અમદાવાદ : ડિપ્રેશનનો શિકાર બનેલી સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ કર્યો આપઘાત - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ : ડિપ્રેશનનો શિકાર બનેલી સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ કર્યો આપઘાત

અમદાવાદ : ડિપ્રેશનનો શિકાર બનેલી સોફ્ટવેર એન્જિનિયર યુવતીએ કર્યો આપઘાત

 | 9:14 pm IST

રાજકોટ જિલ્લાના જેતપુરની યુવતીએ અમદાવાદના વાસણામાં આવેલા ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ૩૦ વર્ષીય નેહા રાબડિયા સોફ્ટવેર એન્જિનિયર તરીકે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. વાસણા પોલીસે કબ્જે લીધેલી સ્યૂસાઈડ નોટમાં મૃતકે ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વાસણા બેરેજ રોડ ઉપર આવેલા સ્વસ્તિક ફ્લેટમાં નેહા મગનભાઈ રાબડિયા (ઉ.૩૦ રહે. જેતપુર, જિ. રાજકોટ) અને દિપ્તીબહેન રવજીભાઈ ખોલિયા (ઉ.૨૯ રહે. કેશોદ, જિ. જૂનાગઢ) છેલ્લા છએક મહિનાથી ભાડે રહેતા હતા. અગાઉ પ્રહલાદનગર વિસ્તારમાં બંને જણા સાથે રહેતા હતા. નેહા રાબડિયા મીઠાખળી વિસ્તારમાં આવેલી વેબલાઈન ઇન્ડિયા પ્રાઈવેટ લિ. કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી હતી. હોળી-ધુળેટીની રજા હોવાથી દિપ્તી ખોલિયા હોળીની આગળના દિવસે કેશોદ ગઈ હતી. જયારે નેહા ફ્લેટમાં એકલી જ રોકાઈ ગઈ હતી. સોમવારે વહેલી સવારે દિપ્તી કેશોદથી આવી ત્યારે ફ્લેટ લોક હોવાથી તેણે પોતાની પાસે રહેલી ચાવીથી ફ્લેટ ખોલ્યો હતો.

દિપ્તી ફ્લેટમાં અંદર પ્રવેશી ત્યારે પંખા સાથે નેહાને લટકતી જોઈ ચોંકી ઊઠી હતી અને પોલીસ કંટ્રોલ રૃમમાં ફોન કરી ઘટનાની જાણ કરી હતી. વાસણા પોલીસને જાણ થતા પોલીસે જરૃરી કાર્યવાહી આરંભી સ્યૂસાઈડ નોટ કબ્જે લીધી હતી. જેમાં મૃતકે લખ્યું હતું કે, પાંચેક વર્ષથી તે ડિપ્રેશનમાં હતી અને આ ઘટના માટે કોઈ જવાબદાર નથી.