સ્માર્ટસિટી છે કોના માટે? ગરીબોને શોષાવું પડે છે - Sandesh
  • Home
  • Columnist
  • સ્માર્ટસિટી છે કોના માટે? ગરીબોને શોષાવું પડે છે

સ્માર્ટસિટી છે કોના માટે? ગરીબોને શોષાવું પડે છે

 | 12:26 am IST

ઓવર વ્યૂ

ભારતની શહેરી વસતી વધતી જાય છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં તો દેશની ૫૦ ટકા વસતી શહેરમાં વસતી હશે તેવી ધારણા છે. સરકાર માટે આ બાબત પડકારરૂપ છે, કારણ કે શહેરોમાં વર્તમાનમાં વસી રહેલી વસતી માટે પણ માળખાકીય સુવિધા(પરવડી શકતા ભાવે મળતાં મકાન, રસ્તા) અને બુનિયાદી સેવાઓ (ગટર, પાણી, આરોગ્યસેવા)નો અભાવ છે.

વિશ્વની વાત કરીએ તો પ્રત્યેક આઠ વ્યક્તિએ એક વ્યક્તિ ઝૂંપડપટ્ટીમાં વસે છે. ઝૂંપડામાં પણ પીવાનાં પાણી, શૌચાલયસેવાનો પાછો અભાવ હોય. ભારતનાં શહેરોમાં પ્રત્યેક છ વ્યક્તિએ એક વ્યક્તિ ઝૂંપડપટ્ટીમાં વસે છે.

જોકે ભારતનાં વિવિધ શહેરોની આ સરેરાશ અલગ અલગ છે. મુંબઈ અને દિલ્હીની વાત કરો તો ૫૦ ટકા વસતી ઝૂંપડપટ્ટીમાં વસતી હોવાનું કહેવાય છે, પરંતુ વર્ષ ૨૦૧૧ના વસતીગણતરીના આંકડા જોઈએ તો મુંબઈમાં ૪૧.૩ ટકા અને દિલ્હીમાં ૧૪.૬ ટકા લોકો ઝૂંપડપટ્ટીમાં વસે છે.

વર્ષ ૨૦૧૬માં રાષ્ટ્રીય સ્માર્ટ સિટી લોન્ચ કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણાં શહેરો ગરીબીને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે ૧૦૦ સ્માર્ટ સિટી તૈયાર કરવાનું મિશન લોકોને પાયાની સેવાઓ પૂરી પાડવાનું મિશન છે, તેમાં શહેરી ગરીબોને ઘરનું ઘર પૂરું પાડવાનો સમાવેશ થાય છે.   મોદીએ જણાવ્યું હતું કે શહેરોના સંસ્થાકીય, ભૌતિક, સામાજિક અને આર્થિક માળખાકીય વિકાસ મારફતે નાગરિકોની આંકાક્ષાઓની ર્પૂિત કરવાની આ યોજના છે. સર્વાંગી વિકાસની આ પ્રક્રિયા જાહેર સહભાગિતા પણ વધારશે.

સ્માર્ટ સિટી : સિક્કાની બીજી બાજુ

સ્માર્ટ સિટી મિશન માટે પસંદ થયેલાં ૧૦૦ શહેરો પૈકીનાં એક શહેર પટના વિશે વાત કરીએ તો સ્માર્ટ સિટી યોજાનાના સિક્કાની બીજી બાજુ સામે આવશે. બિહારનું પાટનગર પટના સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે, પરંતુ તેની ૬૩ ટકા વસતી ઝૂંપડપટ્ટીમાં વસે છે અને ઝૂંપડપટ્ટીમાં વસનારાં લોકો પૈકી ૯૩ ટકા લોકો ઐતિહાસિક રીતે વંચિત અને પીડિત અનુસૂચિત જાતિ અને અન્ય પછાતવર્ગનાં છે (૪૨ ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી એકત્ર કરેલા આંકડા મુજબ).

શહેરી વહીવટીતંત્ર બ્યૂટિફિકેશન કે પટનાના વિકાસને નામે ઘણી વાર પૂરી કાયદેસરની પ્રક્રિયાનું પાલન કર્યા વિના જ જમીન સંપાદન કરવા ઝૂંપડપટ્ટીને તોડી પાડતું હોય છે. મિનીબજાર નજીકની ઝૂંપડપટ્ટી(પ્રસિદ્ધ નાલંદા મેડિકલ કોલેજ નજીક) તેમજ અમુ કુદા બસ્તીમાં(એરપોર્ટ નજીક) લોકો પેઢીઓથી તેમનાં મકાનોમાં રહે છે. સરકારી આવાસ યોજાના થકી મળેલા આંશિક રીતનાં ભંડોળની મદદથી આ મકાનો તૈયાર થયેલાં છે, પરંતુ તે ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફેરવીને તેને તોડી પાડવામાં આવી.

આ રહેઠાણવિસ્તારોને તોડી પાડતાં પહેલાં શહેર વહીવટીતંત્ર હંગામી ધોરણે લાઉડસ્પીકર પર તે કાર્યવાહીની પૂર્વ ચેતવણી આપી જાહેરાતો કરતું હોય છે. રહીશો વિરોધ કરે તો તેનો સામનો કરવા પોલીસકાફલો અને થોડાં વાહનો પહેલેથી તહેનાત હોય છે. અધિકારી આ કાર્યવાહી વખતે ખોટા બકવાસની ભાષામાં વાત કરતા ઘરોમાં ઘૂસી જઈને ઘરના પુરુષ સભ્યોને માર મારતા હોય છે. અમુ કુડા વસતીની એક મહિલાએ આ વાત કરી હતી.

આ ઝૂંપડપટ્ટીના રહીશોનું કહેવું છે કે સરકારે આ ગરીબોની કાળી કમાણીથી બનેલાં મકાનો પર બુલડોઝર ફેરવવાને બદલે તેમને થોડો વધુ સમય આપવો જોઈતો હતો કે શહેરમાં અન્યત્ર તેમને વસાવવા જોઈતાં હતાં.

આ ઘર તોડી પાડવા અધિકારીઓ પાસે કારણ પણ હતાં. ડિમોલિશન કાર્યવાહી માટે મહદંશે બ્યૂટિફિકેશન, સરકારી ઇમારતનાં બાંધકામ, એરપોર્ટ વિસ્તાર, કાયદેસરતા, દબાણ જેવાં કારણો આપવામાં આવે છે. રાજ્ય કહે છે કે શહેરના વિકાસ માટે આ તોડફોડ જરૂરી છે.

ઝૂંપડાવાસીઓના અધિકારો માટે લડાઈ લડી રહેલા કિશોરદાસ કહે છે કે વર્ષ ૨૦૧૧માં રાજ્યે ઝૂંપડપટ્ટીમાં વસનારા માટે સ્લમ પોલિસી ઘડી કાઢી હતી. પટનાને સ્માર્ટ સિટી બનાવવા તેમને શહેરબહાર પરાવિસ્તારમાં વસાવવાની યોજના બની હતી, પરંતુ વ્યાપક વિરોધ થતાં રાજ્યે તે નીતિના અમલને મોકૂફ રાખ્યો હતો, પરંતુ સરકાર ચુપકીદીથી તે જ નીતિનો ઉપયોગ કરી રહી છે.

સીમાંત સમૂહ માટે બોલે કોણ

સ્થાનિક રહીશો અને મીડિયા પટના જેવાં મેટ્રો શહેરમાં જ્યારે બળજબરીપૂર્વક સ્થળ ખાલી કરવા અને ડિમોલિશન માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો તેના વિશે રિપોર્ટિંગ કરતી નથી. જીવને જોખમ હોવાથી કે પછી રાજ્યને સહયોગ આપવા નાગરિક સમૂહો અને સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ડિમોલિશનની આવી પ્રક્રિયાની નોંધ ભાગ્યે જ લે છે. શાસક અને વિરોધપક્ષની ભૂમિકા પણ ભાગ્યે જ જોવા મળે છે. બિહારમાં ગરીબી, જાતિ, સામાજિક ન્યાયનાં નામે મતો મેળવનારાની સરકારો વીતેલા ત્રણ દાયકાથી બની રહી છે. ૧૯૯૦ના દાયકામાં તો જાણીતા નેતા લાલુપ્રસાદ યાદવે ગરીબોને આકર્ષવા ‘વિકાસ નહીં સન્માન ચાહીએ’ જેવાં સૂત્રો આપ્યાં હતાં. વર્તમાન મુખ્ય પ્રધાન નીતીશકુમાર પણ વળી સુશાસનબાબુ તરીકે ઓળખાય છે, તેમણે વળી ‘ન્યાય કે સાથ વિકાસ’ જેવું સૂત્ર આપ્યું હતું.

જોકે વારંવાર અન્યાય સહી ચૂકેલાં શહેરી ગરીબો રાજકીય પ્રતિબદ્ધતાનો હવે સ્વીકાર નથી કરતાં. આ પગલાં ભારતનાં બંધારણના સિદ્ધાંતોને અનુકૂળ નથી. બંધારણ ન્યાયને ગરીબો અને તવંગર વચ્ચેની સમતુલા જાળવવાની વાત કરે છે.  આ પડકાર એક શહેર સુધી સીમિત નથી, સ્માર્ટ અને વિકસિત શહેરોનાં નામે ખેડૂતો, જનજાતિઓ અને સ્થાનિક વસવાટ કરતાં લોકોના બંધારણીય અધિકારોનો ભંગ કરીને ગરીબો જ્યાં પેઢીઓથી વસી રહ્યાં હોય તેવી શહેરી જમીનો જ લેવાતી નથી, પરંતુ ફળદ્રુપ જમીનોનું સંપાદન પણ થાય છે.

ગરીબોના આ સંઘર્ષ અને દબાણપૂર્વક જમીનો ખાલી કરવા અંગેના આ અહેવાલો મોદીનાં પેલાં વચનોને ખોટાં પાડે છે કે સ્માર્ટ શહેરોના વિકાસની આ યોજનાને તૈયાર કરવામાં વ્યાપક સહભાગિતાના અભિગમને અનુસરવામાં આવ્યો છે.

સ્લમ ડિમોલિશન તે ભારતનાં શહેરોને સ્માર્ટ બનાવવાની યોજનાના સિક્કાની બીજુ બાજુ ઉજાગર કરે છે અને સરકારની શહેરી ગરીબો પ્રત્યેની વચનબદ્ધતા સામે સવાલ ઉઠાવે છે. આ પગલાં ગરીબોના અધિકાર પરત્વેના સરકારના દાવાને ખોટો ઠેરવે છે, જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડા અવાજહીન શહેરી ગરીબો માટે જે લોકો બોલે તેને ‘શહેરી નક્સલ’ કહીને સંબોધે તે ઘટના વળી આ પડકારોને વધારે છે.

અબ્રાહમ લિંકનના શબ્દોમાં જોઈએ તો લોકશાહી તે લોકોની, લોકો દ્વારા અને લોકો માટે ચાલતી સરકાર છે. ભારતના સંદર્ભમાં તેનો અર્થ એ થાય કે શહેરી ગરીબોને રાજકીય પક્ષો અને સિવિલ સોસાયટી એમ બંનેના સહારાની જરૂર છે કે જેથી તેમના અવાજને વાચા મળે અને તેમની માગણીઓ અને ચિંતાઓને જાહેર નીતિઓ ઘડતી વખતે સાંભળવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન