બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે સોમવારે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી(ભાજપ) સાથે નીકટતા જોઈને કેટલાક લોકો તેમની રાજનૈતિક હત્યા કરવાની કોશિશ કરી રહ્યા છે. પટણામાં જનતા દળ(યુનાઈટેડ) વિધાનસભા દળના સભ્યોની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ નીતિશકુમારે ઉલ્લેખ કરતા કહ્યું કે આ માટે અનેક પ્રકારની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

બેઠક બાદ બહાર નીકળ્યા પછી પાર્ટીના એક વિધાયક પાર્ષદે જણાવ્યું કે બેઠકમાં નીતિશકુમારે સ્પષ્ટપણે કહ્યું કે કેટલાક માધ્યમો નિરાધર અહેવાલો પ્રકાશિત કરી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા અધ્યક્ષ અમિત શાહ સાથે તેમની મુલાકાતની ખબરો પ્રકાશિત થઈ હતી અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરવાની ખબરો આવી રહી છે.

નીતિશકુમારે આ બેઠકમાં કહ્યું કે તેઓ માત્ર નોટબંધીના નિર્ણયનું સમર્થન કરે છે, આ નિર્ણયથી ભાજપ સાથે નીકટતા વધી નથી. તેમણે કહ્યું કે બિહારમાં મહાગઠબંધનની સરકાર મજબુતીથી ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા નીતિશકુમારે એક સમારોહમાં સાર્વજનિક રીતે ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે કોઈ પણ પ્રકારની મુલાકાતના અહેવાલોને ફગાવ્યા હતાં.