આટલા વિરાટ સૂર્યનો જન્મ શી રીતે થયો હશે? - Sandesh
  • Home
  • Kids Corner
  • આટલા વિરાટ સૂર્યનો જન્મ શી રીતે થયો હશે?

આટલા વિરાટ સૂર્યનો જન્મ શી રીતે થયો હશે?

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

આપણે જાણીએ છીએ કે સૂર્ય એક તારો છે. વિજ્ઞાનીઓ જેને બ્રહ્માંડ કહે છે એ અનંત ખાલીપો આવા તો હજારો-લાખ્ખો તારાઓથી ઝગમગે છે. આપણને રાત્રે આકાશમાં જે તારાઓ દેખાય છે એ બધા જ સૂર્યો છે. એમાંના ઘણા આપણા સૂર્ય કરતાં દસ ગણા મોટા છે. ઘણા ડબલ, ઘણા ત્રણ ગણા, ઘણા ચાર ગણા મોટા છે. આપણો સૂર્ય નાનો તારો છે.

સવાલ એ થાય કે આ બધા તારાઓ આટલું બધું બળતણ લઈને જન્મતા ક્યાં હશે? વિજ્ઞાનીઓ કહે છે કે અવકાશમાં દૂર દૂર પારાવાર બલ્કે કહો કે અપાર હાઈડ્રોજન વાયુના ગોટે ગોટા વલોવાય છે. આ હાઈડ્રોજન વાયુ અવકાશમાં ક્યાંથી આવ્યો હશે? એ વાયુ તારાઓના મૃત્યુના કારણે અવકાશમાં ચારેબાજુ ફેંકાય છે. પહેલાં આપણે તારાઓના જન્મની વાત સમજી લઈએ. જ્યાં હાઈડ્રોજન વાયુના વાદળો ઘનઘોર બનીને વલોવાય છે એ સ્થળને નેબ્યુલા કહે છે. આપણે તેને તારાઓનું ગર્ભાશય કહી શકીએ.

નેબ્યુલામાં વલોવાતો વલોવાતો હાઈડ્રોજન કોઈક કારણસર એટલો ગોટમોટ થઈ જાય કે વલોવાટના દબાણના કારણે એ ગીચ થતો જાય છે. એક હદથી વધારે ગીચ થઈ જાય તો એ ઘન બનવા માંડે છે. એટલે કે હાઈડ્રોજન વાયુનો નક્કર દડો બનવા લાગે છે. એ દડો બનવા લાગે તેને તારાનો પિંડ બંધાયો કહેવામાં આવે છે. હાઈડ્રોજન દબાણના કારણે ઘન બની જાય એટલો નક્કર થાય એટલે એનું ગુરુત્વાકર્ષણ બળ પણ જન્મે છે. પછી એ આસપાસના હાઈડ્રોજનને પોતાની બાજુ ખેંચીને વધારે ઘટ્ટ ગોટો બનાવે છે. ધીમેધીમે એ ગોટો પર નક્કર દડામાં ઉમેરાઈ જાય છે. એમ કરતાં કરતાં એક સમય એવો આવે છે કે હાઈડ્રોજનનો નક્કર દડો અતિશય મોટો બની જાય છે. પછી એના પોતાના આંતરિક દબાણના કારણે આપણે ગયા અઠવાડિયે સમજ્યા હતા એવી રીતે હાઈડ્રોજનના પરમાણુ જોડાઈને હિલિયમ બને છે. હિલિયમના પરમાણુ જોડાઈને કાર્બન તથા ઓક્સિજન બને છે અને કાર્બન તથા ઓક્સિજન સંયોજાય તો એટલી પ્રચંડ ઊર્જા સર્જાય છે કે આસપાસના પરમાણુઓ સળગી ઉઠે. તરત જ હાઈડ્રોજનના પ્રચંડ ગોળામાં વિકરાળ જ્વાળાઓ ભડકી ઉઠે છે. બસ! તારાનો જન્મ થઈ જાય છે. પછી એમાં આસપાસના હાઈડ્રોજનને ખેંચવાની પ્રક્રિયા ચાલતી રહે તો એનો પિંડ મોટો થતો જાય છે. હાઈડ્રોજનના કેટલાક ગોટા આ તારાની આસપાસ વલોવાઈને અલગથી ગોળા બનવા લાગે તો એ તારાના ગ્રહ બનવા લાગે છે.

આમ તારાનો અને તારામંડળનો જન્મ થઈ જાય છે. હવે આપણે સમજીએ કે અવકાશમાં આટલો બધો ગોટમોટ વલોવાતો હાઈડ્રોજન આવે છે ક્યાંથી? એ તારાના મૃત્યુથી અવકાશમાં ફેંકાય છે. આપણા સૂર્ય જેવો નાનો તારો હાઈડ્રોજન ઓછા પ્રમાણમાં બાળતો હોવાથી એ ૧૦૦૦ કરોડ વર્ષ સુધી ઝગમગતો રહે છે. ખૂબ મોટો તારો હોય તો એમાં હાઈડ્રોજન સેંકડોગણો વધારો બળતો રહે એટલે એ એકાદ-બે કરોડ વર્ષ ઝગમગતો રહે છે. પછી એમાં હાઈડ્રોજન ઓછો થવા લાગે છે. એનું ગુરુત્વાકર્ષણ બળ(હાઈડ્રોજનને અંદર ખેંચી રાખનાર બળ) ઘટવા લાગે છે. એટલે એ ફૂલે છે. ફુલવાથી એમાં હાઈડ્રોજન બળવાની ઘટના અનેકગણી વધે છે. એમ કરતાં એક સમય એવો આવે છે કે તારો હાડ્રોજનને બાંધી રાખી જ ન શકે. ત્યારે એ અબજો અણુબોમ્બ ફાટયા હોય એવો પ્રચંડ વિસ્ફોટ કરીને ફાટી પડે છે. એમાં રહેલો હાઈડ્રોજન અવકાશમાં ચારેબાજુ ફેંકાઈ જાય છે. એ વલોવાતો રહે તો નેબ્યુલા બનવા લાગે છે.

[email protected]