આટલા બધાં છૂટાછેડા? - Sandesh

આટલા બધાં છૂટાછેડા?

 | 7:11 am IST

સમાજ તરંગ । કાલિદાસ પટેલ

સોળ સંસ્કારો પૈકી સૌથી મહત્ત્વનો સંસ્કાર છે લગ્ન સંસ્કાર! જેને અત્યંત પવિત્ર અને સૌથી વધુ જવાબદારી ભરેલ સંસ્કાર ગણ્યો છે. ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન એ પુખ્ત વ્યક્તિ- પુરુષ અને સ્ત્રીનું ભવોભવનું બંધન છે. બંને સાત ડગલાં સાથે ચાલીને સાત પ્રતિજ્ઞાાઓ લે છે. જેમાંની સૌથી અત્યની પ્રતિજ્ઞાા છે કે, ”અમે આજથી ભવોભવના સાથી બનીએ છીએ અને બંધન ભવોભવ નિભાવીશું.”

આ પ્રતિજ્ઞાાનું બધા દંપતી સફળતાપૂર્વક પાલન કરવાનો પૂરેપૂરો પ્રામાણિક પ્રયત્ન કરતાં રહે છે- કરે છે અને મોટા ભાગે તે સફળ થતાં રહ્યાં છે. જે આનંદની વાત છે….

આ બંધનનો સ્વીકાર કરનાર બંને વ્યક્તિ એકબીજાથી તદ્દન અજાણ, ભિન્ન તથા અલગ પ્રકૃતિ કે સ્વભાવના હોય છે. ઘણી વખત તો એકબીજાને જોયેલાં કે મળેલાં પણ નથી હોતાં!! ખાસ કરીને જૂના જમાનામાં જ્યારે માત્ર મા-બાપ વાલી દ્વારા જ લગ્ન ગોઠવાતાં હતાં તથા લગ્નની ‘મહોર’ પણ વાલીઓ જ મારતા હતા! ત્યારે ઘણાં બધાં દંપતી એકબીજાને માત્ર સુહાગરાતના આછા અજવાળામાં જ પ્રથમ વાર જોતાં હતાં! અને તો પણ તે જોડાં ખૂબ જ સફળ ‘જોડી’ બનતાં હતાં, જેનો ઇતિહાસ સાક્ષી છે.

પરંતુ આજે ગૂગલ પરથી જાણવા મળ્યું કે-

(૧) વર્ષ ૨૦૧૨માં ભારતમાં ૪૩,૦૦૦થી વધુ છૂટાછેડા થયા!

(૨) વર્ષ ૨૦૧૪માં માત્ર કોલકાતામાં ૮,૩૪૭ છૂટાછેડા થયા!

(૩) માત્ર મુંબઈમાં દર મહિને ૧,૬૬૭ છૂટાછેડા (કોર્ટ દ્વારા) થાય છે!

(૪) લખનઉમાં ૨,૦૦૦થી વધુ છૂટાછેડા થયા.

(૫) માત્ર છેલ્લાં ૫ વર્ષમાં છૂટાછેડાનો રેટ ડબલ થયો!

(વળી આ બધા આંકડા કોર્ટમાં ગયેલ દંપતીઓના છે. સમાજ દ્વારા આનાથી પણ વધુ છૂટાછેડા અપાય છે.)

(૬) અને આ છૂટાછેડાવાળા કપલ માત્ર બે-ત્રણ વર્ષમાં જ છૂટાં પડયાં હતાં. અર્થાત્ જુવાન વયે જ!

શું સૂચવે છે આ આંકડા..?

ભવોભવ સાથે જીવવાના કોલ આપીને, અગ્નિની સાક્ષીએ સાત પગલાં સાથે ચાલીને, એકબીજાના સુખમાં તથા દુઃખમાં પણ સાથે જ રહેવાની પ્રતિજ્ઞાા લઈને કરેલાં લગ્ન-વડીલો, સગાં-સંબંધીની હાજરી અને આશીર્વાદ સાથે કરેલાં લગ્ન- હિંદુ પરંપરા અને સનાતન સંસ્કૃતિના સૌથી અગત્યના સંસ્કાર સ્વરૂપ લગ્ન… ટૂંકમાં આટલું બધું પવિત્ર બંધન જે સ્વેચ્છાએ સૌની હાજરીમાં સ્વીકારેલું.. તે અને તે પણ એકબીજાને જાણતાં-સમજતાં થયાં તે પછી કેમ તૂટે છે?

વિધિની વક્રતા તો જુઓ..!

જ્યાર બે જણાં એકબીજાને જાણતાં-ઓળખતાં જ ન હતાં.. ત્યારે લગ્નગ્રંથિથી જોડાયાં છે… અને વર્ષોના સહવાસ પછી જ્યારે એકબીજાને જાણતાં થયાં ત્યારે છૂટાછેડા થાય છે!

બહુ દુઃખ થાય છે ને?

છૂટાછેડા શબ્દ જ કેટલો અપ્રિય લાગે છે? કેટલો કઠે છે?

હા… સૌને કઠે છે! પતિને, પત્નીને, બાળકોેને અને સૌ સગાં-સંબંધીને પણ!

ટૂંકમાં ‘છૂટાછેડા’ કોઈને ગમતાં નથી જ!

… તો પછી આટલા બધાં છૂટાછેડા કેમ થાય છે? ઘણાં બધાં કારણો છે છૂટાછેડા થવાના! જેમાંના થોડા મુખ્ય કારણો તપાસીએ :

(૧) યુવાનોમાં વધેલી અસહિષ્ણુતા અને વધુ પડતી મહત્ત્વાકાંક્ષા

આજના યુવાનોને સામાન્ય-સાધારણ રહેવું ગમતું નથી. તેને ‘એવરેજ’ રહેવું હીણપતભર્યું લાગે છે! ‘નભોવ્યોમને આંબવાની અપેક્ષા!’ તેમને તો બસ વધુ મેળવવું છે.. બીજા કરતાં વધુ! પરંતુ કેટલું વધુ? તેનો કોઈ ખ્યાલ-ચોખવટ નથી! બસ! બીજાથી વધુ મેળવવું છે… બીજાથી વધુ સુખી થવું છે!

આ દોડનો તો કોઈ અંત જ નથી ને? પછી આ દોડમાં વચ્ચે જે કોઈ આવે તે રગદોળાઈ જાય છે! જેનું પરિણામ છૂટાછેડામાં આવે છે.

અસહિષ્ણુતાની આ દોડમાં ભાઈ-ભાઈને, પિતા-પુત્રને, પતિ-પત્નીને સહન કરી શકતા નથી… પરિણામે જેમ સંયુક્ત કુટુંબો તૂટયાં તેમ લગ્નજીવન પણ તૂટવા માંડયાં! વધુ પડતી મહત્ત્વાકાંક્ષા તથા અસહિષ્ણુતાનું પરિણામ છેવટે છૂટાછેડામાં જ આવે છે.

૨. આર્થિક સદ્ધરતા આવી… પરંતુ તેનું ઉર્ધ્વીકરણ નહીં

સ્ત્રીઓમાં ભણતરનું પ્રમાણ સારું એવું વધ્યું. પરિણામે સ્ત્રીઓ નોકરી-ધંધામાં પારંગત થવા માંડી. ફળ સ્વરૂપે તેમની આર્થિક સદ્ધરતા વધી તેથી તે આર્થિક રીતે પગભર બની, પરંતુ તેમાં અસહિષ્ણુતા અને વિવેકબુદ્ધિનો અભાવ ભળવાથી પતિ-પત્ની વચ્ચે ટકરાવ વધ્યા! આર્થિક મજબૂરી ન રહેતાં તેને લાગવા માંડયું કે હું શું કરવા સહન કરું? હું પણ કમાઉં છું. અરે! પતિ કરતાં પણ મારો પગાર વધુ છે! મારે હવે કોઈની ગરજ નથી!

પરિણામે નાની-મોટી ક્ષુલ્લક વાતોએ મોટા ટકરાવનું સ્વરૂપ લેવા માંડયું અને પરિણામે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું!

આમ આ એક બહુ જ સારી બાબતનું-સ્ત્રીઓની આર્થિક સદ્ધરતાનું ઉર્ધ્વીકરણ ન થતાં અસહિષ્ણુતા અને કુસંપના વિશે લગ્નજીવનનું પતન નોતર્યું! છૂટાછેડાના કેસોના અભ્યાસ પરથી માલૂમ પડયું છે કે મોટા ભાગના કેસમાં ‘બંને વ્યક્તિ’ ખૂબ જ સારું કમાતાં બંગલા-ગાડી, મોટી ડિગ્રી ધરાવતાં દંપતીમાં આનંુ પ્રમાણ ખૂબ જ વધુ છે! જ્યારે અભણ દંપતી તથા ગરીબ દંપતી ખૂબ જ ઓછાં છે!

૩. ઉછેરની ખામી : કૌટુંબિક લોભી વાતાવરણ કે કુટુંબ ક્લેશ

ઘણાં આર્થિક રીતે સદ્ધર, પરંતુ સંસ્કારની રીતે ઊણાં ઊતરતાં કુટુંબોમાં બાળકોનો ઉછેર જ એવી રીતે કરવામાં આવે છે કે, બાળક પોતાને જ ‘હીરો’ સમજે છે! તેની જ વાત સાચી! તે કરે તે જ ખરું! પરિણામે તે એવી વ્યક્તિ બને છે કે તેને તેનાથી વિરુદ્ધ અભિપ્રાય ખપતો જ નથી! તે બીજી વ્યક્તિને ‘સહન’ જ કરી શકતાં નથી! પોતાનો જ કક્કો ખરો કરવાવાળા આવાં બાળકો લગ્નજીવનના પ્રશ્નો સમજી શકતાં નથી કે સાથે બેસીને બાંધછોડ કરીને ઉકેલી શકતા નથી. પરિણામે છેવટે તે છૂટા પડે છે. આથી સમાજમાં બહુધા એવું જોવા મળે છે કે, અમુક ખાનદાન (!)માં છોકરાએ છૂટાછેડા લીધેલા હશે અને તેની બહેન ઘરે પાછી આવેલી હશે! આ ઉછેરની ખામી છે કુટુંબના વાતાવરણની જ અસર છે!.. છતાં પણ ઘણાં કુટુંબને આ સત્ય સમજાતું નથી, જે દુઃખદ છે.

કુટુંબક્લેશ પણ છૂટાછેડાનું અગત્યનું કારણ બનતું હોય છે. વહુની સતત વગોવણી કરતી સાસુ, દીકરાને હજુ પણ ‘બાબો’ જ સમજતી મમ્મી.. ઘણી વખત અજાણતાં જ બે સુખી અને પ્રેમાળ પતિ-પત્નીના સુખરૂપ સંસારમાં આગ લગાડે છે. ખરેખર તો તેઓ દીકરા-વહુનું ભલું ઈચ્છતાં હોય છે, પરંતુ તેમનું વર્તન એટલું બધું ‘લોભી’ કે ‘આત્મલક્ષ્મી’ હોય છે કે પુત્ર કે વહુ સમજી શકે તે પહેલાં જ દુઃખી થઈને છૂટાં પડે છે!

ઘણાં મા-બાપ નવા જમાનાને ઓળખી શકતાં નથી તથા નવું સ્વીકારી શકતાં નથી… અને ”અમારા જમાનામાં તો આમ હતું!”નું પુરાણું ગાણું ગાતાં ફરે છે અને કુદરતે આપેલું સુખ-સમૃદ્ધિ પણ ભોગવી શકતાં નથી- ભોગવવા દેતાં પણ નથી! પરિણામે નવી-જૂની પેઢી વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. જે છેવટે છૂટાછેડામાં પરિણમે છે!

૪. કુદરતે બક્ષેલી જવાબદારીઓ-ફરજોમાં ઉદાસીનતાઃ ફેશનના નામે

ખાસ કરીને ભણેલી એવી છોકરીઓ (પત્નીઓ) માત્ર ‘કરિયર’ને જ મહત્ત્વ આપતી હોય છે. તેમને બાળકો થાય તો પણ તેના ઉછેરની જવાબદારી સુદ્ધાં લેવા તૈયાર હોતી નથી! અરે! સ્તનપાન કરાવવા પણ તૈયાર નથી હોતી, કારણ કે તેઓને એવો ખોટો કાલ્પનિક ડર લાગે છે કે પોતાના બાળકને સ્તનપાન કરાવવાથી તેનું ફિગર બગડી જશે!

આવું પુરુષોમાં પણ બને છે. ઘણાં પુરુષો ઘર ચલાવવા જેટલું પણ કમાતા નથી. અરે! નોકરી-ધંધો જ કરતાં નથી અને ખોટા રવાડે ચડી દારૂ-જુગારમાં રમમાણ રહે છે ત્યારે તેવાં કુટુંબો તૂટે છે.

૫. જૂની ખોટી માન્યતાઓ : દીકરી તો રમે, વહુ તો ઘરકામ કરે!

અમારી દીકરી તો ‘રમે!’ તે તેના કુટુંબીજનોને જ સાચવે! તે તો હજુ ‘બેબી’ છે! પરંતુ તેની જ ઉંમરની વહુએ તો ઘરના બધાં જ કામ, સાસુ-સસરા, વડીલોની સેવા કરવી જ જોઈએ. આવા પક્ષપાતી વલણને કારણે તેઓ પોતાનાં બાળકોનું અજાણે જ અહિત કરતાં હોય છે.

છૂટાછેડાનાં દુષ્પરિણામો

છૂટાછેડા એ અનિષ્ટ છે. તેને કોઈ પણ રીતે ‘વધાવી’ શકાય જ નહીં, તે વખોડવાને લાયક જ છે, કારણ કે બે પુખ્ત વયનાં સ્ત્રી-પુરુષે ‘લગ્ન’ જેવા પવિત્ર બંધનને છેહ દીધો છે! એક જવાબદારીભરી ‘ડીલ’ નિભાવવામાં નિષ્ફળ ગયાં છે!

યુગોના યુગો સુધી અખતરાઓ અને તેનાં પરિણામો પછી આજની લગ્ન સંસ્થા અને લગ્નબંધન સમાજે સ્વીકારેલ છે. તેનાથી સમાજનો ‘સેક્સનો’ મોટો પ્રશ્ન સુપેરે ઉકેલે છે તથા તેના પરિણામ સ્વરૂપ બાળકોના ઉછેરનો પ્રશ્ન પણ આપમેળે ઉકલે છે. આવા બે મોટા સામાજિક પ્રશ્નોના ઉકેલ આડે છૂટાછેડા આવે છે. તેનાં અનેક દુષ્પરિણામો છે.

૧. છૂટાછેડા લેનાર સમાજમાં માન-સન્માન ગુમાવે છે

છૂટાછેડા લેનાર સ્ત્રીનું તો સમાજમાં માન-સન્માન બિલકુલ ઘટી જાય છે. બલ્કે લોકો તેને શંકાની દૃષ્ટિથી જુએ છે. આવી સ્ત્રીઓને સમાજ પોતાની મૂળભૂત જવાબદારી ન નિભાવનાર, ઉચ્છૃંખલ કે છેવટે કુલટાનું બિરુદ આપે છે! ડિવોર્સી સ્ત્રીનું પુનઃ લગ્ન પણ આપણો સમાજ, સંસ્કૃતિ કે ધર્મ સ્વીકારવા તૈયાર થતાં નથી! તેનું પુનઃ લગ્ન પણ ‘લગ્ન’નું મન મેળવી શકતું નથી. એક ડર અને અવિશ્વાસ ઊભો થઈ જાય છે કે જેણે પહેલું ઘર ન સાચવ્યું તે બીજું ઘર શું સાચવવાની?

૨. પતિ-પત્ની છૂટાં થઈ મુક્તાનંદ માણે અને હિજરાય બાળકો

જેમને બાળકો હોય તેવાં દંપતી છૂટાં પડે તેમને મા-બાપ બનવાનો અધિકાર જ નથી! તેઓને મા-બાપ ગણતાં શરમ આવે છે. લગ્નજીવનમાં પ્રશ્નો તો આવવાના જ. તેને ઉકેલી પણ શકાય છે ને? પરંતુ બાળકો થઈ જાય ત્યાં સુધી તો પ્રશ્નો ન ઉકેલી શકાય તેવું નથી હોતું ને? અથવા તો તે પહેલાં જ છૂટા પડી જવું ઈષ્ટ ગણાય. બાકી બાળકોના પછી છૂટા પડવું તે નરી સ્વાર્થવૃત્તિ જ છે! તેનાથી બાળકોને ખૂબ જ સહન કરવું પડે છે. તેમને નથી મળતો પ્રેમ… પ્રેમાળ માતાનો કે આદર્શરૂપ પિતાનો. આ પૃથ્વી પર તેઓ વધારાના-ભારરૂપ છે તેવું તેઓ ફિલ કરે છે! કોઈ પણ આવા બાળકને પ્રેમથી પૂછી જોજો કે ”બેટા! તને મમ્મી ગમે કે પપ્પા?” તો તેનો જવાબ હશે : ”બંને!” અરે! કોર્ટમાં પણ લાચારીથી જજને પૂછવું પડે છે કે, ”બેટા! તારે કોની સાથે રહેવું છે?” ત્યારે પણ તે ભૂલકાં રડી પડતાં કહે છે : ”બંનેની સાથે!”

શું સૂચવે છે આ સંબંધો? કેટલું મોટું અનિષ્ઠ આ બેજવાબદાર અને અસહિષ્ણુ દંપતીએ ઊભું કર્યું છે સમાજ માટે?

આમ છૂટાછેડાનું દુષ્પરિણામ બાળકોને ભોગવવું પડે છે! તેથી તેઓ હિજરાય છે.

પતિ-પત્ની કોઈ પણ કારણસર છૂટાં તો પડી જાય છે- તેઓ મુક્ત પણ બની જાય છે… પરંતુ તેમના મા-બાપ, કુટુંબીઓને સમાજમાં ઘણું બધું વેઠવું પડે છે! તેમનાં મા-બાપનું સમાજમાં માન-સન્માન ધૂળ-ધાણી થઈને ઊભું રહે છે! તેની સજારૂપે નાનાં ભાઈ-બહેનનો સંબંધ થતો નથી, યોગ્ય પાત્ર મેળવવું ખૂબ જ મુશ્કેલ બને છે. અરે! સમાજ મોંઢા ઉપર સંભળાવે છે કે તેની બહેન ઘરે પાછી આવી છે તો તે શું એવી નહીં હોય? તે શું આપણા કુટુંબને સાચવવાની?

આમ, વગર વાંકે તેમનાં ભાઈ-ભાંડંુ દંડાય છે! અને તેમનાં મા-બાપને આ દુઃખ લાચારીથી જોવું પડે છે.

છૂટાછેડા એક અનિષ્ટ છે. તેને સ્વીકારવાનું કુટુંબીજનોને કે સમાજને પણ ગમતું નથી. તે લગ્નબંધનની પવિત્રતાની ઠેકડી ઉડાડે છે. સમાજે ઘણાં બધાં અનુભવ પછી લગ્નની જે પવિત્ર પ્રથા પાડી છે તેના માટે છૂટાછેડા ભયસ્થાન છે. જો અત્યારે જે ક્ષુલ્લક કારણોસર થાય છે તેવા છૂટાછેડા ચાલુ રહેશે તો તે સુખી અને આદર્શ સમાજ માટે ઘાતક ગણાશે.

હા! લગ્ન પહેલાં પૂરેપૂરી ચકાસણી, સંશોધન, પૂછપરછ વગેરે કરીને ચોક્સાઈથી બધું તપાસી લેવું જોઈએ, પરંતુ એક વાર લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા પછી અને તે પણ બાળકો થયા પછી સ્વાર્થી કારણોસર છૂટા પડવું કોઈ પણ રીતે યોગ્ય નથી જ. આદર્શ અને સુખી સમાજ માટે તે ઘાતક છે, શરમજનક છે.