social media The biggest enemy of relationships
1.6M
1M
1.7M
APPS

સોશિયલ મીડિયા સંબંધોનો સૌથી મોટો દુશ્મન

 | 7:40 pm IST
  • Share

માણસ માણસ વચ્ચેનું અંતર સતત વધતું જાય છે. મોબાઇલ જ્યારથી આવ્યો છે ત્યારથી સાંનિધ્ય અને સંવેદનાને ગ્રહણ લાગ્યું છે. મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે સંબંધો પાતળા પડી રહ્યા છે. દાંપત્યજીવનનો સૌથી મોટો દુશ્મન જો કોઇ હોય તો એ સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયાની લતના કારણે ડિવોર્સ થઇ રહ્યા છે. કોની સાથે ચેટ કરતી હશે કે કરતો હશે એ વિચાર પતિ-પત્ની વચ્ચે શંકાનાં બીજ રોપે છે. ખાનગીમાં ફેન ચેક પણ થાય છે અને હેક પણ થાય છે!

પોષતું તે મારતું, એ ક્રમ દિસે છે કુદરતી. કવિ કલાપીની આ રચના ઘણા સંદર્ભોમાં વાપરી શકાય એમ છે. થોડુંક લાંબું વિચારો તો એવું કહી શકાય કે, મોબાઇલનું પણ કંઈક આવું જ છે. સમજી વિચારીને વાપરો તો મોબાઇલ ખૂબ કામની ચીજ છે, પણ બુદ્ધિને અભેરાઈ પર ચડાવીને આડેધડ મચ્યા રહો તો એ પતન નોતરવા માટે પણ પૂરતું છે. ગયા અઠવાડિયે વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છ-સાત કલાક બંધ રહ્યા એમાં હોહા થઇ ગઇ! થોડીક વાર તો ઘણાને લાગ્યું કે, જાણે સર્વસ્વ લૂંટાઈ ગયું. મજા તો એ ફરીથી ચાલુ થયું એ પછી આવી. જે મિમ્સ વહેતા થયા એ મજેદાર હતા. કેટલાંક સટિક પણ હતા. એક કંઇક એવું હતું કે, સોશિયલ મીડિયા બંધ રહેતા પત્નીએ ઘણા લાંબા સમય બાદ પતિ સાથે શાંતિથી વાત કરી અને તેઓ સારા સ્વભાવના હોવાનો દાવો કર્યો હતો! આ તો થઈ મજાકની વાત, રિયલ લાઇફમાં પણ સોશિયલ મીડિયાના કારણે પતિ-પત્ની ઓછી વાતો કરતાં હોવાનું બહાર આવી રહ્યું છે. પતિ-પત્ની સાથે બેઠાં હોય ત્યારે બંને પોતપોતાના મોબાઇલ સાથે મંડેલાં હોય છે. ક્યારેક કંઇક ઇન્ટરેસ્ટિંગ લાગે તો એકબીજાને બતાવે છે, બાકી તો બંને પોતપોતાની મસ્તીમાં જ હોય છે.

મોબાઇલ અને સોશિયલ મીડિયાના કારણે આપણા દેશ સહિત દુનિયામાં ડિવોર્સના કેસ વધી રહ્યા છે. અમેરિકાની ફેમિલી લો પ્રેક્ટિશનર મેકેન્લી ઇરવીન મોબાઇલના કારણે થતા ડિવોર્સને ‘ડિજિટલ ડિવોર્સ’ કહે છે. યુનિવર્સિટી ઓફ હોસ્ટનના ડો. હેલન લી લિન કહે છે કે, અમેરિકામાં છેલ્લાં દસ વર્ષમાં ડિવોર્સના કેસીસમાં 13 ટકાનો વધારો થયો છે. તેમાંથી અડધોઅડધ કેસોમાં ડિવોર્સનું કારણ મોબાઇલ અને સોશિયલ મીડિયા છે. આપણે ત્યાં આવા અભ્યાસો ઓછા થાય છે. આપણે ત્યાં લોકો પડયું પાનું નિભાવી પણ લે છે અને જિંદગી જેમ જિવાય એમ જીવી લે છે. આપણે ત્યાં ડિવોર્સ ભલે ન થાય, પણ મોબાઇલના કારણે ઘરોમાં માથાકૂટો તો થાય જ છે. અમેરિકામાં હવે તમારી લવ અને મેરેજ લાઇફને મોબાઇલથી કેવી રીતે બચાવવી એનાં લેશન અપાવવાં લાગ્યાં છે. આપણને બધાને પણ એ કામ લાગે એવાં છે. રિલેશનશિપ એક્સપર્ટ્સ કહે છે કે, એક તો લોકો પાસે સંબંધો માટે હવે બહુ ઓછો સમય બચે છે. જેટલો સમય હોય છે એટલો પણ તેને વાપરતા આવડતો નથી. લોકો હાથે કરીને પોતાના રિલેશન્સને દાવ પર લગાડે છે. એક સાવ સીધોસાદો સવાલ એ છે કે, તમારા માટે તમારો મોબાઇલ તમારી પત્ની, પતિ કે સ્વજનથી વધુ મહત્ત્વનો છે? એનો જવાબ દરેકે પોતાની પાસેથી જ મેળવવાનો છે.

મોબાઇલ કેવી રીતે દાંપત્યજીવન બરબાદ કરે છે એના વિશે તો હવે લગભગ બધાને ખબર છે. આપણે એમાં બહુ પડવું નથી. એના કરતાં એનાથી બચવું કઈ રીતે એની થોડીક વાતો કરીએ. થોડીક ટિપ્સ છે, થઇ શકે તો ટ્રાય કરજો. સૌથી પહેલી વાત તો એ કે, ઘરે જાવ ત્યારે ડેટા ઓફ્ કરી દો. ઘરના લોકોને જ સમય આપો. આવું કહીએ ત્યારે સૌથી પહેલી દલીલ એ થાય કે, ઘરે જ ટાઇમ મળે છે, કામ પર હોઇએ ત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ થોડો થાય છે? વેલ, એનો બીજો ઉકેલ એ છે કે, એક ચોક્કસ સમય નક્કી કરો કે, અડધો કલાક કે એક કલાકથી વધારે સમય નહીં વેડફું. એક યુવાન તો એલાર્મ મૂકીને મોબાઇલ જોવાનું શરૂ કરતો. ટાઇમ પૂરો થાય એટલે મોબાઇલ મૂકી દેવાનો. ઘણા લોકો પોતાનાં કામ કે ધંધાની દુહાઈ દઇને એવું કહેતા હોય છે કે, મારે તો મોબાઇલ જોયા વગર ચાલે જ નહીં. મોટાભાગે તો એવું હોતું નથી, પણ માનો કે એવું હોય તો પણ જરૂર હોય એટલું જ જુઓ. તમે મોબાઇલ વાપરવાનું બંધ કે ઓછું કરશો એટલે લોકો આપોઆપ સમજી જશે કે, એ અવેલેબલ નહીં હોય. મોટા ભાગે તો આપણે જ બીજા લોકોને આપણી પર્સનલ સ્પેસમાં આવવાની છૂટ આપતા હોઇએ છીએ. કોઇ પણ વ્યક્તિ ગમે ત્યારે વીડિયો કોલ કરી લે એવું થોડું ચાલે? આપણે ત્યાં હવે એક નવો ટ્રેન્ડ એ જોવા મળે છે કે, કોઇ યુવતી રસોઈ બનાવતી હોય ત્યારે કિચનમાં વીડિયો કોલ જોડી ફોનને સામે ગોઠવીને રસોઈ કરવાની સાથે વાતો કરતી રહે છે. આવું કરનાર વ્યક્તિ બીજાનો સમય તો બગાડે છે અને પોતાનું કામ પણ એન્જોય કરી શકતી નથી. બહેતર એ છે કે, એવા સમયે તમે તમારું કોઇ ગમતું સંગીત સાંભળો અને પોતાની સાથે રહેવાનો પ્રયાસ કરો.

લગ્નજીવનને સ્વસ્થ રાખવા માટે જે સૌથી મોટો ઉપાય કહેવામાં આવે છે એ એવો છે કે, બેડરૂમમાં મોબાઇલને લઇ જ ન જવો. આપણે તો મોડે સુધી મોબાઇલ મચડતા રહીએ છીએ. કપલ્સ હવે ફિઝિકલ રિલેશન પછી પણ સૂતાં પહેલાં મોબાઇલ ચેક કરી લે છે. એક ટાઇમ નક્કી કરી લો કે આ સમયે ડેટા બંધ કરી દઇશ. તમારા નજીકના લોકોને પણ પ્રેમથી કહી દેવાનું કે, આ સમય પછી હું મેસેજ જોતો કે જોતી નથી. ફેન પર વાત કરવાની હોય તો પણ કામપૂરતી જ વાત કરો. આપણે ત્યાં લોકો ફોન પર અડધો કલાક – કલાક ગપ્પાં હાંકતા હોય છે. ઘણા લોકો વાત શરૂ કરતાં પહેલાં જ કાનમાં ઇયર પ્લગ ખોસી દે છે, બાકી તો ફોન કાને રાખીને હાથ દુઃખવા ન માંડે?

એક બીજી વાત. તમે જ્યારે તમારા પાર્ટનર સાથે વાત કરો ત્યારે હાથમાં ફોન ન રાખો. તેની આંખમાં આંખ પરોવીને અને બને તો તેનો હાથ હાથમાં લઇને વાત કરો. તમને એની વાતમાં રસ છે, તમે એને ધ્યાનથી સાંભળો છો એવું નાટક નથી કરવાનું, પણ ખરેખર ધ્યાનથી એની વાત સાંભળવાની છે. નાટક પકડાઈ જતું હોય છે. સુખી અને સ્વસ્થ લવલાઇફ માટે એકબીજાને એવો અહેસાસ હોય એ જરૂરી છે કે, મારી લાઇફમાં તારાથી વધુ ઇમ્પોર્ટન્ટ બીજું કશું જ નથી. માનો કે ખરેખર કંઇક ઇમ્પોર્ટન્ટ હોય અને ફોન પર મેસેજ કે બીજું કંઈ કામ કરવાનું હોય તો એ વિશે તમારા પાર્ટનર સાથે ખુલ્લાદિલે સાવ સાચી વાત કરો કે તમે શું કરી રહ્યા છો? પતિ કે પત્ની ચૂપચાપ કંઇક કરતાં હોય છે ત્યારે એવી શંકા ગયા વગર નથી રહેતી કે કોની સાથે ચેટ કરતો હશે કે કરતી હશે? શંકાનો કીડો એક વખત સળવળે પછી એ શાંત થતો નથી અને છેલ્લે એકબીજાના ફોન ચેક કરવા સુધી જાય છે. કપલ એકબીજાનો ફોન ચેક જ નથી કરતાં, હવે તો હેક કરતાં પણ થઇ ગયાં છે.

આજનાં કપલમાં હવે સૌથી વધુ ઝઘડા મોટા ભાગે મોબાઇલ વિશે થવા લાગ્યા છે. હવે તું આ મોબાઇલને મૂકીશ? તને શું મળી જાય છે તારો સમય અને મગજ બગાડીને? તને અમારા કોઇમાં રસ જ ક્યાં છે? મોબાઇલથી દૂર રહેવાની વાતો બંનેને લાગુ પડે છે. ક્યાંક પત્ની મોબાઇલ સાથે ચોંટેલી રહે છે તો ક્યાંક પતિ ફોન છોડતો નથી. સાઇકિયાટ્રિસ્ટ એવું પણ કહે છે કે, તમે જેવું કરશો એવી જ આદતો તમારાં સંતાનોને પડશે. તમે જો એવું ઇચ્છતાં હોવ કે તમારાં સંતાનો ફોનથી દૂર રહે તો પહેલાં તમે એવું કરો. આપણે બધાએ હવે ડિજિટલ ડિસિપ્લિન શીખવી પડશે. આપણા સંબંધોની ગાડી આડે પાટે ચડી જાય એ પહેલાં જાગી જવું એ જ સમજદારી છે.

હા, એવું છે!

એક રસપ્રદ અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે, જેનું મગજ કોઈ જાતના ઉદ્દેશ વગર વારેવારે અહીં તહીં ભટકતું રહે છે, એવા 85 ટકા લોકો પોતાની જિંદગીથી જ દુઃખી હોય છે, મજાની વાત એ છે કે એને પોતાને પોતાના દુઃખના કારણની પણ ખબર હોતી નથી!      

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો