જાણો, પાકિસ્તાનની જેલમાંથી છૂટેલો ભારતીય જવાન શા માટે દેશની સેવા નથી કરવા માંગતો... - Sandesh
  • Home
  • India
  • જાણો, પાકિસ્તાનની જેલમાંથી છૂટેલો ભારતીય જવાન શા માટે દેશની સેવા નથી કરવા માંગતો…

જાણો, પાકિસ્તાનની જેલમાંથી છૂટેલો ભારતીય જવાન શા માટે દેશની સેવા નથી કરવા માંગતો…

 | 10:45 am IST

પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના જવાન ચંદુ ચવ્હાણની સૈન્યની નોકરી છોડવાની ઇચ્છા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે તેણે વરિષ્ઠોને પોતાની નોકરી છોડવાની ઇચ્છા જણાવી હતી.

ચંદુ ચવ્હાણ ઉપર હાલ મિલિટરી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં સારવાર ચાલી રહી છે. 24 વર્ષના ચંદુએ 29 સપ્ટેમ્બર, 2016ના ભૂલથી લાઇન ઓફ કન્ટ્રોલ (LOC) પાર કરી નાખી હતી. એ જ દિવસે ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ચાર મહિના પાકિસ્તાનની જેલમાં રહ્યા બાદ ચંદુ ચવ્હાણનો છુટકારો થયો હતો.

ભારત આવ્યા બાદ ચંદુ ચવ્હાણે અદાલતી કાર્યવાહીનો સામનો કરવો પડયો હતો. એ ઉપરાંત વરિષ્ઠોની મંજૂરી વગર શસ્ત્ર લઈ કેમ્પ છોડયો એટલે તેને સજા પણ સંભળાવવામાં આવી. એ પછી તેને અહમદનગરના લશ્કરી પ્રશિક્ષણ કેન્દ્રમાં મોકલવામાં આવ્યો. ચંદુને લગભગ ત્રણ અઠવાડિયાં અગાઉ મિલિટરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે, ત્યાં તેને મનોચિત્સા વિભાગમાં રાખવામાં આવ્યો છે.

હું છેલ્લા 20 દિવસથી મિલિટરી હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગમાં છું. ત્રણ દિવસ પહેલાં વરિષ્ઠ અધિકારીઓને પત્ર લખી નોકરી છોડવાની ઇચ્છા જણાવી છે. મારી સાથે જે બન્યું છે એ પછી મારી તકલીફ વધી છે. હવે સામાન્ય જીવન જીવવાની ઇચ્છા છે, એવું ચંદુ ચવ્હાણે કહ્યું હતું.

ચંદુનો મોટો ભાઈ પણ લશ્કરમાં
ચંદુ ચવ્હાણ મૂળ મહારાષ્ટ્રના ધૂળે જિલ્લામાં આવેલા બોરવિહરી ગામનો છે. ચંદુ 2012માં સૈન્યમાં ભરતી થયો હતો. ચંદુ રાષ્ટ્રીય રાઇફલ્સમાં તહેનાત છે. 22 વર્ષીય ચંદુએ સીમા ઓળંગ્યાના બે મહિના પહેલાં જ રાષ્ટ્રીય રાઇફલ્સ જોઇન કરી હતી. ચંદુનો મોટો ભાઈ ભૂષણ ચવ્હાણ પણ લશ્કરમાં છે. તે હાલ 9 મરાઠા રેજિમેન્ટમાં કાર્યરત છે.