એટલું જ જાણો કે તમે સમર્પણ કરી ચૂક્યા છો?   - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • એટલું જ જાણો કે તમે સમર્પણ કરી ચૂક્યા છો?  

એટલું જ જાણો કે તમે સમર્પણ કરી ચૂક્યા છો?  

 | 2:20 am IST

આર્ટ ઓફ લિવિંગ : શ્રી શ્રી રવિશંકર

આધ્યાત્મિક માર્ગના ઘણાં સાધકો માટે જો કોઈ મુખ્ય અડચણ હોય તો એ કે તેમને સમર્પણ કરવાની ઈચ્છા હોય છે. એવું કદી ન કહેશો કે તમારે સમર્પણ કરવું છે. માત્ર એટલું જ જાણો કે તમે સમર્પણ કરી ચૂક્યા છો.

સમર્પણ કરવાની ઈચ્છા જ અધ્યાત્મના માર્ગે એક અડચણ બની જાય છે. આ કાંઈક એવું છે. જેમ કે, એક બાળક એની માને કહે છે, હું તને ચાહવા માંગું છું. કોઈ પણ બાળક કદી આવું કહેતું નથી. બાળકનો પ્રેમ એની મેળે જ જણાતો હોય છે.

સમર્પણ એ કોઈ કૃત્ય નથી. એ તમારા અસ્તિત્વની જ એક અવસ્થા છે. તમે સ્વીકારો કે ન સ્વીકારો તમે સર્મિપત જ છો. જે શાણા છે તે જાગીને આ જુએ છે જે ઓછા શાણા છે તેમને એ સમજતા વાર લાગે છે.

એટલું સમજી લો કે તમારી પાસે કોઈ વિકલ્પ નથી તમે તમારા ઊંડાણમાં સમર્પણની સ્થિતિમાં જ છો.

એક સમય નિર્ધારિત લક્ષ્ય નક્કી કરવાથી (એવી જવાબદારી લેવાથી ) તમારા જીવનને એક દિશા મળે છે, પરંતુ તે માટે કલ્પનાશક્તિ આવશ્યક હોય છે. ઘણાંખરાં માણસોમાં કલ્પનાશક્તિ જરા ઓછી જ હોય છે, તેઓ ગૂંચવાઈ જાય છે અને અંતે નાસીપાસ થાય છે, પરંતુ તમે જો ભક્ત છો, તમે સર્મિપત છો, તો કહેશો, પ્રભુ, તારી ઇચ્છા મુજબ થવા દે. અને તમે હળવાશથી લક્ષ્ય તરફ આગળ વધશો. આ રીતે તમે તમારા લક્ષ્યને સહેલાઈથી પાર પાડી શકશો.

અહીં આપણે જવાબદારી અને સમર્પણ, એ બે વચ્ચે ભેદ પાડવો પડશે. કેટલાક લોકો કહે છે, સમર્પણ કરો, પ્રભુને બધું જ કરવા દો. જ્યારે અન્યો કહે છે, મારે જે સંપૂર્ણ જવાબદારી લેવી જોઈએ. સમર્પણનો અર્થ થાય, તારી ઇચ્છા મુજબ જ થાઓ અને તારી ઈચ્છાનો અર્થ છે તમે આખા જગતની જવાબદારી સ્વીકારો છો. જણાય છે તો આ વિરોધાભાસી અને એકબીજાના છેદ ઉડાડનારું. તેમ છતાં હકીકતમાં એ એક જ સિક્કાની બે બાજુઓ છે.

તમે જેટલું વધારે સમર્પણ કરશો તેટલા જ વધારે જવાબદાર બનતા જશો. જે વ્યક્તિ બેજવાબદાર છે તે સમર્પણ કરી શકતી નથી. કોઈ બેજવાબદાર શા માટે બને છે? તેઓ ક્યાં તો આળસુ છે અથવા ડરી ગયેલા છે કે પછી એ બંને છે. જો તમે આળસુ કે ડરેલા હશો તો કદી પ્રેમ નહીં કરી શકો.

સંપૂર્ણ જવાબદારી એ સંપૂર્ણ સમર્પણ છે. આ પચાવવું જરા અઘરું છે પરંતુ એ જ સત્ય છે. લોકો સામાન્ય રીતે કહે છે કે ક્યાં તો હું જવાબદારી લઉં અથવા હું સમર્પણ કરું પરંતુ મને જણાવવા દો કે એ બંને એક સાથે જ થાય છે. તમે જો જ્ઞાનને સર્મિપત થાવ છો તો એને તમે બધા સુધી પહોંચાડવા માટે બંધાયેલા છો. તમે જવાબદારી લો છો કે એ જ્ઞાનનો ફેલાવો થાય.

જ્યારે તમે જવાબદારી લો છો અને પરિણામે ગૂંચવાવ છો, મુશ્કેલીઓમાં પડો છો ત્યારે સમર્પણ કરવાનું ભૂલશો નહીં. આ સાદું કાર્ય તમને કર્તાભાવથી બચાવે છે અને આગળ વધવાની શક્તિ આપે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન