કેટલાક ઉન્માદી લોકો તો કોરોનાના ચાહકો નીકળ્યા!   - Sandesh
  • Home
  • Columnist
  • કેટલાક ઉન્માદી લોકો તો કોરોનાના ચાહકો નીકળ્યા!  

કેટલાક ઉન્માદી લોકો તો કોરોનાના ચાહકો નીકળ્યા!  

 | 2:06 am IST

રોંગ નંબર :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

મુલ્લા નસરૂદ્દીન બીમાર હતા. ૧૦૪ ડિગ્રી તાવ હતો. બિલકુલ બેહોશ હતા. મુલ્લાના મિત્રએ મુલ્લાની પત્નીને પૂછયું :’આટલો બધો તાવ ક્યારથી આવ્યો?’ મુલ્લાની પત્નીએ કહ્યું : ‘કલાક થવા આવ્યો.’ મિત્રએ થર્મોમિટર લઈ મુલ્લાના મોઢામાં મૂક્યું. મૂકતાં જ મુલ્લાએ બેભાન અવસ્થામાં પણ ધીરેથી કહ્યું, ‘માચીસ પ્લીઝ!’ – મુલ્લા નસરૂદ્દીન ચેઇન સ્મોકર હતા! આવા જ કેટલાક રાજકારણીઓએ વડાપ્રધાનની જાહેર અપીલનો છડેચોક ભંગ કરીને પોતાની ચેઇન જોકરની ઇમેજને બરકરાર રાખી!

વડા પ્રધાને જનતા કરફ્યૂની વાત કરીને દેશહિતની વાત કરી, તો કેટલાંક ભાજપી નેતાઓએ પાર્ટી યોજીને દેહહિતની વાત કરી. દેહહિત એટલે ખાઓ, પીઓ ર એશ કરો, ર ક્યા? કહેવાય છે કે પૂરા ઘરની-પરિવારની ચિંતા ઘરના વડીલને હોય છે, અને ઘરનાં નાનાં-મોટાં સભ્યોને માત્ર પોતપોતાની ખુશી અને મરજીની ચિંતા હોય છે. કેટલાક નેતાઓ દેશપ્રેમી હોય છે. કેટલાક નેતાઓ દેહપ્રેમી હોય છે.

જે સાંજે વડા પ્રધાને કોરોના વાઇરસ સંદર્ભે તકેદારીનાં પગલાં રૂપે લોકોને અપીલ કરી કે આજથી આવનારા કેટલાક દિવસો સુધી કોઈએ કામ સિવાય બહાર નીકળવું નહીં અને અનિવાર્ય સંજોગોમાં નીકળવાનું બને તો એકબીજાંથી એક મીટરનું અંતર રાખીને મળવું. આ અપીલના પડઘા હજી શમ્યા ય નહોતા અને પછીના દિવસોમાં મધ્યપ્રદેશના કેટલાક સત્તાપ્રેમી ભાજપી નેતાઓ એકબીજાના હાથ પકડી માદક અને ઉન્માદક નૃત્ય કરવા લાગ્યા, અને આ રીતે આ લોકોએ વડા પ્રધાનની અપીલનું જાહેરમાં – ખુલ્લેઆમ વસ્ત્રાહરણ કરી નાખ્યું. આમ તો છીંક ખાવી હોય તો પણ વડાપ્રધાનને પૂછીને જ ખાય કે સાહેબ, હું છીંક ખાઉં? – આટલો ઉચ્ચ કક્ષાનો વિવેક ચૂકીને આ લોકો સત્તાપ્રાપ્તિનો ડાન્સ કરવા લાગ્યા ત્યારે સામાન્ય ગણાતી જનતાને અસામાન્ય કહેવાય એવો ખ્યાલ ચોક્કસ આવી જ જાય છે કે વડા પ્રધાનનું અપમાન કરવાનો અબાધિત અધિકાર, કેટલાક ભાજપી નેતાઓએ મેળવી લીધો હોય એમ લાગે છે!

મહેનત-મજૂરી કરીને મેળવેલા રૂપિયા કરતાં, કોઈના પડાવી લીધેલા કે ઝૂંટવી લીધેલા રૂપિયાનો આનંદ કંઈક જુદો જ હોય છે એ વાતની પ્રતીતિ મધ્યપ્રદેશના કેટલાક નેતાઓએ પૂરા દેશને કરાવી દીધી છે. આનંદ ઉત્સાહ પણ સર્જે છે અને ઉન્માદ પણ સર્જે છે. મહેનત મજૂરીથી મેળવેલો આનંદ ઉત્સાહનું સર્જન કરે છે અને ઝૂંટવી લીધેલાનો આનંદ ઉન્માદનું સર્જન કરે છે. ઉત્સાહ ગમે તેટલો પાવરફુલ કેમ ન હોય, એ પોતાની મર્યાદા, પોતાની શરમ અને પોતાના વિવેકને ક્યારેય ચૂકતો નથી. ઉન્માદની બાબતમાં આવું કહેવાનું સાહસ ન કરી શકાય! ઉત્સાહ હંમેશાં સંસ્કારી જ હોય અને ઉન્માદ… એના વિશે ‘હવે’ કંઈ કહેવાની જરૂર ખરી? વાચકો સમજુ છે, સમજી જ ગયા હશે!

તકેદારીનાં પગલાં રૂપે જુદાં જુદાં રાજ્યોએ ૧૪૪ કલમનો ઉપયોગ શરૂ કર્યો છે એ સારી વાત છે. આમ તો જોકે ૧૪૪ની કલમનો ‘ઉપયોગ કરવો’ અને ૧૪૪ની કલમનો’સહારો લેવો’ એમાં બહુ મોટો ફરક છે. આ કલમનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જનતાના સ્વાસ્થ્ય અને સગવડનો ખ્યાલ રાખવામાં આવે છે, પણ આ કલમનો જ્યારે સહારો લેવામાં આવે છે, અથવા તો એની શરણાગતિ સ્વીકારવામાં આવે છે ત્યારે માત્રને માત્ર સત્તાના સ્વાસ્થ્ય અને સગવડનો જ ખ્યાલ રાખવામાં આવે છે. સત્તાના સ્વાસ્થ્ય અંગેની ચિંતા રાખનારાઓનું એકમાત્ર સૂત્ર કે એમનો એકમાત્ર મહામંત્ર હોય છે : ‘૧૪૪મી કલમમ્ શરણમ્ ગચ્છામિ!’ હાલના સંજોગોમાં જ્યારે કોરોના વાઇરસ વાઈ રહ્યો છે ત્યારે ૧૪૪મી કલમનો ઉપયોગ જ નહીં, સદુપયોગ થઈ રહ્યો છે એમ જરૂર કહી શકાય! પણ સવાલ એ થાય છે કે ૧૪૪મી કલમનો ઉપયોગ શું માત્ર ને માત્ર જનતા માટે જ કરવામાં આવી રહ્યો છે? આ કલમ સત્તાપ્રાપ્તિની ઉજવણી કરતા નેતાઓને, ખરીદ-વેચાણ સંઘમાં ટોળે વળતા સાંસદો કે ધારાસભ્યોને કે પછી કનિકા કપૂર જેવી ગાયિકાની મહેફિલ માણતાં સાંસદ કે મંત્રી કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી – આમાંના કોઈનેય ૧૪૪મી કલમ લાગુ નથી પડતી? લાગે છે કે આ બધા નેતાઓ કે નાની-મોટી સાઇઝ-ડિઝાઇન ધરાવતા રાજકારણીઓ પૂરેપૂરા સેનિટાઇઝ્ડ થઈ ગયા છે!  કેટલાક નેતાઓમાં નેતા કરતાં રાજકારણીની ઇમેજ અને એનર્જી વધારે પ્રમાણમાં એક્ટિવેટ થતી રહેતી હોય એની, એમનાં વિચાર, વાણી અને (સદ) વર્તન પરથી ખબર પડી જાય છે. સમય કુદરતી મહામારીનો હોય કે માનવસર્જિત મહામારીનો, મતલબ કે રાજકીય મહામારીનો હોય, અમુક નેતાઓને બાદ કરતાં મોટા ભાગના રાજકારણીઓને આવી મહામારીની કોઈ જ અસર થતી નથી. અસર તો એને થાય સાહેબ, કે જેને આવી મહામારી અટકાવવાની દસ કે બાર ગ્રામ જેટલીય ચિંતા હોય! ‘અવળનીતિશાસ્ત્ર’માં ન્યૂ ચાણક્ય આજના નેતા અને રાજકારણી વચ્ચેનો મહાભેદ સમજાવતાં કહે છે : નેતા એ છે, જે હંમેશાં ચિંતાયુક્ત હોય અને રાજકારણી એ છે, જે પૂર્ણકાલીન ચિંતામુક્ત હોય!

અત્યારનો માહોલ જ એવો છે કે વાત ગમે ત્યાં થતી હોય, વચ્ચે વિષય કોરોનાનો તો આવે જ! કોરોના આજકાલ વાતચીતનું અને મોબાઇલ પર એકબીજાની ખબર પૂછવાનું અને એકબીજાંને સલાહ આપવાનું સરળ સાધન બની ગયું છે. જે મળે એ સાલું કોરોના વિશે આપણા કરતાં વધારે જાણકાર હોય છે. ગુજરાતના ગાલિબ કહેવાતા ‘મરીઝ’ ને પણ વરસો પહેલાં આજના વાતાવરણનો ખ્યાલ આવી ગયો હશે, તો જ એમણે લખ્યું હશે ને કે :

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,  

જેને મળું છું મુજથી સમજદાર હોય છે’  

વડા પ્રધાનની અપીલને માન આપીને પૂરા ઇન્ડિયાએ જનતા કરફ્યૂનું ‘ચહે દિલસે પાલન કરી બતાવ્યું’ કોરોના પણ બે ઘડી તો વિચારતો થઈ જાય કે જે દેશની જનતામાં આટલો લોખંડી સંપ અને પોલાદી એકતા હોય એની અડફેટે ચડવામાં મજા નથી બાપ, કઈ ઘડીએ ધનુર થઈ જાય કાંઈ કહેવાય નહીં! જનતા કરફ્યૂનો મોટો ચમત્કાર તો એ જોવા મળ્યો કે જે મહાનુભાવો મહા-અનુભવો મેળવવા માટે ત્રણસો પાંસઠે દિવસ ઘરની બહાર ને બહાર જ તપસ્યા કરતા રહેતા’તા એ લોકો પણ જનતા કરફ્યૂના દિવસે ઘરમાં જ ટકી રહ્યા. ઘરમાં રહેવું અને ટકી રહેવું એમાં ફરક છે સાહેબ, કેટલાકને તો એ દિવસે જ ખબર પડી કે અરે, ઘરમાં એક રીડિંગરૂમ પણ છે!

કેટલાક બાળકો તો જનતા કરફ્યૂના દિવસે પપ્પાને ઘરકામ કરતા જોઈને મોઢામાં આંગળાં નાખી ગયાં, કે શું આ એ જ પપ્પા છે જેમને આજ સુધી એટલીય ખબર નહોતી કે સાવરણી ક્યાં પડી હોય છે, એ આજે કચરો વાળતા થઈ ગયા?! આવું જ આૃર્ય ભારતભરનાં વાઇફવર્લ્ડને થયું કે અરે વાહ, પોતાનો એક હાથરૂમાલ ધોઈને નહીં સૂકવી શકનારો, આજે વોશિંગ મશીનમાંથી કપડાં કાઢીને સૂકવતો થઈ ગયો! આ તો કંઈ નથી સાહેબ, જનતા કરફ્યૂની પોઝિટિવ સાઇડ ઇફેક્ટ્સ એક એકથી ચઢિયાતી છે. બધું લખવા બેસીએ તો ઉઘાડા પડી જવાની બીક છે. એક તો કોરોનાની એટલી તીવ્ર બીક છે કે નાની યાદ આવી જાય એમાં અન્ય બીકોને શા માટે મહત્ત્વ આપવું?

જનતા કરફ્યૂના દિવસે એક અભૂતપૂર્વ ઘટના બની. જૂના અમદાવાદના વિખ્યાત વિસ્તારના નવા નાગરિકોએ સાંજના પાંચ વાગ્યા સુધી ૧૪૪મી કલમનો કડક અમલ કર્યો અને એ પછી જાહેરમાં સરઘસ કાઢીને, આખો દિવસ જાળવેલા સંયમની ઉજવણી કરી. લોકોની સેલ્ફ અવેરનેસ કેટલી ઉચ્ચ કક્ષાની છે એ આ ઘટના પરથી જાણવા મળ્યું! જનતા કરફ્યૂના દિવસે શાકભાજી અને જીવનજરૂરી ચીજવસ્તુનો ભાવ વધવા માંડયો, પણ જિંદગીમાં ક્યારેય નહીં કરેલાં કામો ઘરમાં ફરજિયાત રહેવાને લીધે કરવાં પડયાં, પરિણામે પરસ્પર પ્રત્યેનો અભાવ પણ વધવા માંડયો. વસ્તુઓના ભાવ વધ્યા, પ્રિયજનોમાં અભાવ વધ્યો, તેમ છતાં દરેકનો સ્વભાવ તો એવો ને એવો જ રહ્યો, સરકારની અપીલ કે કાયદાનો સરેઆમ ભંગ કરવાનો!

ડાયલટોન :  

  • જે લોકો આપણા પર ભરોસો રાખે છે તે ‘આપણને કંઈક શીખવતાં હોય છે.’
  • એલિયટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;