Sohrabuddin encounter case: DG Vanzara, other policemen discharged
  • Home
  • Featured
  • સોહરાબુદ્દીન કેસમાં મુંબઇ હાઈકોર્ટે પણ વણઝારા સહિત પોલીસ અધિકારીઓને આપી મોટી રાહત

સોહરાબુદ્દીન કેસમાં મુંબઇ હાઈકોર્ટે પણ વણઝારા સહિત પોલીસ અધિકારીઓને આપી મોટી રાહત

 | 9:51 pm IST

મુંબઇ હાઈકોર્ટે દેશના બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નીચલી અદાલતનો નિર્ણય યથાવત્ રાખી ગુજરાતના પૂર્વ એટીએસ ચીફ ડી જી વણઝારા સહિત અન્ય પોલીસ કર્મચારીઓને આરોપ મુકત જાહેર કર્યા છે. નીચલી અદાલતે આ મામલે ગુજરાતના આઇપીએસ અધિકારી રાજકુમાર પાંડિયન, ગુજરાતના એટીએસના પૂર્વ ચીફ ડીજી વણઝારા, ગુજરાત પોલીસ અધિકારી એન કે અમીન, રાજસ્થાન કેડરના આઇપીએસ અધિકારી દિનેશ એમએન અને રાજસ્થાન પોલીસના કોન્સ્ટેબલ દલપતસિંહ રાઠોડ એમ છ જણને દોષમુકત જાહેર કર્યા હતા.

નીચલી અદાલતના ચુકાદાને સોહરાબુદ્દીનના ભાઇ રુબાબુદ્દીન અને સીબીઆઇએ બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર મામલે સીબીઆઇએ ગુજરાત એટીએસના પૂર્વ ચીફ ડી જી વણઝારા સહિત પોલીસ અધિકારીઓને પોતાની તપાસમાં દોષિત ગણાવ્યા હતા. આ એક બનાવટી એન્કાઉન્ટર હોવાનું સીબીઆઇએ પોતાના અહેવાલમાં અદાલતને જણાવ્યું હતું. જો કે પોલીસ અનુસાર સોહરાબુદ્દીન આતંકવાદીઓ સાથે સતત સંપર્કમાં હતો.

કેસ શુ હતો?

સીબીઆઇએ પોતાના આરોપનામામાં જણાવ્યું હતું કે ગુજરાતના એક જાણીતા ગેંગ્સ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેની પત્ની કૌસરબીને ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસના અધિકારીઓએ હૈદરાબાદ પાસેથી તાબામાં લીધા હતા અને નવેમ્બર 2005માં એક બનાવટી એન્કાઉન્ટરમાં તેમની હત્યા કરી હતી. આ ઉપરાંત મુંબઇ હાઈકોર્ટે ગુજરાત આઇપીએસ અધિકારી વિપુલ અગ્રવાલને પણ આ મામલે દોષમુકત જાહેર કર્યો હતો.