ ખોલ્યો! - Sandesh
  • Home
  • Kids Corner
  • ચાલાક ચકલીએ માળાનો ભેદ ખોલ્યો!

ચાલાક ચકલીએ માળાનો ભેદ ખોલ્યો!

 | 2:09 am IST

એક નાનકડી ચકલી આકાશમાં વાદળો વચ્ચેથી ઊડતી ઊડતી જઈ રહી હતી. એ બોલી, હવે તો માળો જંગલમાં જ બાંધવો છે. માણસોની વસતીમાં તો કેટલું જોખમ! માણસો સારા મળે તો એમના પાળેલાં બિલાડાં અને કૂતરાંથી બચવું પડે. ના, હવે તો જંગલમાં જ માળો બાંધીશ!

ઊડતી ઊડતી એ રામવન આવી પહોંચી. લીલાંછમ્મ્ વૃક્ષો જોઈને રાજી થઈ ગઈ. એક ઘટાદાર વૃક્ષ જોઈ બોલી, અરે વાહ! જંગલ આવી ગયું. લાવ પેલા વૃક્ષ પર માળો બાંધું.

ચકલી એ વૃક્ષ પર ઊતરી તો જોઈને નવાઈ પામી. એક તૈયાર માળો સાવ ખાલી હતો. ચકલીએ આસપાસ બધે જોયું, પણ બીજી કોઈ ચકલી કે કાબર કે મેના, પોપટ કશું જોવા મળ્યું નહીં.

ચકલીએ વિચાર્યું, લાગે છે કે આ માળામાં કોઈ રહેતું નથી. આજની રાત તો રોકાઈ જાઉં! પછી સવારે તપાસ કરીશ કે આ માળો કોનો છે!

ચકલી થાકી હતી. માળામાં આડેપડખે થઈ કે તરત ઊંઘ આવી ગઈ. આંખ ખૂલી તો સવાર પડી ગયું હતું. એણે નિયમ પ્રમાણે સવારનું ગીત ગાયું. એનો અવાજ સાંભળી વૃક્ષની નીચે બખોલમાં રહેતો નાગરાજ બહાર આવ્યો અને જીભ લપલપાવતાં બોલ્યો, અરે વાહ! બહુ દિવસો પછી સરસ શિકાર માળામાં આવ્યો છે! આજે રાત્રે સ્વાદિષ્ટ ભોજન મળશે. ચકલી સૂઈ જાય તો શિકાર કરીશ.

ચકલી ગીતો ગાઈને દાણા ચણવા આસપાસ ફરવા લાગી. એવામાં એક કાગડો દેખાયો. ચકલી કહે, કાગડાભાઈ આવો સરસ માળો છે, આવું સરસ વૃક્ષ છે, તો પછી એમાં કોઈ રહેતું કેમ નથી?

કાગડો કહે શી ખબર! પહેલાં તો ઘણાં પંખીઓ રહેતાં હતાં. કિલ્લોલ કરતાં હતાં. પછી ભેદી રીતે એક એક કરીને બધાં પંખી ગાયબ થઈ ગયાં.

સાંજ પડતાં ચકલીને થયું, બધા પંખી એક એક કરીને ગાયબ થઈ ગયાં! એટલે કે કશીક ગરબડ છે. આજે રાત્રે ઊંઘવું નથી. જાગતા રહેવું છે.

ચકલી માળમાં જાગતી બેઠી. પણ મોડી રાત્રે ઊંઘ આવવા લાગી. ચકલીએ વિચાર્યું, બેસીશ તો ઊંઘ આવશે. લાવ ઊડતી રહું અને વૃક્ષની ચારેબાજુ નજર કરતી રહું. એ વૃક્ષની આસપાસ ગોળ ફરી ઊડવા લાગી. ધ્યાનથી બધું જોવા લાગી.

નાગરાજ મધરાત પછી વૃક્ષના પોલાણમાંથી બહાર આવ્યો. ફૂસ્સ્સ્…… કરતાં બોલ્યો, ચકલી હવે તો ઘસઘસાટ ઊંઘી ગઈ હશે. ચાલ હવે શિકાર કરી લઉં. એણે ચકલીના માળા સુધી જવા વૃક્ષના થડ ઉપર સરકવા માંડયું.

ચારેબાજુ ઊડી રહેલી ચકલીએ થડ પર સરકી રહેલા નાગરાજને જોયો. ચૂપચાપ જોતી રહી. નાગરાજ માળા સુધી પહોંચ્યો અને માળાને ભીંસમાં લીધો. પણ જોયું તો માળો ખાલી હતો!

ચકલી જોરથી બોલી, અચ્છા તો તું છે બદમાશ! ગુપચૂપ પંખીઓને ખાઈ જાય છે! હવે તું પકડાઈ ગયો. ચકલીએ તેને ઊડી ઊડીને ચાંચ મારવા માંડી. ફફડાટના અવાજથી કાગડો ઊઠી ગયો. એણે ચકલીને નાગરાજને ચાંચ મારતાં જોઈ તો એણે પણ નાગરાજને ચાંચો મારવા માંડી. થોડીવારમાં તો દસબાર પંખીઓ ભેગાં થઈ ગયાં. બધાએ ચાંચો મારવા માંડી તો નાગરાજ જીવ બચાવીને ભાગ્યો.

પંખીઓ તેને જંગલની બહાર મૂકી આવ્યાં અને ચેતવણી આપી કે ફરીથી દેખાઈશ તો જાનથી મારી નાંખીશું.

બધા વૃક્ષ પર પાછાં આવ્યાં ચકલીએ આખી વાત કહી સંભળાવી. કાગડો બોલ્યો, મારા પિતા કહેતાં હતા, ચેતતા રહેવું. ચેતતા રહીએ તો જ જીવતા રહીએ. આજે એ વાત ચકલીબહેને સાબિત કરી. ચાલો હવે ચિંતા ટળી.

બધાએ આગ્રહ કરી ચકલીબહેનને ત્યાં જ રોકી લીધાં. પછી તો વૃક્ષ પર અનેક પંખીઓએ માળા બાંધ્યા અને બધા કિલ્લોલ કરવા લાગ્યાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન