સોશિયલ મીડિયા સ્ટાર ક્લેર વાઇનલેન્ડ પાસેથી શું શીખશો? - Sandesh
  • Home
  • Columnist
  • સોશિયલ મીડિયા સ્ટાર ક્લેર વાઇનલેન્ડ પાસેથી શું શીખશો?

સોશિયલ મીડિયા સ્ટાર ક્લેર વાઇનલેન્ડ પાસેથી શું શીખશો?

 | 12:37 am IST

ઇશ્યૂ ઇન ન્યૂઝ : વિનોદ પટેલ

ભારતમાં અને પશ્ચિમના દેશોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અને તેની અસર સાવ અલગ છે. ભારતમાં સોશિયલ મીડિયા કાયદો-વ્યવસ્થા અને અફવા જેવી હજી પાયાની બાબતોને પ્રતિબિબિંત કરે છે, પરંતુ પશ્ચિમના દેશોમાં સોશિયલ મીડિયા ખરા અર્થમાં સકારાત્મક સંવાદનું માધ્યમ બનવાની દિશામાં ગતિ કરી રહ્યું છે. તાજેતરમાં ભારતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ પોતાનાં મનની ગંદકી ઠાલવવા નહીં પણ સકારાત્મક બાબતોનો પ્રસાર કરવા માટે જણાવ્યું હતું.

ભારતમાં સોશિયલ મીડિયા સ્ટાર એટલે બિગ બી, પ્રિયંકા ચોપરા અને સની લિયોની એવી એક છાપ પ્રવર્તે છે, પરંતુ વિદેશમાં સોશિયલ મીડિયા સ્ટારની જમાત સાવ અલગ છે. તાજેતરમાં આવી એક સોશિયલ મીડિયા સ્ટાર ક્લેર વાઇનલેન્ડનું ૨૧ વર્ષની વયે બીજી સપ્ટેમ્બરે સાન ડિયેગોમાં અવસાન થયું ત્યારે આ ભેદ વધારે સ્પષ્ટ થયો. ક્લેર તેની જીવલેણ બીમારી સિસ્ટિક ફાયબ્રોસિસ સામે લડતાં લડતાં એવું જીવી કે કહેવું પડે કે, જીના ઇસી કા નામ હૈ.

ક્લેરને થયેલી બીમારી સિસ્ટિક ફાયબ્રોસિસમાં બને છે એવું કે બંને ફેફસાં સમય જતાં અતિશય ચેપ ફેલાવાને કારણે કામ કરવાનું બંધ કરી દે છે અને દર્દીનું અવસાન થાય છે. હાલ દુનિયામાં આ રોગથી પીડાતાં લોકોની સંખ્યા ૭૦,૦૦૦ છે. ક્લેરની જીવનરેખા આમ જોઈએ તો સાવ સરળ લાગે છે. અમેરિકામાં ઓસ્ટિન ટેક્સાસમાં ક્લેરનો જન્મ થયો ત્યારે જ તે આનુવંશિક બીમારી સિસ્ટિક ફાયબ્રોસિસની દર્દી હોવાનું જણાયું હતું.

સામાન્ય રીતે આવાં બાળકનું આયુષ્ય પાંચ વર્ષ ગણી ચાલવામાં આવે છે, પરંતુ ક્લેરે ચાર વર્ષની વયે ધ મ્યુઝિક મેન માટે સ્ટેજ પર પર્ફોર્મ કર્યું, જોકે ૧૩ વર્ષની વયે તેનાં બંને ફેફસાં કામ કરતાં બંધ થઈ ગયાં અને તેને કોમામાં મૂકવામાં આવી. એ સમયે તેના બચવાની તક માત્ર એક ટકો હતી, જોકે ક્લેર ૧૬મા દિવસે કોમામાંથી બહાર આવી અને તેણે પોતાને જે બીમારી થઈ છે તેના ઇલાજ માટે ઝઝૂમતા પરિવારોને ટેકો આપવા માટે એક ફાઉન્ડેશનની રચના કરી.

ક્લેર પર નાના-મોટાં કુલ ૩૦ જેટલાં ઓપરેશન કરવામાં આવ્યાં હતાં. કમાલની વાત એ છે કે ક્લેર જ્યારે કોમામાં હતી ત્યારે તેને લોકોનો જે ટેકો મળ્યો તેમાંથી પ્રેરણા મેળવીને તેણે ક્લેર્સ પ્લેસ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશને અત્યાર સુધીમાં ૨૬ પરિવારોને નાણાકીય સહાય પૂરી પાડી છે.

આવી આ મજબૂત મિજાજની ક્લેરને છેલ્લે કૃત્રિમ ફેફસાં બેસાડવાની તૈયારીઓ ચાલી રહી હતી. તેનામાં કૃત્રિમ ફેફસાંનું આરોપણ કરવામાં આવ્યું, પરંતુ એવામાં ૨૬ ઓગસ્ટે તેનાં જમણાં મગજને લોહી પૂરું પાડતી નસમાં લોહીની ગાંઠ જામી જતાં મગજને મળતો રક્તપુરવઠો અટકી જતાં તેને પેરેલિટિક સ્ટ્રોક આવ્યો અને એક સપ્તાહ બાદ તેનું અવસાન થયું.

ક્લેરનાં વ્યક્તિત્વની ખાસિયત એ હતી કે તેણે આવી જીવલેણ બીમારી સામે હાર માનવાને બદલે એક માનવી તરીકે જીવન ગૌરવપૂર્વક જીવવાનો માર્ગ પસંદ કર્યો હતો. તેણે આવી હેરાનપરેશાન કરી મૂકે તેવી બીમારી હોવા છતાં દુનિયાભરમાં ફરીને લોકો સમક્ષ જીવન જીવવાનો નવો આયામ રજૂ કર્યો હતો. તેણે લોકો સાથે પોતાની વાત શેર કરવા માટે શરૂ કરેલી યૂ ટયૂબ ચેનલના અઢી લાખ કરતાં વધારે સબસ્ક્રાઇબર્સ હતા, જોકે ૨૦૧૭માં તેની બીમારી વણસતાં તેને યૂ ટયૂબને અલવિદા કરવાની ફરજ પડી હતી. એ પછી તેણે ટેડ એક્સમાં ૨૦૧૭માં આપેલી ટોકમાં પોતાની વાત અદ્ભુત રીતે રજૂ કરી છે. તેણે આ ટોકમાં પોતાના જીવનના ઉતારચડાવને સેક્સ્યુઅલ ઇન્ટેલેક્ચ્યુઅલ લખેલાં બ્લેક ટીશર્ટમાં સજ્જ થઈ રમૂજી રીતે રજૂ કર્યા હતા. તેણે સ્મિત સાથે જણાવેલું કે જીવનનો અર્થ સુખી થવામાં સમાયેલો નથી.

તમે તમને મળેલાં જીવનનું શું કરો છો, તમે જે કાંઈ છો તેનું તમને ગૌરવ છે કે કેમ અને તમે બીજાને શું આપ્યું તેના આધારે તમારી જિંદગીનું માપ નીકળે છે. આ માપદંડ અનુસાર ક્લેરે પોતાનાં જીવનમાં અઢળક ઓપરેશન અને બેસુમાર દવા લીધા બાદ પણ લોકોને સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરીને પોતાની બીમારીથી વાકેફ કર્યાં એટલું જ નહીં તેમને જીવન જીવવાની એક નવી રીત બતાવી અને છેલ્લે જીવનના અંતે પોતાના અવયવોનું દાન કરીને એક સોશિયલ મીડિયાસ્ટાર તરીકે એક નવી ઊંચાઈ સર કરી છે. આશા રાખીએ કે ભારતમાં પણ સોશિયલ મીડિયાસ્ટારનો દરજ્જો બદલાય. આપણે ક્લેર વાઇનલેન્ડની માફક સોશિયલ મીડિયાનો સકારાત્મક પરિવર્તન માટે ઉપયોગ કરતાં શીખીએ તો તે ક્લેરને અપાયેલી શ્રેષ્ઠ અંજલિ હશે.