Social Distances Rules Broken In Kite Market in Ahmedabad
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શું પતંગ રસિયાઓ નિયમોનું પાલન કરશે કે ધાબા ગજાવશે જ? આજે કાયદાના ધજાગરા થયા

શું પતંગ રસિયાઓ નિયમોનું પાલન કરશે કે ધાબા ગજાવશે જ? આજે કાયદાના ધજાગરા થયા

 | 11:14 pm IST
  • Share

કોરોના મહામારી (Corona Virus) અને આ મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ (Gujarat Police)દ્વારા જાહેર કરવામાં આવેલા કેટલાક આકરા નિયમોના કારણે… ઊડી ઊડી જાય… દિલ કી પતંગ મેરી ઊડી જાય. ચલી ચલી રે પતંગ મેરી ચલી રે… અને એ કાટ્ટા ઓ કાટ્ટા એય જરા ઢીલથી છોડ, જેવા ગીતો- ચિચિયારીઓ અને ધમાચકડી દર વર્ષે ઉત્તરાયણ (Uttarayan) કહો કે, પતંગ પર્વના આજના ગુરુવારના તહેવારના રોજ કદાચ ઝાઝા સાંભળવા નહીં મળે. પરંતુ કોરાનાના કારણે રાજ્ય સરકારે લાદેલા નિયમો છતાંય શહેરના કોટ વિસ્તાર, પરા અને પૂર્વના વિસ્તારના રહેણાંકોના ધાબાઓ જરૂર પતંગ રસિયાઓની હાજરી અને ચિચિયારીઓથી ગાજ્યા વિના નહીં રહે, શહેરના પતંગ બજારમાં પતંગ (Kite)-દોરીની ખરીદી માચે ગઈકાલે મંગળવારે અને આજે બુધવારે જામેલી ભીડ જોતા અમદાવાદીઓએ પતંગ પર્વની મનભર-આનંદ ભેર ઉજવણી કરશે જ…

જો કે પતંગના ભાવમાં 15થી 20 ટકા અને દોરીના ભાવમાં 18થી 20 ટકાનો વધારો થયો હોવા છતાંયે પતંગબાજોએ પતંગ દોરી ખરીદવામાં કોઈ કચાશ રાખી નહતી.

નિયમોના લીરે લીરા ઉડ્યા

દેખીતી રીતે જ શહેરના મુખ્ય પતંગ બજારો કાળુપુર ટંકશાળ, દિલ્હી દરવાજા, રાયપુર દરવાજા, સારંગપુર ફરતા વિસામા, નારણપુરા અંકુર ચાર રસ્તા, બાપુનગર, સરસપુર, રાજપુર, ગોમતીપુર, રખિયાલ, ઓઢવ- નિકોલ, મણિનગર ચાર રસ્તા અને કાંકરિયા ભુલાભાઈ સર્કલ, પાલડી, આંબાવાડી, વાસણા, વસ્ત્રાપુર બજાર અને બોપલ સર્કલ સહિતના શહેરના તમામ વિસ્તારોમાં ગઈકાલે મંગળવારે રાતના 11 વાગ્યા સુધી પતંગ દોરીની ખરીદી કરી હતી. રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં કરફ્યૂ હોવા છતાંયે પોલીસે પતંગના ખરીદારોને ઝાઝી પરેશાની કરી ન હતી. પરિણામે આ પતંગ બજારોમાં તેજી આવી હતી.

આજે તો સવારથી મોડી રાત સુધી પતંગ બજારમાં એવી ભારે ભીડ જામી હતી કે, કેટલાંક સ્થળે તો ટ્રાફિક ચક્કાજામ થઈ ગયો હતો. ઔર તો ઔર આ પતંગ બજારોમાં માંડવા બાંધી લારી-ગલ્લા અને ફૂટપાથ પર પાથરણા પાંથરીને રોજિંદુ પેટિયું રળી ખાતા ગરીબ, મધ્યમ વર્ગના પરિવારોએ પણ પતંગ દોરીનું વેચાણ કરતા સારી એવી ખરીદીના કારણે તેમણેય હાશ અનુભવી હતી.

પતંગ બજારના વેપારીઓના જણાવ્યા અનુસાર પતંગો ખાસ કરીને ઉત્તરપ્રદેશના લખનઉં, રામપુર, રાજસ્થાનના જયપુર, જોધપુરના વેપારીઓ દ્વારા અમદાવાદ આવે છે પરંતુ ગત વર્ષે પડેલા ભારે વરસાદ અને કોરોના લૉકડાઉનને કારણે પતંગના ઉત્પાદનમાં 50 ટકા જેટલો ભારે ઘટાડો પૂરતા પ્રમાણમાં આવ્યો ન હોવાથી ગઈકાલે મંગળવારે કેટલાંય વેપારીઓની દુકાનોમાં માલ ખલાસ પણ થઈ ગયો હતો, જ્યારે આજે ઘરાકી પૂરબહારમાં ખીલતા બીજાં કેટલાંક મોટા વેપારીઓની દુકાનમાં પણ માલ ખલાસ થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન