ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપને કારણે લોકો પ્રાણી સંગ્રાહલયમાં રહેવા મજબૂર!! - Sandesh
  • Home
  • Featured
  • ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપને કારણે લોકો પ્રાણી સંગ્રાહલયમાં રહેવા મજબૂર!!

ફિફા ફૂટબૉલ વર્લ્ડ કપને કારણે લોકો પ્રાણી સંગ્રાહલયમાં રહેવા મજબૂર!!

 | 5:43 pm IST

વિશ્વની સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ વર્લ્ડ કપનો 14મી જૂનથી રશિયાની યજમાનીમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે પરંતુ આ વર્લ્ડ કપ યેકાતેરિનબર્ગ શહેરના નિવાસીઓ માટે આફતરૂપ બનીને આવ્યો છે જેની સુરક્ષાનાં નામ પર તેઓ પોતાના જ ઘરમાં નજરકેદ થઈને રહી ગયા છે. ઉલ્લેખનીય છે કે, રશિયામાં નવ લાખ જેટલા પોલીસ ઓફિસર છે પરંતુ વર્લ્ડ કપમાં કેટલા પોલીસકર્મીઓને સામેલ કરાયા છે આંકડો સ્પષ્ટ થયો નથી.

14 જૂનથી 15 જુલાઈ સુધી યોજાનાર વર્લ્ડ કપ માટે સઘન સુરક્ષા બંદોબસ્ત કરાયો છે પરંતુ સુરક્ષા સુનિશ્ચિત કરવાને કારણે પ્રશાસને વર્લ્ડ કપ મેચોમાં યજમાન શહેરોનાં સ્થાનિક નાગરિકો માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે જેમાં યેકાતેરિનબર્ગ શહેરમાં સ્ટેડિયમનની નજીક રહેતા લોકોની સ્થિતિ વધુ ખરાબ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી યેકાતેરિનબર્ગમાં ફૂટબોલ સ્ટેડિયમની નજીક રહેનાર નાગરિકોને મુખ્ય માર્ગ, ઘરોની છત અને ઘરના મુખ્ય દ્વારો પર ઊભા રહેવાની સાથે પાર્કિંગનો ઉપયોગ કરવાની પણ રોક લગાવી દેવાઈ છે. ફૂટબોલ સ્ટેડિયમ રહેણાંક વિસ્તારથી એટલો નજીક છે કે, લોકો પોતાના ઘરની બારીએથી પણ મેચ જોઇ શકે છે. તેવામાં પ્રશાસનને કોઈ પ્રકારના હુમલાની આશંકાને ધ્યાને રાખી સ્ટેડિયમ અને રહેણાંક વિસ્તાર વચ્ચે લોખંડના તારથી વિભાજન કરી દેવાયું છે. આ ઉપરાંત ત્રણ મીટર ઊંચા અવરોધક અને સીસીટીવી કેમેરા પણ લગાવાયા છે જેથી લોકો ઘરમાંથી મેચ ન જોઇ શકે.

આ સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ચાર મેચ યોજાનાર છે. સ્થાનિક લોકો માટે મુશ્કેલી એટલા માટે પણ વધુ છે કે, એક મહિના સુધી ચાલનાર ટૂર્નામેન્ટ જ્યાં 15 જુલાઇએ સમાપ્ત થશે ત્યારે તેમના માટે આ રોક ઓગસ્ટ સુધી રહેશે. પોલીસે લોકોને શેડ અને બારીએ ઊભા ન રહેવા જણાવ્યું છે. પોલીસે કહ્યું કે, જો તેઓ બારીએ ઊભેલા જોવા મળશે તો હુમલાખોર સમજી પોલીસ સ્નાઇપર ગોળી મારી શકે છે. સ્ટેડિયમમાં 27 ક્રાઇલોવા સ્ટ્રીટની નજીક રહેનાર 12 માળની ઇમારતનાં લોકો તો પોતાના ઘરની બારીએથી બેસીને મેચ જોઈ શકે છે અને સ્ટેડિયમનાં સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોને પણ જોઇ શકે છે.

કેટલાક લોકો પ્રાણીસંગ્રહાલયમાં રહેવા મજબૂર

અહીંની એક સ્થાનિક નાગરિક એલીનાં મોરમોલે કહ્યું કે, અમે તો પ્રાણીસંગ્રહાલયમાં રહેવા મજબૂર બન્યા છીએ અને અમારી બિલ્ડિંગના મુખ્ય દ્વાર પણ બંધ છે. 15 લાખ લોકોની વસતીવાળા યેકાતેરિનબર્ગ જ નહીં પરંતુ અન્ય યજમાન શહેરોમાં પણ આ પ્રકારે સુરક્ષા મજબૂત કરવામાં આવી છે. અન્ય એક શહેરના નિવાસી અને સુરક્ષા ઘેરામાં રહેલા યેવેજિની ચેર્નોવે કહ્યું , આ તમામ બાબતો લોકો અથવા પ્રશંસકો માટે નથી થઈ રહી. આ તો અધિકારીઓનું કામ છે જેમને સુરક્ષાની જવાબદારી પૂર્ણ કરવાની છે. તેણે કહ્યું કે, તેઓ સ્ટેડિયમની નજીક એક દુકાન ચલાવે છે પરંતુ અહીં સુરક્ષાને કારણે તેની કમાણી અડધી થઈ ગઈ છે. આ ઉપરાંત ચેલિયાબિન્સક સ્થિત સ્થાનિક એરપોર્ટ પર પણ વર્લ્ડ કપ દરમિયાન લોકોને વિદેશ જવા પર રોક લાગી શકે છે.