સોકલી ગામ પાસેથી જીવદયાના કાર્યકરોએ કતલખાને લઈ જવાતી ભેંસોને બચાવી લીધી

21

વિરમગામ, તા.૧૯

વિરમગામના સોકલી ગામ પાસેથી પસાર થતાં હાઈવે માર્ગ પરથી રવિવારની સવારે કડી કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું વાહન જીવદયા કાર્યકરોએ અટકાવીને ટ્રકચાલક સહિત પોલીસ હવાલે કર્યું હતું અને હળવદના જીવદયા કાર્યકરે ટ્રકચાલક સહિત વધુ બે વ્યક્તિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. બચાવી લેવાયેલ બાર ભેંસોને વિરમગામ પાંજરાપોળ હવાલે કરવામાં આવી હતી.

આ બનાવની પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તરફથી કડી કતલખાને પશુ ભરેલી ટ્રક વિરમગામ સોકલી પાસેથી શનિવારની રાત્રીથી રવિવારની સવાર સુધીમાં પસાર થવાની જીવદયા કાર્યકરોને માહિતી મળી હોવાથી હળવદથી જીવદયાના કાર્યકરો સોકલી ફાટક ત્રણ રસ્તા પાસે આવ્યા હતા એ દરમિયાન રવિવારની સવારે એક તાડપત્રી ઢાંકેલ ટ્રક પસાર થતાં તેના પર શક ગયો હોવાથી તેને થોભાવી તપાસતા આ ટ્રકમાં ખીચોખીચ ભેંસો ભરેલી જણાતા જ તેને થોભાવી પોલીસને જાણ કરી હતી.

જેથી વિરમગામ રૂરલ પોલીસ પહોંચી હતી અને વાહન તથા વાહનચાલકની અટક કરી પૂછતાછ કરી હતી. વાહનચાલક પાસે ભેંસો ભરીને લઈ જવાની પરમીટ ન હતી અને ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહોતું જેથી તેની સામે પોલીસે લાલ આંખ કરતા જ તેનું નામ મહેબુબ મહંમદશા ફકીર રહેવાસી રાજાવડલા, તા. વાંકાનેર, જિ. મોરબી જણાવ્યું હતું અને ભેંસો ઝાલાભાઈ ભરવાડ તથા કમાભાઈએ ભરાવી હતી અને કડી કસાઈવાડામાં લઈ જવાની કેફિયત જણાવી હતી જેથી પોલીસે ટ્રકચાલક મહેબુબ ફકીર સહિત ઝાલા ભરવાડ તથા કમા વિરુદ્ધ જીવદયા કાર્યકર હળવદના રહેવાસી વિપુલભાઈ વશરામભાઈ ભરવાડની ફરિયાદ નોંધી  તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.  જીવ બચાવેલ બાર ભેંસોની કિંમત ૨,૪૦,૦૦૦ થતી હોવાનું પોલીસે જણાવ્યું હતું.