સ્મૃતિ ઈરાનીએ સુરતના કાપડવાળાને બે કલાક સાંભળી કહ્યું, હું તમારું દુઃખ સમજુ છું - Sandesh
  • Home
  • Gujarat
  • સ્મૃતિ ઈરાનીએ સુરતના કાપડવાળાને બે કલાક સાંભળી કહ્યું, હું તમારું દુઃખ સમજુ છું

સ્મૃતિ ઈરાનીએ સુરતના કાપડવાળાને બે કલાક સાંભળી કહ્યું, હું તમારું દુઃખ સમજુ છું

 | 12:02 am IST

જીએસટીનો કાયદો અમલમાં મુકાયો ત્યારથી જ મરી ગયાની બૂમો પાડી રહેલાં સુરતના કાપડવાળાનું દુઃખ આખરે કેન્દ્રીય કાપડમંત્રીને સમજાયું. બુધવારે સવારે ૮.૩૦ કલાકે દિલ્હી ખાતે કાપડમંત્રી સ્મૃતિ ઈરાનીના નિવાસસ્થાને યોજાયેલી મિટિંગમાં સતત બે કલાક સુધી સુરત-મહારાષ્ટ્રના કાપડવાળાની જીએસટી સંબંધિત ફરિયાદોને સાંભળ્યા બાદ મંત્રીએ જીએસટી કાઉન્સિલમાં રજૂઆત કરી કાપડ ઉદ્યોગની સમસ્યાના નિકાલની ખાતરી આપી હતી.

તુઘલક ક્રશેન્ટ રોડ પર આવેલા મંત્રીના બંગ્લા નં. ૨૮માં બુધવારે સવારે યોજાયેલી મિટિંગમાં સુરત-મહારાષ્ટ્રના અંદાજિત ૨૫ કાપડના ઉદ્યોગકારો ઉપરાંત સુરત ચેમ્બરના હોદ્દેદારો સામેલ થયા હતા. જેમાં સીએઆઈટીના પ્રવીણ ખંડેલવાલ, પ્રમોદ ભગત, ફિયાસ્વીના ભરત ગાંધી, જીએસટી સંઘર્ષ સમિતિના દિનેશ દ્વીવેદી, ચેમ્બરના હેમંત દેસાઈ, પૂનમ જોશી, વીવર એસોસિયેશનના આશિષ ગુજરાતી, નાયલોન સ્પિનર એસોસિયેશનના વિનય અગ્રવાલ, સાઉથ ગુજરાત યાર્ન ડીલર એસો.ના પ્રમુખ લલિત ચાંડક, વોર્પ નીટર એસો અને ફ્લેટ ટેપ મેન્યુફેક્ચર એસો.ના અધ્યક્ષ વિકાસ મિત્તલ તથા મુંબઈ સાસ્મા અને સાસ્મીરાના નરેન્દ્ર રાવ સામેલ થયા હતા.

બે કલાક સુધી મિટિંગ ચાલી હતી. જેમાં ઓપનિંગ સ્ટોક અને ઈનપુટ ટેક્સ ક્રેડિટનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. ૧ જુલાઈ ૨૦૧૭ના રોજ જીએસટી લાગુ પડયો તે પહેલાં એટલે કે ૩૦ જૂન સુધીના માલ પર ક્રેડીટની માગ વીવર્સે ઉઠાવી હતી. વીવર્સે કહ્યું કે, કાપડ ઉદ્યોગ ટેક્સનેટમાં નહીં હોય એક્સાઈઝ પેઈડ બિલ લેવાની જરૂરિયાત નહોતી. તેથી કોઈ પણ વીવર્સ પાસે આવા બિલ હતા નહીં. હવે ઓપનિંગ સ્ટોક પર ક્રેડિટની માગણી કલમ ૧૪૧ નકારવામાં આવી છે, જેના પગલે વીવર્સ પર જૂની એક્સાઈઝ ડયૂટી વત્તા નવા જીએસટી એમ બે કાયદા હેઠળ બેવડો કર ભરવાની જવાબદારી ઉભી થઈ છે. બીજી તરફ અસમાન કરના દરના લીધે ઈનપુટ ટેક્સ ક્રેડિટ એક્યુમલેટ થાય છે તેમાં ન્યાય મળવો જોઈએ. આ સિવાય હડતાળના લીધે ૨૨ દિવસ વેપાર ઠપ હતો. ૧ જુલાઈથી જીએસટી નંબર નહીં લેનારા અત્યારે પરેશાની ભોગવી રહ્યાં છે. જેથી મોડેથી જીએસટી નંબર લીધો હોય તો પણ ૧ જુલાઈથી તે માન્ય ગણવાની માગ કરાઈ હતી. આ સિવાય વ્યાજ પર ટેક્સ નહીં લગાડવા માગ કરાઈ હતી.

કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ઈનપુટ ટેક્સ ક્રેડિટ અને ઓપનિંગ સ્ટોક ક્રેડિટની માગણી વાજબી છે. હું ઉદ્યોગકારોનું દુઃખ સમજુ છું. આ અંગે જીએસટી કાઉન્સિલના સભ્યો સમક્ષ રજૂઆત કરાશે. આ સાથે જ મંત્રીએ પોતાના સચિવને તાત્કાલિક આ સંબંધે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

વેલ્વેટ પર ૧૨ના બદલે ૫ ટકા જીએસટીની માગ

મહારાષ્ટ્રથી પધારેલા વેપારીઓએ વેલ્વેટ પર ૧૨ ટકાના બદલે ૫ ટકા જીએસટી લગાડવા માગ કરી હતી. તેઓની દલીલ હતી કે એચએસએન કોડ ૫૮૦૧૩૭૨૦ અંતર્ગત ૧૨ ટકા લાગે છે તે દૂર થવો જોઈએ. મંત્રીએ ઉકેલની ખાતરી આપી હતી. આ ઉપરાંત કમિશન એજન્ટેસે બેઝિક છૂટની માગ કરી હતી. જેની પર મંત્રીએ સહમતિ વ્યક્ત કરી હતી.

કાપડનો વેપાર ઉધારીમાં ચાલે છે ત્યારે વ્યાજ પર ટેક્સ નહીં લાગે

કાપડના વેપારીઓએ લેટ પેમેન્ટના સંદર્ભમાં વ્યાજ પર પણ ટેક્સ લાગતો હોવાનો મુદ્દ ઉઠાવતા વિનંતી કરી હતી કે દેશમાં કાપડનો વેપાર ઉધારીમાં ચાલે છે. મોટા ભાગના પેમેન્ટ ત્રણ મહિના મોડા આવતા હોય છે ત્યારે જીએસટીમાં વ્યાજ પર ટેક્સ લાગે છે, જે દૂર થવું જોઈએ. આ માગણીને સ્વીકારતા મંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. જોબવર્ક મુદ્દે મંત્રીએ કહ્યું કે, આ વિષય ચર્ચા માગી લે છે. છતાં ઉકેલ આવશે.

નાયલોન ઉદ્યોગકારોએ અસમાન કરનો મુદ્દો ઉઠાવ્યો

નાયલોન એચએસએન કોડ ૫૪૦૨ હેઠળ આવતો હોય ૧૨ ટકા જીએસટી લાગે છે જ્યારે રો મટિરિયલ ચિપ્સ પર એચએસએન કોડ ૩૯૦૮ના લીધે ૧૮ ટકા જીએસટી લાગે છે. જેથી કેપિટલ જામ થઈ રહી છે. રોકડનો વ્યવહાર અવરોધાઈ રહ્યો છે. તેથી ચિપ્સ પર પણ ૧૨ ટકા જીએસટી કરવા માગ કરાઈ હતી.