Social Media Post Make Situation Uncontrollable in Bengaluru
  • Home
  • Featured
  • ભડકાઉ પોસ્ટથી બેંગલુરુમાં ભીષણ હિંસા, પોલીસ ફાયરિંગમાં 3નાં મોત, 200થી વધુ વાહનોમાં આગચંપી

ભડકાઉ પોસ્ટથી બેંગલુરુમાં ભીષણ હિંસા, પોલીસ ફાયરિંગમાં 3નાં મોત, 200થી વધુ વાહનોમાં આગચંપી

 | 1:00 pm IST

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં મંગળવારની રાત્રે ભીષણ હિંસાની ઘટના સામે આવી છે. આ દરમિયાન પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ફાયરિંગ પણ કર્યું હતું. આ પોલીસ ફાયરિંગમાં 3 લોકોનાં મોત થયા છે. તો એક અન્ય શખ્સ ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અચાનક ભડકેલી હિંસાને કારણે 60 પોલીસ જવાનો પણ ઘાયલ થયા છે. જેમાં એક એડિશનલ પોલીસ કમિશનરનો પણ સમાવેશ થાય છે. તો આ મામલે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી (SDPI) નાં મુઝમ્મિલ પાશાની ધરપકડ કરવામાં આવી છે. SDPI પર હિંસા ભડકાવવાનો આરોપ છે. સીએમ યેદિયુરપ્પાએ લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. 

બેંગુલુરુના ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનમાં ભારે બબાલ થઈ હતી. જે બાદ ડીજે હલ્લી અને કેજી હલ્લી સ્ટેશનમાં કરફ્યૂ લગાવી દેવામાં આવ્યો હતો. તો બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં ભડકાઉ પોસ્ટ શેર કરનાર આરોપી નવીનની ધરપકડ કરી લેવામાં આવી છે. ઉપદ્રવીઓએ 200થી પણ વધારે વાહનોમાં આગ લગાવી દીધી હતી. 

જાણકારી પ્રમાણે, સમગ્ર હંગામો એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે થયો હતો. બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાએ સોશિયલ મીડિયા સાઈટ ફેસબૂક પર કથિત ભડકાઉ પોસ્ટ કરી હતી. જો કે, બાદમાં તેણે આ પોસ્ટ ડિલિટ પણ કરી દીધી હતી. જો કે ત્યાં સુધીમાં તો ભડકાઉ પોસ્ટને લઈ મોટી સંખ્યામાં ઉપદ્રવીઓ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના બેંગલુરુ સ્થિત ઘરે પહોંચી ગયા હતા અને હુમલો કરીને ભારે તોડફોડ કરી હતી. ભીડ દ્વારા આગચંપી પણ કરવામાં આવી હતી. 

બસ આટલેથી ઉપદ્રવીઓનો ગુસ્સો શાંત થયો ન હતો અને તેઓએ ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે ભારે હંગામો થતાં પોલીસે ભીડને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. અને આસું ગેસના શેલ પણ છોડ્યા હતા. જે બાદ એકાએક હિંસા ભડકી ઉઠી હતી. જેમાં ઉપદ્રવીઓએ પોલીસને પણ નિશાન બનાવી હતી. 

બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે જણાવ્યું કે, લગભગ 60 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, તેમાં એડિશનલ પોલીસ કમિશનર પણ સામેલ છે. હંગામાને કાબૂ કરવા માટે પોલીસ તરફથી કરવામાં આવેલ ફાયરિંગમાં બે લોકોનાં મોત નિપજ્યા છે, અને એક શખ્સ ઈજાગ્રસ્ત થયો છે, જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે બેંગલુરુમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. અને ડીજે હલ્લી અને કેજી હલ્લી પોલીસ સ્ટેશનની આસપાસ કરફયૂ પણ લગાવી દેવામાં આવ્યો છે. જ્યારે ભડકાઉ પોસ્ટ શેર કરનાર આરોપી નવીનની ધરપકડ કરી લેવામાં આવી છે. 

પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બેંગલુરુનાં જોઈન્ટ પોલીસ કમિશનર (ક્રાઈમ) સંદિપ પાટિલે જણાવ્યું કે, કથિત પોસ્ટ બાદ ભડકેલી હિંસા મામલે 110 લોકોની અટકાયત કરી દેવામાં આવી છે અને હજુ પણ લોકોને પકડવાનો સિલસિલો ચાલુ છે.

તો કોંગ્રેસ ધારાસભ્યના ઘર પર થયેલ હિંસા બાદ કર્ણાટકના ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, મામલાની તપાસ થવી જોઈએ પણ હિંસા કોઈ વાતનો ઉકેલ નથી. ઉપદ્રવીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન