કેટલાક ગામોની પ્રા. શાળામાં શિક્ષકોની ઘટ તો ક્યાંક એસ.ટી. સુવિધા જ નથી

10

દિયોદર, તા.૨૦

બનાસકાંઠા જિલ્લા પંચાયતે હમણાં તાજેતરમાં ૬.૫૮ કરોડની પુરાંતવાળું બજેટ મંજૂર કર્યું છે, પરંતુ આ બજેટના વાયદાઓ માત્ર કાગળ ઉપર જ રહે છે. દર વર્ષ વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ જોવા જઈએ તો હજુ પણ કેટલાય ગામો પાયાની સુવિધાથી વંચિત છે ત્યારે દિયોદર તાલુકામાં ૬૬ જેટલા ગામોનો સમાવેશ થયેલ દિયોદર તાલુકા પંચાયત દ્વારા પણ કરોડો રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવે છે, પરંતુ આ બજેટ માત્ર કાગળ પર વાયદા જ કરતા હોવાની લાગણી ગ્રામજનો અનુભવી રહ્યા છે, કારણ કે હજુ પણ કેટલાય ગામોમાં પાણીની પૂરતી સુવિધા જ નથી. આઝાદીના વર્ષો વીતી ગયા હોવા છતાં કેટલાય ગામોમાં એસ.ટી. બસની સુવિધા જ નથી. દિયોદર અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ સાધનોનો સહારો લેવો પડે છે. તો બીજી તરફ તાલુકામાં મોટાભાગે શિક્ષકોની ઘટ છે જેથી એક શિક્ષક ત્રણ ત્રણ ધોરણના વિદ્યાર્થીને સાથે અભ્યાસ આવે છે. અંતરિયાળ ગામોમાં પાકા રસ્તા નથી. અનેક રસ્તાઓ ખખડધજ હાલતમાં છે. અનેક વખત ફરિયાદો કરવામાં આવે છે પરંતુ કોઈ નિવારણ આવતું નથી. ગટર, રોડ રસ્તા, પંચાયત ઘર, પ્રા. આરોગ્ય કેન્દ્રો તેમજ પેટા કેન્દ્રો, પશુ દવાખાના શોભાના ગાંઠિયા સમાન છે. કેટલીય પ્રા. શાળા જર્જરિત હાલતમાં છે જેના કારણે ગ્રામજનો નિરાશા અનુભવી રહ્યા છે. રાજકારણીઓને વિકાસ કરવામાં નથી કે શું ? આગામી સમય વિધાનસભા ચૂંટણીના ડાકલા વાગી રહ્યા છે ત્યારે હવે પ્રજા પણ નેતા પાસે જવાબ માગે તો નવાઈ નહીં.