Some Weight Loss Foods banana , Know How?
  • Home
  • Featured
  • વજન ઘટાડી આપતા કેટલાંક ખાદ્ય પદાર્થ, જાણો કેવી રીતે?

વજન ઘટાડી આપતા કેટલાંક ખાદ્ય પદાર્થ, જાણો કેવી રીતે?

 | 8:00 am IST

ડાયટ ટિપ્સ :- શુભાંગી ગૌર

તજઃ તજ વજન ઉતારવા માટેનો એક સરસ તેજાનો છે. રોજ માત્ર અડધી ચમચી તજ પાઉડર લેવાથી બ્લડ સુગર કાબૂમાં રહે છે અને જમ્યા પછી આવતા ઈન્સ્યુલિનના ઉછાળાને રોકે છે. આ વધારાને કારણે શરીર ચરબી બાળતું નથી પણ વધારે પ્રમાણમાં તેનો સંગ્રહ કરવા પ્રેરાય છે. આ નટ ફ્લેવરનો તેજાનો તેના ડાયાબિટીસ પ્રતિરોધક ગુણો માટે પણ જાણીતો છે. તજ તમારી ગળ્યું ખાવાની તીવ્ર ઇચ્છા માટે જાદુઈ કામ કરે છે અને તમને ચરબીવાળા પદાર્થો અને ડેઝર્ટથી દૂર રાખે છે. માત્ર એટલું જ નહીં, તે લોહીના પરિભ્રમણને સુધારે છે, જે તમને ઝડપથી ફીટ બનાવવામાં મદદ કરે છે. તજનો ભૂકો કેકના ખીરામાં અથવા ચા કે કોફીમાં ખાંડની અવેજીમાં નાખો જેથી તમને આ અદ્ભુત તેજાનાનું વધુમાં વધુ સત્ત્વ મળે.

કેળાં: એક જાણીતા પોષણ-નિષ્ણાતના મતાનુસાર, કેળાં એ આરોગ્યપ્રદ આહારનો એક ભાગ છે અને વજન ઘટાડવાના આહારનો પણ એક ભાગ હોવો જોઈએ. આમ છતાં કોઈ પણ ખોરાક પોતાની જ રીતે વજન ઘટાડવામાં મદદ કરી શકતો નથી. વ્યક્તિએ કેલેરીમાં ઘટાડો કરવો જોઈએ (કેલેરી ડેફિસિટ), એટલે કે જેટલી કેલેરી દિવસ દરમિયાન લેતો હોય તેનાથી વધારે કેલેરી બાળવી.

મોટાભાગના કિસ્સામાં, ૧૦થી ૧૫ ટકા જેટલો કેલેરીનો ઘટાડો અથવા કેલેરી ડેફિસિટ સારામાં સારું કામ કરે છે અને એનાથી વધારે કેલેરી ડેફિસિટ કરવાથી ચરબી બળવાને બદલે સ્નાયુઓમાં ઘટાડો થાય છે. કેળાંમાં હેલ્ધી કાર્બન છે જે વધારે કાર્ય કરવા માટે અને સારી લાગણી માટે શક્તિ આપે છે. તેમાં પોટેશિયમનું પ્રમાણ પણ સારું છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. કેળાંનું ફઈબર ચરબી ઘટાડવા માંગતા લોકોને ભૂખ પર કાબૂ કરવામાં ઘણી સારી મદદ કરે છે. તે કબજિયાત મટાડે છે. શું તમે જાણો છો કે કેળાંમાં રહેલું વિટામિન બી૬ વિદ્યાર્થીઓને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

કેળાં ખાવાથી ડિપ્રેશનમાં ઘટાડો થાય છે, કારણ કે તેમાં ટ્રીપ્ટોઈન રહેલું છે. આ ફ્ળ એનિમિયા માટે પણ ઉત્તમ છે, કારણ કે તેમાં રહેલું આયર્ન એનિમિયા સુધારવામાં મદદ કરે છે. કેળાં ખાવાનો શ્રેષ્ઠ સમય સવારનો નાસ્તો છે. તમે તેને સમારીને દૂધના વાડકામાં થોડી સ્ટ્રોબેરી સાથે લઈ શકો.

કોફીઃ કોફીમાં રહેલું કેફિન તમારા આરામના સમયનું ચયાપચન લગભગ ૧૫ ટકા જેટલું વધારી શકે છે અને તેની અસર ચાર કલાક સુધી રહે છે. જે રોજની બીજી વધારાની ૩૦-૫૦ કેલેરી બાળે છે. વળી એક અભ્યાસ કહે છે કે જે લોકો રોજના ત્રણથી ચાર કપ સાદી કે ડીકેફિનેટેડ કોફી પીવે છે. તેઓમાં ટાઈપ -૨ ડાયાબિટીસ થવાની શક્યતા ૩૦ ટકા ઓછી થઈ ગઈ હોય છે.

હળદરઃ હળદરની ગાંઠનો શક્તિશાળી અર્ક લીવરને ચોખ્ખું કરે છે અને ચયાપચયની ક્રિયાને વધારે છે. તે શરીરને એન્ટિ ઓક્સિડન્ટ વડે સાફ કરવા માટે જાણીતી છે અને કુદરતી રીતે જ સોજા ઘટાડવાનો સારો ગુણ ધરાવે છે.

લીલી ચા (ગ્રીન ટી): ગ્રીન ટીમાં કેટચીન્સ અને પોલિફીનોલ્સ નામના ઘટક રહેલા છે. આ બે ઘટક શરીરમાં ભેગી થયેલી ચરબીને બહાર ધકેલવાનું કામ કરે છે.

લીંબુઃ ઊંચા ક્ષારીય ગુણ ધરાવતું આ ફ્ળ શરીરમાં પીએચના સ્તરનું સમતોલન કરે છે. જે ચરબીના ઘટાડાની ક્રિયા માટે સારામાં સારી સ્થિતિ છે. સંશોધન પણ દર્શાવે છે કે રોગ મોટેભાગે શરીરની એસિડિક સ્થિતિમાં જ ઉદ્ભવે અને શ્વસે છે. આથી શરીરનું માધ્યમ આલ્કલાઈન રાખવું એ સારી ટેવ છે જે આહારમાં લીંબુ લેવાથી બને છે. લીંબુમાં ભરપૂર વિટામિન સી હોય છે અને તેથી તે પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

કેપ્સિકમઃ પોષણ નિષ્ણાતોના મતે લોકોને વજન ઘટાડવામાં મદદ કરતું કોઈ એક તત્ત્વ હોય તો તે મરચાં અને અમુક જાતના કેપ્સિકમમાં ક્રિયાશીલ રીતે જોવા મળતું સંયોજન છે. તે ચયાપચયના દરમાં વધારો કરે છે. જ્યારે આમ બને ત્યારે તમારું શરીર કેલરી બાળે છે. આથી જો તમે થોડુંક તીખું ખાઈ શકતા હોવ તો તમારે મરચાં લેવાનું અજમાવવું જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન