So far 60 cases of Corona virus suspected, 6 reported positive in Surat city
  • Home
  • Gujarat
  • સુરત શહેરમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના 60 કેસ, 6નો રિપોર્ટ પોઝિટિવ

સુરત શહેરમાં અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના 60 કેસ, 6નો રિપોર્ટ પોઝિટિવ

 | 10:17 pm IST

શહેરમાં વધેલા કોરોના વાઈરસના આતંક વચ્ચે ગુરુવારે સ્મીમેરની મહિલા ડોક્ટર, મહાવીર હોસ્પિટલના ડોક્ટર તથા ભટારની મહિલા ડોક્ટર સહિત વધુ 11 વ્યક્તિને શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શહેરના રાંદેર, પનાસ, વરિયાવી બજાર, અડાજણ, પાંડેસરા, નાનપુરા, ભટાર અને સિટીલાઈટ વિસ્તારમાં નોંધાયેલા વધુ 11 કેસ સાથે અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 60 ઉપર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા 11 શંકાસ્પદ કેસમાં 2 દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

ગુરૂવારે શંકાસ્પદ કોરોનાના વધુ 11 કેસ સામે આવ્યાં હતા. જેમાં સ્મીમેરની 26 વર્ષીય ડોક્ટર, વૈષ્ણોદેવીથી પરત ફરેલી રાંદેરના 72 વર્ષીય મહિલા, મુંબઈથી આવેલી પનાસની 30 વર્ષીય મહિલા, દિલ્હીથી આવેલા વરીયાવી બજારના 65 વર્ષીય વૃદ્ધ, હૈદ્રાબાદથી પરત ફરેલો અડાજણનો 23 વર્ષીય યુવાન અને પ્રવાસની કોઈ હિસ્ટ્રી નહીં ધરાવતા પાંડેસરાના 28 વર્ષીય યુવક, મહાવીર હોસ્પિટલના 58 વર્ષીય ડોક્ટર, વાગોડીયા કેન્સરની હોસ્પિટલમાં ફરજ બજાવતા ભટારના 30 વર્ષીય મહિલા ડોક્ટર, પ્રવાસની હિસ્ટ્રી ધરાવતી ઘોડદોડરોડની 54 વર્ષીય મહિલા, રાજકોટ- અમરેલીથી આવેલી અડાજણની 60 વર્ષીય મહિલા તથા તુર્કિથી પરત ફરેલી સિટીલાઈટની 45 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે. જે પૈકી રાંદેરની 72 વર્ષીય મહિલા અને પનાસની 30 વર્ષીય મહિલાનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો. કુલ નોંધાયેલા શંકાસ્પદ 60 કેસમાંથી 45 દર્દીના નેગેટિવ અને 6 દર્દીના પોઝિટીવ રિપોર્ટ આવ્યાં છે. જ્યારે 9 દર્દીના રિપોર્ટ પેન્ડિંગ છે.

3 ડોક્ટર અને 4 નર્સિસ શંકાસ્પદ કોરોનામાં સપડાઈ ચૂક્યાં

કોરોના દર્દીઓની સારવારની જવાબદારી જેમના માથે છે, તે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ શંકાસ્પદ કોરોનામાં સપડાઈ ચૂક્યાં છે. મહાવીર હોસ્પિટલના એક ડોક્ટર, 4 નર્સેસ અને એક વોર્ડ બોયને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જોકે, તમામનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. આજ રીતે સ્મીમેરની મહિલા ડોક્ટરને પણ શંકાસ્પદ કોરોના લક્ષણો દેખાયા હતા. મહિલા તબીબનો પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. દરમિયાન ગુરુવારે સ્મીમેરની વધુ એક મહિલા ડોક્ટરને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. જ્યારે મહાવીર હોસ્પટિલ અને વાગોડીયાના ડોકટરને પણ શંકાસ્પદ કોરોના લક્ષણો સાથે દાખલ કરાયા છે.

આ વીડિયો પણ જુઓ : બેલગામમાં નમાઝ માટે મસ્જિદમાં લોકો થયા હતા એકઠા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન