Sola Police Started project satark
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: ગુનાહિત પ્રવૃતિઓ પર લાગશે લગામ, સોલા પોલીસે શરૂ કર્યો ‘પ્રોજેક્ટ સતર્ક’

અમદાવાદ: ગુનાહિત પ્રવૃતિઓ પર લાગશે લગામ, સોલા પોલીસે શરૂ કર્યો ‘પ્રોજેક્ટ સતર્ક’

 | 9:41 pm IST
  • Share

અમદાવાદના પૂર્વ વિસ્તાર બાદ પશ્ચિમ વિસ્તારમાં પણ ચોરી, લૂંટ અને મારામારી સહિતની ગુનાહિત ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને શહેરના પોશ વિસ્તાર એવા વસ્ત્રાપુર, સોલા અને બોપલમાં છેલ્લાં 2 મહિનાના સમયગાળા દરમિયાન અનેક આવી ઘટનાઓ બનતા પોલીસ સતર્ક બની છે. આ પોશ વિસ્તારોમાં ગુનાહિત ઘટનાઓ બનતી અટકાવી શકાય, તે માટે સોલા પોલીસે ખાસ ‘પ્રોજેક્ટ સતર્ક’ શરૂ કર્યો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારોમાં ચેન સ્નેચિંગ, વાહન ચોરી, ઘરફોડ ચોરી, લૂંટ અને અપહરણ જેવી ઘટનાઓમાં છેલ્લાં બે મહિનાથી વધારો થયો છે. બોપલમાં ટૂંકા સમયગાળામાં બે લૂંટની ઘટના બનતા PIની બદલી પણ કરી દેવામાં આવી છે.

જ્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીના અપહરણનો ચકચારી કેસ 7 દિવસ બાદ મહામહેનતે ઉકેલાયો છે, ત્યારે આવી ઘટનાઓ અટકાવવા માટે સોલા પોલીસે પ્રોજેક્ટ સતર્ક શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ થકી આ પ્રકારની ઘટનાઓને બનતા અટકાવી શકાય.

‘પ્રોજેક્ટ સતર્ક’ અંતર્ગત આ પ્રકારના ગુનાથી લોકો કંઈ રીતે બચી શકે? ઘરમાં થતી ચોરી કંઈ રીતે અટકાવી શકાય?, સાયબર ક્રાઈમથી કંઈ રીતે નુક્સાન થતું અટકાવી શકાય? તેવા તમામ પ્રશ્નોની માહિતી પોલીસ સ્ટેશન તેમજ સોલા પોલીસનાં હસ્તક આવતી તમામ પોલીસ ચોકીઓમાં લગાવવામાં આવ્યા છે.

આ સાથે જ પોલીસ દ્વારા પેમ્ફલેટ બનાવીને પણ પોલીસ સ્ટેશનમાં આવતા તમામ લોકોને આપવાનું આયોજન કર્યુ છે. આ પ્રોજેક્ટ થકી પશ્ચિમ વિસ્તારમાં થતી ગુનાહિત પ્રવૃતિઓ અટકાવવામાં ચોક્કસથી પોલીસને સફળતા મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, સોલા પોલીસે થોડા સમય પહેલાં ઘરફોડ ચોરીઓને અટકાવવા માટે તમામ સોસાયટીઓમાં પેટ્રોલિંગ કરતાં એ સમયે સૂઈ રહેલા સિક્યુરિટી ગાર્ડના ફોટો પાડીને સોસાયટીનાં સભ્યોને મોકલી તેઓને સતર્ક રહેવા સૂચન કર્યુ હતુ.

જ્યારે હાલમાં જ સોલા સિવિલ હોસ્પિટલમાંથી એક દિવસની બાળકીનુ અપહરણ કરનાર મહિલાને અથાગ મહેનત કરી ઝડપી હતી, ત્યારે અન્ય નાની મોટી ઘટનાઓ ટાળવા માટે પોજેક્ટ સતર્ક ખૂબ ઉપયોગી નિવડી શકે તેમ છે. હવે જોવાનું રહેશે કે, આ “પ્રોજેક્ટ સતર્ક” સોલા વિસ્તારમાં થતી ગુનાહિત પ્રવૃતિઓને કેટલા અંશે અટકાવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો