સ્મૃતિ વરદાન છે કે શાપ? - Sandesh

સ્મૃતિ વરદાન છે કે શાપ?

 | 2:45 am IST

લાઉડમાઉથઃ સૌરભ શાહ

સ્મૃતિ એક વરદાન છે અને શાપ પણ. બાય ધ વે, શાપ સાચો શબ્દ છે, શ્રાપ નહીં. સંસ્કૃતમાં શાપ જ છે. પણ જેમ શીખંડને બદલે ઘણી વખત લોકો શુદ્ધ જોડણી કરવાના ભ્રમમાં શ્રીખંડ લખી નાખતા હોય છે એમ શાપની શુદ્ધ તથા મૂળ જોડણી શ્રાપ છે એવું માની લેતા હોય છે એ ભૂલ છે. શાપ અને શીખંડ સાચું. શ્રાપ એ શ્રીખંડ ખોટું.

સ્મૃતિ. યાદદાસ્ત, મેમરી, ભગવાને કે કુદરતે મનુષ્યજાતને આપેલી આ આમૂલ્ય ભેટ છે. બાળપણમાં એકડો અને કક્કો-બારખડી શીખ્યા પછી, જો સ્મૃતિ ન હોત તો, આપણે આજેય એકડે એક ઘૂંટવાની પ્રેક્ટિસ કરવી પડતી હોત જેથી એ કેવી રીતે લખાય તે ભૂલી ન જઈએ. સ્મૃતિ છે એટલે આપણને યાદ રહી ગયું છે કે એકડે એક અને બગડે બે અને ‘ક’ કમળનો ‘ક’ કેવી રીતે લખાય. (કોઈ ચૂંટણી સમયે ઈલેકશન કમિશનને ફરિયાદ ન કરે તો સારું કે શાળાઓમાં ‘ક’ કમળનો ‘ક’ ભણાવવાનું બંધ કરો, નહીં તો પછી ‘પ’ પતંગના ‘પ’ને બદલે ‘પ’ પંજાનો ‘પ’ શીખવાડવાનું શરૂ કરો.)

સ્મૃતિ છે તો તમને યાદ છે કે તમારી ઓફિસે જવાનો રસ્તો કયો છે. સ્મૃતિ છે તો તમારા મનમાં વસી ગયું છે કે તમારાં માતા-પિતા કોણ છે. તમારી પત્ની કોણ છે, તમારી પ્રેયસી કોણ છે, તમારો બોયફ્રેન્ડ કોણ છે, તમારો પાનવાળો કોણ છે.

સ્મૃતિ છે તો તમને યાદ રહે છે કે નમકનો સ્વાદ કેવો હોય, ખાંડનો સ્વાદ કેવો હોય. સ્મૃતિ છે તો તમારા જીવનમાં વીતેલા સુખદ પ્રસંગોની સુગંધ તમે ધારો ત્યારે મેળવી શકો છો. સ્મૃતિ છે તો તમે ઘરની બુકશેલ્ફમાંના પુસ્તકોમાંથી તમારું ફેવરિટ પુસ્તક કયું છે તે શોધી શકો છો. સ્મૃતિ વિના તમે તમારાં સ્વર્ગસ્થ પૂર્વજોને યાદ કરીને એમણે તમારા જીવનમાં કરેલા પ્રદાનને એપ્રિશ્યેટ કરી શક્તા ન હોત. સ્મૃતિ ન હોત તો આ દેશના મહાન સપૂતોએ કેવી રીતે આ મજબૂત રાષ્ટ્ર ઘડયું તેનો ઈતિહાસ તમને મોઢે ન હોત. સ્મૃતિ ન હોત તો જે જમાનામાં લખવાની કળા તથા છાપવાની કળા શોધાઈ નહોતી તે જમાનામાં બોલીને-સાંભળીને અર્થાત્ શ્રુતિ-સ્મૃતિની પરંપરાથી આગળ વધીને આપણી આજને સમૃદ્ધ કરી રહેલાં વેદ-ઉપનિષદ-રામાયણ-મહાભારતનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હોત. સ્મૃતિ છે એટલે આપણને યાદ રહે છે કે એક જવાબદાર માણસ તરીકે આપણા કુટુંબમાં, સમાજમાં કોની સાથે કેવી રીતે વર્તવાનું છે, કેવો વ્યવહાર રાખવાનો છે.

સ્મૃતિ છે તો આપણને યાદ રહે છે કે આપણાં બાળકો કોણ છે. સ્મૃતિ ન હોત તો બાળકો માટેનું વહાલ ન હોત, મા-બાપ માટેનો પૂજ્યભાવ ન હોત અને ગમતી વ્યક્તિ માટેનો પ્યાર ન હોત.

સ્મૃતિ છે તો તમને યાદ રહે છે કે કોણે તમારું શું બગાડયું છે અને હવે તમારે એ કે એવી વ્યક્તિઓથી સાવધ રહેવાનું છે. સ્મૃતિને કારણે આપણે ભૂતકાળમાં કરેલી ભૂલો યાદ રાખી શકીએ છીએ અને એવી ભૂલો ફરી ન કરવાની તકેદારી રાખી શકીએ છીએ. સ્મૃતિ છે તો જીવનમાં આપણે જે કંઈ શીખ્યા છીએ તેને અમલમાં મૂકીને કામ કરી શકીએ છીએ, કમાઈ શકીએ છીએ, જીવન-નિર્વાહ ચલાવી શકીએ છીએ. સ્મૃતિ ન હોત તો ન આપણને ખેતી કરતાં આવડતું હોત, ન રિક્શા ચલાવતાં આવડતું હોત, ન દુકાન ચલાવતાં આવડતું હોત, ન મકાન બાંધતાં આવડતું હોત, ન ઓપરેશન કરતાં, ન ખાવાનું બનાવતાં, ન કપડાં સીવતાં આવડતું હોત. સ્મૃતિ વિના આપણું જીવન કોઈ જંગલી પ્રાણીસમું હોત. કદાચ એના કરતાંય બદતર હોત. પ્રાણીઓમાં પણ સ્મૃતિશક્તિ હોય છે.

સ્મૃતિને કારણે જ આપણું જીવન ચાલે છે, આખું જગત ચાલે છે. પ્રાણવાયુની જેટલી જરૂર છે આ જીવન માટે એટલી જ અનિવાર્યતા સ્મૃતિની પણ છે.

તો પછી સ્મૃતિને વરદાન જ કહીએ, શાપ નહીં.

ના. સ્મૃતિ એક તરફ વરદાન છે તો બીજી તરફ એટલો જ મોટો શાપ પણ છે. યાદદાસ્ત દુઆ છે તો બદદુઆ પણ છે. કેવી રીતે? તમે વિચારો. આવતા અઠવાડિયે પાછા મળીએ.

– સાયલન્સ પ્લીઝ!

મારો ભૂતકાળ મારામાં મારા બીજા હૃદયની માફક ધબક્યા કરે છે.

– અજ્ઞાત

– www.facebook.com/Saurabh.a.shah